Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રામ્યુકો ને મોદીજીના ડીજીટલ ઇન્ડીયાના સ્વપ્નને સાકાર કરવામાં રસ નથી...?!

એરપોર્ટ, રેલ્વે તંત્ર સહિતના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પરિવહનમાં સ્વીકાર્ય ડીજી લોકરના આઇ.ડી.પ્રૂફ રાજકોટ સીટી બસમાં માન્ય નહીં !

રાજકોટ, તા. ૮ :  રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન હસ્તગતની સીટી બસ સેવામાં આધારકાર્ડ સહિતના ડીજી લોકરના દસ્તાવેજ માન્ય રખાતા ન હોવાથી સામાન્ય મુસાફરોને ભારે તકલીફ ભોગગવી પડતી હોવાની રજુઆત એક જાગૃત નાગરિક દ્વારા તંત્રવાહકોને કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે, ગઇ તા. ર૭-૧૧-ર૦ર૧ ના રોજ રાજકોટ સીટી બસના વિચિત્ર નિયમોનો મને વધુ એક અનુભવ થયો, એ બાબતે લોકોનું અને તંત્રવાહકોનું ધ્યાન દોરવા માગુ છું.

શહેરમાં વધુ ફરવાનું થતું હોવાથી જયારે બસમાં બેસુ ત્યારે રપ રૂ. નો દૈનિક પાસ (ટિકિટ) લઇ લઉં છું. એ ટિકિટ પર દિવસ દરમિયાન સીટી બસના કોઇપણ રૂટની બસમાં ગમે એટલી વાર બેસી શકીએ. મનપા સંચાલિત સીટી બસનો નિયમ એવો છે કે જો રપ વાળી ટિકિટ લેવી હોય તો મુસાફર પાસે ફોટો આઇડી પ્રૂફ હોવું અનિવાર્ય છે, આ નિયમ એકદમ વ્યાજબી છે. દેનિક પાસ લેતી વખતે કન્ડકટર માગે ત્યારે અથવા ચેકિંગ દરમિયાન જે તે જવાબદાર વ્યકિત જયારે માગે ત્યારે સરકાર માન્ય ડીજી લોકરમાં રાખેલ આઇડી પ્રૂફ મોબાઇલમાં બતાવી દેતો. પણ આ વખતે સીટી બસનાં સંચાલકોએ મનઘડત વિચિત્ર નિર્ણય લીધો છે તા. ર૭-૧૧-ર૦ર૧ ના રોજ બપોરે અંદાજે બે વાગ્યેને દસ મિનિટે ઇંદિરા સર્કલથી ત્રિકોણબાગ જવા ૪પ નંબરની બસમાં બેઠો. કન્ડકટરને રપ વાળી ટિકિટનું કહ્યું તો એણે આઇડી પ્રૂફ માગ્યું, મેં મોબાઇલમાં બતાવતા જ એણે ના પાડી અને કહ્યું કે એમાં નહીં ચાલે, મેં કહ્યું કે રેલ્વે અને  ફલાઇટ જેવા સેકટરમાં પણ આ ચાલે છે, સરકાર માન્ય છે. તો કંડકટરે વટથી કહ્યું કે તમે અહીં સ્વામિનારાયણ મંદિરના સ્ટોપ પર ઉતરી જાઓ, પાછળ આવતી બસ પકડો અને ત્રિકોણબાગ અમારી ઓફિસે પણ કહેજો કે ૪પ નંબરની બસના કંડકટરે મને ઓનલાઇન આઇડી પર રપ વાળી ટિકિટ આપવાની ના પાડી છે. ત્યારબાદ સ્વા. મંદિર સ્ટોપે ઉતરીને હું પાછળ આવતી ૪૧ નંબરની બસમાં બેઠો અને એ મહિલા કંડકટર પાસેથી રપ વાળી ટિકિટ લીધી.

ત્યારબાદ ત્રિકોણબાગ ઉતરીને સીટી બસની કન્ટ્રોલ રૂમમાં પુછયું કે અહીં જવાબદાર વ્યકિત કોણ છે ?

તો ત્યાં બેઠેલા ત્રણમાંથી એકે કહ્યું કે બોલોને શું હતું ?

મેં બનેલી બધી વિગતે વાત કરી તો એણે કહ્યું કે ચેકીંગ વાળા સાહેબે ફીઝીકલ આઇડી પ્રૂફનો આ નિયમ ફરજીયાત કર્યો છે. તમારી પાસે ઝેરોક્ષ હશે તો પણ ચાલશે. પણ ડીઝીટલ નહીં ચાલે.

મેં પુછયું કે એને કોઇએ નિયમમાં બદલવાનું કહ્યું હશે ને !

તો કહે તમે એના ઉપરી પાસે નાના મવા ચોકની મુખ્ય ઓફિસે જાઓ.,

એ દિવસે ત્રીજો શનિવાર હોવાથી ઓફીસ બંધ હતી. એટલે  તા. ર૯ નાં રોજ ત્યાં ગયો. ત્યાં ધર્મેશભાઇ નામનાં રાજકોટ સીટી બસનાં જવાબદાર વ્યકિતને રજુઆત કરી કે પચ્ચીસ રૂપિયા વાળી ટિકિટ જોઇતી હોય તો ડીઝીટલ ફોટોઆઇડી પ્રૂફ નહીં ચાલે એમ કહીને તા.ર૭-૧૧-ર૦ર૧ ને શનિવારે બપોર ર-૧૦ આસપાસ ઇંદિરા સર્કલથી ત્રિકોણબાગ જતી ૪પ નંબરની બસના કંડકટરે મને બસમાંથી ઉતારી મુકયો. ત્યારે ધર્મેશભાઇએ કહ્યું કે તમે તમારા ફોન નંબર સાથેની તમારી વિગત લખીને ત્યાં હિરેનભાઇને આપી દો.

મેં એ લોકોને જણાવ્યું કે રેલ્વે એસટી બસ કે બેંકવાળા પણ આટલી જડતા નથી અપનાવતા, તો તમે લોકો રપ રૂપિયાની ટિકિટ માટે કેમ આવું જડ વલણ અપનાવો છો.. !

મોદી સરકાર ડીઝીટલ યુગની તરફેણ અને સલાહ આપે છે, જયારે રાજકોટ સીટી બસના અધિકારીઓ ડીઝીટલ આઇડી પ્રૂફ વાળાને બસમાંથી ઉતારી દઇને કહે છે કે ફીઝીકલ આઇડી પ્રૂફ જ માન્ય રહેશે.

કઇ દુનિયામાં જીવે છે આવા તગડા પગારધારી બાબુઓ... !

(3:08 pm IST)