Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

હે રામ... હવે રામવન પણ ખાનગી હાથોમાં સોંપવા તૈયારી

ટિકીટ તથા ફુડ કોર્ટ સહિતના કોન્‍ટ્રાકટ આપવા કાર્યવાહી : ટેન્‍ડરની છેલ્લી મુદ્દત ૨૮ ડીસેમ્‍બરઃ બેટરી કારની સુવિધા શરૂ થશે

રાજકોટ તા. ૭ : મ.ન.પા. દ્વારા તૈયાર થયેલ રામવન - અર્બન ફોરેસ્‍ટમાં ફુડ કોર્ટ તથા ટીકીટ તેમજ બેટરી કારનું ખાનગી સંસ્‍થાને સંચાલન સોંપવા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ કામ માટેના ટેન્‍ડરની છેલ્લી તા. ૨૮ ડિસેમ્‍બર રાખવામાં આવી છે.

શહેરના આજીડેમના નીચાણવાસમાં મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા ૪૭ એકરમાં ૧૩.૭૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ રામવન - અર્બન ફોરેસ્‍ટમાં મુલાકાતીઓની સુવિધા માટે ફુડ કોર્ટ, બેટરી કારની સુવિધા શરૂ કરવામાં આવનાર છે. આ સુવિધા માટે તંત્ર દ્વારા ફુડ કોર્ટ, ટીકીટ તથા બેટરી કારનો સંચાલન કોન્‍ટ્રાકટ આપવા ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યા છે. આ કામ માટે રસ ધરાવતી એજન્‍સી તા. ૨૮ ડિસેમ્‍બર સુધીમાં ઓનલાઇન ફોર્મ જમા કરવાના રહેશે. આ ટેન્‍ડર તા. ૨૧ સપ્‍ટેમ્‍બરની ઓનલાઇન પ્રારંભ કરાયો છે. રામવનના સંચાલનની મર્યાદા ૩ વર્ષની આપવામાં આવશે.

આ રામવન ૯ જુલાઇના રોજ ખુલ્લુ મુકવામાં આવ્‍યું હતું. શહેરીજનો માટે ૩૧ ઓગષ્‍ટ સુધી વિનામૂલ્‍યે પ્રવેશ આપવામાં આવ્‍યો હતો. ૧ સપ્‍ટેમ્‍બરથી મનપા તંત્ર દ્વારા પ્રવેશ ટીકીટનો ચાર્જ રાખવામાં આવ્‍યો છે. જેમાં બાળકોના રૂા. ૧૦ તથા મોટાના રૂા. ૨૦ વસુલવામાં આવે છે.  હાલમા આ રામવનમાં હજારો વૃક્ષો કુદરતી રીતે ઉછરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ આ જગ્‍યા એક વિશાળ વન (જંગલ)માં પરિવર્તીત થઈ જશે. આ સ્‍થળે ડેમના નિચાણવાસની નદી, ધોધ વગેરે કુદરતી રીતે જ આવેલા છે. જેથી આ સ્‍થળ વધુ રમણિય બનશે. હવે ‘રામવન'માં રામવનવાસની ક્ષણોની અનુભૂતિ મુલાકાતીઓને થાય તે માટે તે માટે આ વનમાં વિવિધ આકર્ષક જગ્‍યાઓ પર રામવનવાસની ઝૂપડીઓ, શબરીનો પ્રસંગ, કેવટનો પ્રસંગ, જટાયુનો પ્રસંગ વગેરે પ્રસંગોને અનુરૂપ શ્રીરામ ભગવાનના વિવિધ જીવંત સ્‍કલ્‍પચર (મૂર્તિઓ) મુકવામાં આવ્‍યા છે.

શહેરમાં કુદરતી વાતાવરણમાં વધારતો કરતુ અર્બન ફોરેસ્‍ટ ‘રામ વન' નિર્માણ પામી રહેલ છે. જેની કામગીરી પૂર્ણતાનાં આરે છે. આજી ડેમ પાસે કુદરતી સોંદર્ય ધરાવતા સ્‍થળે ૪૭ એકર જમીનમાં તૈયાર થઇ રહેલ રામ વન શહેરની સુંદરતામાં વધારો કર્યો છે. શહેરીજનોને હરવા ફરવા માટે એક નવું નજરાણું મળ્‍યું છે.

મહાનગરમાં ફરવાના સૌપ્રથમ ગણાતા સ્‍થળ આજી ડેમ બાજુમાં જ વિશાળ ૪૭ એકર જગ્‍યામાં અર્બન ફોરેસ્‍ટના નિર્માણનો પ્રોજેકટ પૂર્ણ થઇ ગયો છે . આ યોજનામાં રામવનની થીમ જોડવામાં આવતા ૭.૬૮ કરોડના ખર્ચે અર્બન ફોરેસ્‍ટ અને ૧.૬૧ કરોડના ખર્ચે થીમ આધારીત સ્‍કલ્‍પચર બનાવવામાં આવ્‍યું છે.

(3:27 pm IST)