Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

એક જ ડ્રેસને દરેક વખતે અલગ ઓળખ આપતી ટેકનીક એટલે 'બટન મસાલા' : અનુજ શર્મા

INIFD દ્વારા યોજાયેલ વર્કશોપમાં આંતરરાષ્ટ્રીય ફેશન ડીઝાઇનરની ઉપસ્થિતી : રબ્બર બેન્ડ અને બટનના ઉપયોગ શિખવાયા : ગત વર્ષના ઉતીર્ણ વિદ્યાર્થીઓને પદ્દવી એનાયત

રાજકોટ તા. ૮ : એક જ ડ્રેસને અલગ અલગ રીતે ડીઝાઇન કરીને પહેરવા માટે હાલ જે નવી ટેકનીક વિકસાવાઇ છે તે છે 'બટન મસાલા' ટેકનીક. ફકત રબ્બર બેન્ડ અને બટનના ઉપયોગથી સ્ટીચ વગર વિકસાવાયેલ આ ટેકનીક આજે દુનિયાભરમાંથી પ્રતિસાદ મળી રહ્યો છે. તેમ રાજકોટમાં આઇએનઆઇએફડી દ્વારા આજે યોજાયેલ 'ડિઝાઇન વર્કશોપ' લેવા આવેલ આંતરરાષ્ટ્રીય ફેશન ડીઝાઇનર અનુજ શર્માએ 'અકિલા'ની મુલાકાત સમયે જણાવ્યુ હતુ.

અનુજ શર્માએ જણાવેલ કે હું બારેક વર્ષથી આ ક્ષેત્રમાં છુ. ર૦૦૯ ની સાલમાં લેકમે ફેશન વીક દરમિયાન અનોખી સીલાઇ વગરના કપડા ડિઝાઇન કરવાનો મને આઇડીયા આવ્યો અને એ રીતે 'બટન મસાલા' ટેકનીક વિકસાવવામાં આવી.

બટન મસાલામાં કોઇ પણ પ્રકારની સીલાઇ, સોઇ કે દોરાનો ઉપયોગ કરાતો નથી. ટાઇ એન્ડ ડાઇ જેવી કન્સ્ટ્રકશનની ટેકનીક છે. જેમાં ફકત રબ્બર બેન્ડસ અને બટન કે તેના જેવી ગોળ વસ્તુનો ઉપયોગ કરાય છે. એકદમ ઓછો સમય લાગે છે. કપડાને કાપવુ પડતુ નથી.

મતલબ એક જ ડ્રેસને વારંવાર અલગ ડીઝાઇન સાથે પહેરવો હોય ત્યારે આ બટન મસાલા ટેકનીક કામ આવે છે.

અહીં ઉલ્લેખનીય છે કે અનુજ શર્મા ફેશન ડીઝાઇનર હોવા સાથે કવિ હ્ય્દય પણ ધરાવે છે. તેઓ આજે પણ કવિતાઓ લખે છે. તે કહે છે કે કવિતા માટે પણ સર્જન કરવુ પડે અને ડીઝાઇન માટે પણ સર્જન કરવુ પડે છે. આ બન્નેમાં મને ફાવટ આવી ગઇ છે.

આઇએનઆઇએફડી આયોજીત વર્કશોપમાં અનુજ શર્મા દ્વારા આ ટેકનીકથી વિદ્યાર્થીઓને માહીતગાર કરવામાં આવ્યા હતા. વર્કશોપમાં ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરમિયાન વર્ષ ૨૦૧૮ માં ફેશન ડીઝાઇનની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને પદવી પણ એનાયત કરાઇ હતી. તેમ સંસ્થાના નૌશિકભાઇ પટલ (મો.૯૮૯૮૨ ૨૨૯૯૯) એ જણાવ્યુ હતુ.

તસ્વીરમાં આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઇનર અનુજ શર્મા અને નૌશિકભાઇ પટેલ નજરે પડે છે.

(તસ્વીર : અશોક બગથરીયા)

(4:37 pm IST)