Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ગ્રીનલેન્ડ ચોકડીએ પુલ તૈયાર : રાજકોટથી અમદાવાદ તરફ જતા વાહનો માટે રસ્તો ખૂલ્લો

સેંકડો વાહન ચાલકોની મુશ્કેલીનો અંત : સમય, ઇંધણની બચત : નવા પુલની પહોળાઇ ૧૩ મીટર, લંબાઇ ૧ર૦ મીટર : હવે બાજુમાં બીજો પુલ બનાવાશે

રાજકોટ, તા. ૮ :  શહેરની ગ્રીનલેન્ડ ચોકડીથી કુવાડવા અને અમદાવાદ તરફ વાહનો લઇને જવા માટેનો રસ્તો પુલ નિર્માણને કારણે બંધ કરાયેલ. નવો પહોળો પુલ તૈયાર થઇ જતા આજથી આ રસ્તો અગાઉથી જેમ ખૂલ્લો મુકી દેવામાં આવ્યો છે. હવે રાજકોટથી અમદાવાદ હાઇવે પર જવા માટે બેડી ચોકડીએ જવાની જરૂર રહેશે નહીં. ગ્રીનલેન્ડ ચોકડીથી સીધા આગળ કોઇપણ વાહન સાથે જઇ શકશે.  વાહનો ચાલકોની મુશ્કેલીનો અંત આવ્યો છે. સમય અને ઇંધણની બચત થશે.

માર્ગ-મકાન વિભાગની નેશનલ હાઇવે શાખાના વર્તુળોના જણાવ્યા મુજબ રાજકોટ-અમદાવાદ રોડ છ માર્ગીય બનાવવાના ભાગ રૂપે ગ્રીનલેન્ડ ચોકડી પાસેનો પુલ પહોળો કરવામાં આવ્યો છે. અગાઉ જુના પુલની લંબાઇ ૮.પ મીટર હતી જે હવે વધીને ૧૩ મીટર થઇ ગઇ છે. પુલની લંબાઇ ૧ર૦ મીટરની છે. અમદાવાદથી રાજકોટમાં પ્રવેશવા માટેનો હાલ જે રસ્તો છે ત્યાં છ માર્ગીય અંર્તગત નવો પુલ બનાવવામાં આવશે. તે પુલ બનાવવતી વખતે હાલ રાજકોટ આવવાનો રસ્તો બંધ કરાશે પરંતુ નવો પુલ પુરતો પહોળો હોવાથી તેના પર ડીવાઇડર મુકી આવવા જવાનો રસ્તો ખૂલ્લો રખાશે. આજથી નવો પુલનો ઉપયોગ શરૂ થઇ જતા રાજકોટથી કુવાડવા જવા માટેનો અને તે તરફથી રાજકોટમાં આવવા માટેનો વાહન-વ્યવહાર ટુંક સમયમાં રાબેતા મુજબ ધમધમતો થઇ જશે.

(3:53 pm IST)