Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

રાજકોટની કોલેજો સજ્જડ બંધ : સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ

બિન સચિવાલયની પરીક્ષા રદ્દ કરોની પ્રચંડ માંગ : આંદોલનમાં જોડાતા કોલેજના છાત્રો : NSUIના બંધના એલાનને મળેલી સફળતા : કાર્યકરો કોલેજ પરીસરમાં ફરી વળ્યા : કોલેજોમાં ચાલતી પરીક્ષા રાબેતા મુજબ ચાલુ : ૫ કાર્યકરોની ધરપકડ

એનએસયુઆઈના બંધના એલાનને છાત્રાઓનંુ સમર્થન : રાજકોટ : બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ પ્રશ્ને બેરોજગાર યુવાનો દ્વારા ચાલતુ આંદોલન હવે રાજયવ્યાપી બન્યુ છે. આજે એનએસયુઆઈએ ગુજરાતભરની કોલેજોનું બંધનું એલાન આપવામાં આવ્યુ છે. રાજકોટની કોલેજોએ સજ્જડ બંધ પાડી વિરોધ વ્યકત કર્યો હતો.(તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૭ : બિનસચિવાલય પરીક્ષામાં વ્યાપક ગેરરીતિ બાદ વિદ્યાર્થીઓમાં અને ખાસ કરીને નોકરી વાચ્છુક યુવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા ચાર દિવસથી ગાંધીનગર ખાતે ચાલતા આંદોલનમાં હવે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા છે. માત્ર ગાંધીનગર નહિં પરંતુ હવે બિનસચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આંદોલન ગુજરાત વ્યાપી બન્યુ છે.

એનએસયુઆઈએ બિનસચિવાલય પરીક્ષા ગેરરીતિ સામે ચાલતા આંદોલનમાં  ટેકો આપ્યો હતો. ગઈકાલે મોડી રાત્રીના તા.૭ના શનિવારે ગુજરાતભરની કોલેજો બંધનું એલાન આપવામાં આવેલ. જેને મોટા શહેરોમાં સજ્જડ સમર્થન મળ્યુ છે. જયારે તાલુકા લેવલે મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે.

બિનસચિવાલય પરીક્ષામાં વ્યાપક ગેરરીતિના વિડીયો ફૂટેજ મળ્યા હતા છતાં સરકારે પરીક્ષા રદ્દ ન કરતાં બેરોજગાર યુવાનોએ ગાંધીનગર ખાતે ઉગ્ર દેખાવો કર્યા હતા. હજારોની સંખ્યામાં ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ અને અન્ય સામાજીક, શૈક્ષણિક સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો છે.

એનએસયુઆઈના બંધના એલાન સંદર્ભે આજે સવારથી જ કોંગ્રેસ અને એનએસયુઆઈના આગેવાનો મુકેશભાઈ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, મુકુંદભાઈ ટાંક, નીતિનભાઈ ભંડેરી, અમિતભાઈ પટેલ, આદિત્યસિંહ ગોહિલ, સૂરજભાઈ ડેર, નરેન્દ્રભાઈ સોલંકી, પાર્થભાઈ ગઢવી સહિતનાઓ રાજકોટની આત્મીય કોલેજ, મીનાબેન કુંડલીયા, જે.જે. કુંડલીયા કોલેજ, હરિવંદના કોલેજ, કે.એન. રાવ કોલેજ, કણસાગરા મહિલા કોલેજ, ધમસાણીયા મહિલા કોલેજ, ભાલોડીયા કોલેજ, ગીતાંજલી કોલેજ સહિતની કોલેજોમાં ફરી વળ્યા હતા અને બંધ કરવાની અપીલ કરતાં જ વિદ્યાર્થીઓ કોલેજની બહાર નીકળી ગયા હતા.

હાલ પરીક્ષા ચાલુ હોય તે કોલેજના પરીક્ષામાં કોઈ વિક્ષેપ ઉભો ન થાય તે માટે એનએસયુઆઇના કાર્યકરોએ ખાસ કાળજી લીધી હતી. પરીક્ષા કાર્ય રાબેતા મુજબ ચાલુ રહ્યુ હતું.

પોલીસે આદિત્યસિંહ ગોહિલ, નરેન્દ્રભાઈ સોલંકી અને પાર્થભાઈ ગઢવીની અટકાયત કરી છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગરની કોલેજ આજે એનએસયુઆઈના કાર્યકરોએ બંધ કરાવી હતી.

બિન સચિવાલયની કલાર્કની પરીક્ષામાં ગોટાળા થયા હોવાનું સામે આવ્યા બાદ પાટનગર ગાંધીનગર સહિત રાજયના તમામ શહેરોમાં ધરણા અને પ્રદર્શન ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા હતા. દરમિયાન કોંગ્રેસ પણ આ મામલે મેદાનમાં આવતા આજે શનિવારે એનએસયુઆઈ દ્વારા રાજયની કોલેજો બંધનું એલાન આપવામાં આવેલ. જેના પગલે ભાવનગરમાં પણ એનએસયુઆઈના આગેવાનો પવન મજીઠીયા, જયરાજસિંહ ગોહિલ વગેરેએ શાળા - કોલેજો બંધ કરાવી હતી.

(11:59 am IST)