Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ભગવાન સ્વામીનારાયણ, સરધાર અને રાજકોટ રાજપરિવારનો અનોખો સંબંધ

રાજ્યના એતિહાસિક વારસાસમુ 'સરધાર દરબારગઢ' 'પિરિયડ હાઉસ' તરીકે લોકો માટે કાલે ખુલ્લુ મુકાશે : રાજકોટની ધાર્મિક અને રજવાડી વિરાસતનું સુંદર 'પિરિયડ હાઉસ' કાયમ માટે અહીં રહેશેઃ સૌને નિહાળવા માંધાતાસિંહજીનું નિમંત્રણઃ બગી, વિન્ટેજ કાર સહિતના આકર્ષણ

 રાજકોટઃ તા. ૮ ,રાજ્યની એક સમયની રાજધાની અને એતિહાસિક-ધાર્મિક મહત્વ ધરાવતા નગર સરધારમાં દસમી ડીસેમ્બરથી સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરુ થઈ રહ્યો છે. એ મોટા ધાર્મિક ઉત્સવની સાથે જ અહીંના દરબારગઢ ખાતે સરધાર દરબારગઢને એક 'પિરિયડ હાઉસ' તરીકે લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. સરધાર અને સ્વામીનારાયણ ભગવાનનો સંબંધ અલૌકિક છે તો આ સરધારના દરબાર ગઢ, રાજકોટ રાજપરીવાર અને ભગવાન સ્વામી નારાયણનો સંબંધ પણ વિશિષ્ટ છે.

 આશરે ૨૦૦ વર્ષ પહેલાં સ્વામી નારાયણ ભગવાને જ્યારે સરધારની ભૂમિ પર પગલાં કર્યા ત્યારે દરબાર ગઢમાં ચાતુર્માસ કર્યા હતા. અહીં સરોવરની પાળે તેઓ બિરાજમાન થયા  હતા, પાણી પીધું હતું. અશ્વ પર સવારી કરી હતી. સરધારના ઠાકોર સાહેબ, રાજપરિવારે અને ગામ લોકોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સરધારમાં પચાસથી વધુ રાજાઓનું ત્યારે આગમન થયું હતું અને શ્રીહરીએ એમને આવકાર્યા હતા. અહીં જન્માષ્ટમી ઉત્સવ પણ ઉજવાયો હતો. સરધારમાં જ ભગવાન સ્વામી નારાયણે કહ્યું હતું કે ભવિષ્યમાં અહીં એક મોટું મંદિર થશે. આજે એ આશીર્વાદ સાર્થક થયા છે.

 આવો એક વિશેષ સંબંધ આ સંપ્રદાય અને ભગવાન સ્વામી નારાયણ સાથે છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રસાદી રુપે રાજપરિવાર પણ એક 'પિરિયડ હાઉસ' તરીકે સરધાર દરબારગઢ લોકોને નિહાળવા ખુલ્લુ મુકી રહયા છીએ. સદગુરુ સ્વામી શ્રી નિત્યસ્વરુપદાસજી સ્વામીજી આ 'પિરિયડ હાઉસ'નું ઉદઘાટન કરશે. રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિન્ટેજ કાર, રજવાડાંના સમયની બગી. મોતીકામ, પૂ. સ્વ. ઠાકોર સાહેબ શ્રી લાખાજીરાજ બાપુના ગાંધીજી સાથેના ફોટોગ્રાફસ, પૂ. ઠાકોર સાહેબ શ્રી મનોહરસિંહજી દાદાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથેના ફોટો, ભગવાન શ્રી સ્વામિનારાયણનો શયનકક્ષ, વિગેરે લોકો એને નિહાળી શકશે.

 મ્યુઝીયમનું ઉદઘાટન તો ૯મી ડીસેમ્બરે થશે, મહોત્સવ પૂર્ણ થયા પછી પણ એ જાહેર જનતા માટે ખૂલ્લું રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવનારા હરિભકતો, યાત્રીઓ અને દર્શનાર્થીઓ માટ પણ આ 'પિરિયડ હાઉસ' આક્રર્ષણનું કેન્દ્ર બનશે.

(3:02 pm IST)