Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

હુડકો ચોકડી પાસે કાળુભાઇ ભાદરકાની છરી ઝીંકી હત્યા કરનાર હિંમત ઉર્ફ કાળુ જૂનાગઢથી પકડાયો

ભકિતનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને રણજીતસિંહ જાડેજાની બાતમીઃ ગીરનાર તળેટી પાસેથી દબોચ્યો

રાજકોટ,તા. ૮ : કોઠારિયા રોડ હુડકો કવાર્ટરમાં કોળી યુવા પાસે કોઠારિયા ચોકડી પાસે માધવ પાર્કિંગના ગેઇટ પાસે ચાર દિવસ પહેલા ઇંડા ખાવાના પૈસા માંગવા બાબતે કોળી યુવાને પૈસા ન આપતા છરીનો ઘા ઝીંકી હત્યા કરનારા હિંમત ઉર્ફ કાળુ અમુદાનભાઇ લાંગાને ભકિતનગર પોલીસે જૂનાગઢ ગીરનાર તળેટી પાસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ હુડકો કવાર્ટર સી-૨૬૨માં રહેતા કાળુભાઇ રામજીભાઇ ભાદરકા (ઉવ.૪૨) ગત રવિવારે સાંજે કોઠારિયા ચોકડી પાસે ઇંડાનો નાસ્તો કરી હમણા આવું છું' તેમ કહીને એકટીવા લઇને ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ રાત્રે નવેક વાગ્યા આસપાસ કાળુભાઇને લોહી લુહાણ હાલતમાં કોઠારિયા ચોકડીએ જે ઇંડાની લારીએ ઇંડા ખાવા ગયેલ તે હબીબભાઇને ભત્રીજો અરમાન એકટીવામાં બેસાડી ઘરે મુકવા આવ્યો હતો. પત્નીએ તેને લોહી લુહાણ હાલતમાં જોતા શું થયું તેમ પુછતા તેણે કહ્યુ હતુ કે 'મને કોઠારિયા ચોકડીએ કાળુ ગઢવીએ છરીનો ઘા મારી દીધો છે, તેમ કહેતા તેને તાકીદે મધુરમ હોસ્પિટલમાં ખસેડાયો હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ  અંગે ભકિતનગર પોલીસે તાકીદે હોસ્પિટલે પહોંચી હત્યાનો ભોગ બનનાર કાળુભાઇ ભાદરકાના પત્નીની ફરિફાદ પરથી કાળુ ગઢવી વિરૂધ્ધ આઇપીસી ૩૦૨,૩૪૨,૧૨૫ (૨) મુજબ ગુનો દાખલ કરી પી.આઇ. જે.ડી.ઝાલા તથા રાઇટર નિલેષભાઇ મકવાણા અને ઘનશ્યામભાઇ મેણીયા સહિતે તપાસ હાથ ધરી હતી અને આરોપીને શોધવા માટે ત્રણ ટીમો બનાવી આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવ્યા હતા અને ઘટના સ્થળની આસપાસ તપાસ કરતા હત્યા કરનાર હિંત ઉર્ફે કાળીયો અમુદાન લાંગા નામ જાણવા મળ્યુ હતું. બાદ તેના ઘરના સભ્યો અને સગાસંબંધીની પુછપરછ કરતા હિંમત ઉર્ફે કાળીયો ગાંજો પીવાની ટેવ ધરાવતો હોવાનું જાણવા મળતા ગાંજો પસીવાની ટેવ ધરાવતા શખ્સોને રાઉન્ડ અપ કરી પુછપરછ હાથ ધરી હતી. દરમ્યાન હિંમત ઉર્ફે કાળીયો ગઢવી જૂનાગઢમાં હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને રણજીતસિંહ જાડેજાને બાતમી મળતા જૂનાગઢમાં ભવનાથ તળેટી રોડ પર રામાપીરની જગ્યા પાસેથી હિંમત ઉર્ફે કાળુ અમુદાનભાઇ લાંગા (ઉવ.૩૮) (રહે. કોઠારિયા ચોકડી હુડકો ચોકડી પાસે તથા કોઠારિયા સોલવન્ટ કવાર્ટર નં. ૯૫ ગોંડલ રોડ)ને પકડી લીધો હતો. આ કામગીરી પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ જોઇન્ટ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી એચ.એલ.રાઠોડની સુચનાથી પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.જે.હુકા, એ.એસ.આઇ ફીરોજભાઇ શેખ, હેડ કોન્સ. હીરેનભાઇ પરમાર, રણજીતસિંહ પઢારીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, સલીમભાઇ મકરાણી, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઝાલા, ભાવેશભાઇ મકવાણા, વિશાલભાઇ દવે અને હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

(3:55 pm IST)