Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજકોટમાં અનોખો કિસ્સો :ઘરના નામ માટે પરિવાર કે ભગવાનનાં નામને બદલે 35 વર્ષ જુના વાહનની નંબર પ્લેટનો ઉપયોગ કર્યો

વાહન સ્કેપ થઈ જતા રાજકોટમાં રહેતા રાજેશભાઇ મૈયડે તેમનો 15 વર્ષ જૂનો ટ્રક નિયમ મુજબ સ્ક્રેપમાં આપી ઘરનું નામ ટ્રકના નંબર GQY 4618 રાખ્યું

રાજકોટમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સૌપ્રથમ એક વ્યક્તિએ પોતાના ઘરના નામ માટે પરિવાર અને ભગવાનનાં નામને બદલે 35વર્ષ જુના વાહનની નંબર પ્લેટનો ઉપયોગ કર્યો છે. પોતાનું આ વાહન સ્કેપ થઈ જતા રાજકોટમાં રહેતા રાજેશભાઇ મૈયડે તેમનો 15 વર્ષ જૂનો ટ્રક નિયમ મુજબ સ્ક્રેપમાં આપી ઘરનું નામ ટ્રકના નંબર GQY 4618 રાખ્યું છે.

આ અંગે રાજેશભાઇ ગોવિંદભાઇ મૈયડે જણાવ્યું હતું કે, વધતા પ્રદૂષણને કારણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. ભારતમાં નિયમો અનુસાર આવા વાહનોનો ઉપયોગ કરી શકાતો નથી. જેથી સરકારે પણ 15 વર્ષ જુના વાહનો આરટીઓમાં જમા કરાવવા કહ્યું છે. આ નિયમને ધ્યાનમાં રાખીને તેમણે પોતાનો 1988નો 35 વર્ષ જુનો ટ્રક આરટીઓમાં જમા કરાવ્યો છે. જોકે આ ટ્રક દ્વારા અમે 35 વર્ષ ધંધો કરી ઘણી પ્રગતિ પણ કરી છે. આ ગાડી (ટ્રક)એ ક્યારેય અમને હેરાન કર્યા નથી.

 

આ ગાડી (ટ્રક) અમારી પાસે નહીં રહેવાથી અમને દુખ જેવુ છે. પણ અમે સરકારના નિયમને ફોલો કરીને આ આ પગલું ભર્યું છે. અને લોકોને પણ નિયમનું પાલન કરવાની અપીલ કરી છે. આ ટ્રકની યાદ કાયમ રહે તે માટે મને મારા ઘરનું નામ ટ્રકનાં નંબર પરથી રાખવાનો વિચાર આવ્યો હતો. આ ટ્રકને મેં જીવની જેમ રાખ્યો હોવાથી વાકેફ મારા પરિવારે પણ આ વાત સ્વીકારી લીધી હતી. જેને લઈને મારા ઘરનું નામ વૃંદાવન હતું તે બદલીને GQY 4618 રાખ્યું છે. સામાન્ય રીતે લોકો ઘરના નામમાં ભગવાનના કે પોતાના બાળકોના નામ રાખતા હોય છે. પરંતુ મેં મારા બાળક સમાન ટ્રકનો આ નંબર ઘરનાં નામ તરીકે રાખ્યો છે.

વધુમાં રાજેશભાઇએ જણાવ્યું કે, મારો ટ્રક 35 વર્ષ જૂનો થઈ ગયો હતો. એટલે મે વિચાર્યુ કે સરકારશ્રીનાં નિયમ પ્રમાણે 15 વર્ષ પછી ગાડી જમા કરાવે તો તેને જીએસટી જે લાગુ પડે તેમાંથી અઢી લાખ રૂપિયા મળે છે. ત્યારે મે વિચાર કર્યો કે હાલ આ ગાડી જુની થઈ ગઈ છે. ટ્રાફિકમાં અડચણરૂપ થાય અને જુની ગાડી પ્રદુષણ વધારે તેથી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે. એટલે મે આ વિચારીને આરટીઓમાં આ ગાડી મે જમા કરી છે. જોકે સરકારને મારી નમ્ર વિનંતી છે કે, નિયમ મુજબ 15 વર્ષ પછી આ કોઈ જુની ગાડી જમા કરાવે અને તેમાંથી તેને જે અઢી લાખ રૂપિયા મળે તે આપે કે જે જીએસટી બાદ મળે તે આપે. જેથી વધુમાં વધુ લોકો પોતાની જૂની ગાડી આરટીઓમાં જમા કરાવવા પ્રેરાય અને પ્રદુષણ તેમજ અકસ્માતમાં ઘટાડો કરી શકાય. આ સાથે જ તેમને લોકોને પણ આ કામ માટે આગળ આવવા વિનંતી તેમણે કરી છે

(1:14 am IST)