Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

કાલના સૂર્યોદયથી મુમુક્ષુઓના મોહ ઉદયનો ક્ષય કરવાનો પ્રારંભઃ પૂ.નમ્રમુનિ મ.સા.

દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવના સાંનિધ્યે માતા- પિતાની અહોભાવથી પ્રદક્ષીણા- ચરણ વંદના કરીને સંસારને અલવિદા કરતાં મુમુક્ષુઓના સંવેદનશીલ દ્રશ્યોએ હજારો આંખોને અશ્રુથી ભીંજવીઃ મુમુક્ષુઓ આરાધનાબેન- ઉપાસનાબેને સ્વજન, પરિવાર, સ્નેહીઓ અને માતા-પિતા પ્રત્યે ક્ષમાયાચના અને ઉપકાર ભાવ વ્યકત કર્યો

રાજકોટઃ જેમની દિવ્ય દ્રષ્ટિ અનેક અનેક આત્માઓને આત્મ દ્રષ્ટિ આપીને કલ્યાણની રાહ પર પ્રયાણ કરાવી રહી છે એવા દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ ચરણ-શરણમાં આજીવન શરણાધિન બનીને સંયમી બનવા જઈ રહેલાં મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ શ્રી આરાધનાબેન ડેલીવાળાનો સાત દિવસથી ચાલી રહેલો દીક્ષા મહોત્સવ એના અંતિમ ચરણ પર પહોંચી ગયો છે ત્યારે રાજકોટના હજારો હૃદયના ધબકાર મુમુક્ષુઓના કલ્યાણ દાનની ઘડીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

રાજકોટના શ્રી ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં સાત સાત દિવસથી હજારો ભાવિકોને સંયમ અને ત્યાગના પ્રવાહમાં ખેંચી જઈ રહેલાં શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનો આજનો સાતમો દિવસ ઉપકાર અભિવ્યકિત અને વિદાયના વેધક દ્રશ્યો સાથે સહુના અંતરના તારને સ્પંદિત કરી ગયો હતો.

માત્ર એકજ દિવસ બાદ મુમુક્ષુઓને સંસાર સાગરથી તારીને લઈ જનારા તારણહારા પૂજય ગુરૂ ભગવંતના પધારતા જ સાતમાં દિવસના શ્રી સંઘપતિ માતુશ્રી રેખાબેન છબીલદાસ શાહ પરિવાર દ્વારા અત્યંત અહોભાવ પૂર્વક સ્વાગત વધામણાં કરવામાં આવ્યાં હતાં. શ્રી સંધપતિ પરિવારનાં બહુમૂલ્ય સન્માન કરતાં એમને ગૌરવવંતી પાદ્યડી અને શાલ અર્પણ કરીને સત્કારવામા આવ્યાં હતાં.

ડુંગર દરબારમાં વ્યતીત થતી એ દિવ્ય ક્ષણો પણ થંભી ગઈ હતી જયારે, શામિયાણામા પ્રવેશ કરનારા બંને મુમુક્ષુ આત્માઓને લુક એન લર્નના દીદીઓ દ્વારા ૨૨ પરિષહ રૂપી ૨૨ કંપાર્ટમેન્ટની ટ્રેનના પ્રતિક સાથે અત્યંત અહોભાવ પૂર્વક પ્રવેશ વધામણાં કરાવવામાં આવ્યાં હતાં. શ્નદ્બજ્રાચ તરી ગયાં અને અમે રહી ગયાના ભાવ સાથે ઉપસ્થિત સર્વની સિદ્ઘત્વની ટ્રેનમાં ચડવાનો સંદેશો આપ્યો હતો.

આ અવસરે આયોજિત કરવામાં આવેલ 'માતૃ પિતૃ વંદના' ના કાર્યક્રમ અંતર્ગત દીક્ષાની અનુમતિ આપીને પરમ પરમ ઉપકાર કરનારા એવા ઉપકારી માતા પિતા પ્રત્યે દીક્ષાર્થીઓએ અત્યંત અહોભાવ પૂર્વક ઉપકારની અભિવ્યકિત કરી હતી. દીક્ષાર્થીઓએ માતા - પિતાના ચરણનું પ્રક્ષાલન કરી, કેસર જળથી એમનું હૃદયથી ભાવપૂર્વક પૂજન કર્યું હતું. ગદગદ થતાં હજારો હૃદયની સાક્ષીએ માતા - પિતાના ચરણ પૂજન બાદ દીક્ષાર્થીઓએ અત્યંત વિનમ્રભાવે અર્પણ કરેલી માતા - પિતાની પ્રદક્ષિણા વંદનાએ ઉપસ્થિત દરેકને અંજલિબધ્ધ અને નત મસ્તક કરી દીધાં હતાં.

એટલું જ નહીં પરંતુ, સંસારથી વિદાય લેતાં પહેલાં માતા પિતાનું આંગણું સદાને માટે છોડતાં પહેલાં મુમુક્ષુ બહેનોએ અત્યંત સ્નેહભાવથી માતા-પિતાને પોતાના હસ્ત અને ચરણનાં પ્રતિકની ભેંટ આપતાં જાણે અનેકો અનેકોની આંખોમાં આંસુઓનો દરિયો છલકાઈ ગયો હતો. બીજી તરફ રડતી આંખે વ્હાલી દીકરીને ખૂબ આગળ વધવાનાં આશીર્વાદ આપીને વ્હાલ વરસાવતાં વરસાવતાં માતા-પિતાએ મુમુક્ષુઓને આપેલી વિદાયના દ્રશ્યો સહુને હચમચાવી ગયાં હતાં.

આ અવસરે ઉપકારીઓ પ્રત્યેના ઉપકારભાવનું મહત્વ દર્શાવતાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ કહ્યું હતું કે, આ જીવનમાં કોઈ સંસ્કાર દેનારા ઉપકારી હોય છે, કોઈ દેહના ઉપકારી હોય છે તો કોઈ આત્માના ઉપકારી હોય છે. તે દરેકે દરેક ઉપકારી પ્રત્યે જયાં જયાં ઉપકારભાવ આવે છે ત્યાં ત્યાં વિનયભાવ લાવવાનો પ્રયત્ન કરવો નથી પડતો પરંતુ વિનયભાવ અંદરમાંથી પ્રગટ થઈ જ જતો હોય છે. આજે સ્વજનો આંસુઓ સાથે મુમુક્ષુઓને વિદાય આપી રહ્યાં છે એ આંસુ નથી પરંતુ પ્રેમ છે. પ્રભુ મહાવીરની દીક્ષા સમયે પણ સ્વજનોએ આંસુ વહાવ્યાં હતાં, પરંતુ પ્રભુએ તે આંસુઓનું મૂલ્ય અમૂલ્ય બનાવી દીધું હતું. મહાવીરની સાધનાના પાયામાં સ્વજનોના આંસુ સમાએલાં હતાં. પરંતુ તે આંસુઓએ મહાવીરની સાધનાની ઇમારતને એવી મજબૂત બનાવી દીધી હતી કે તે ઈમારત ગગનચુંબી બની ગઈ હતી.

વિશેષમાં આ અવસરે સ્વજન, પરિવાર, સ્નેહીઓ અને માતા-પિતા પ્રત્યે ક્ષમાયાચના  અને ઉપકારભાવની અભિવ્યકિત કરતાં મુમુક્ષુ શ્રી ઉપાસનાબેને સહુને લાગણી અને રાગના બંધનોથી મુકત થઈને તરી જવાનો બોધ આપીને દરેક ક્ષણ અને દરેક પળ જીવનની શાસનસેવા અને ગુરૂસેવામાં વ્યતીત થઈ શકે તેવા સામર્થ્ય પ્રાપ્તિનાં આશીર્વાદની યાચના કરી હતી. ઉપરાંતમાં સ્વજનો પાસે સન ગ્લાસ અને ટ્રેડમીલના પ્રેકટીકલ પ્રયોગ કરાવીને સ્વજનોને સંસારનાં વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવતાં ઉપસ્થિત સર્વને પણ સંસારની અસારતાનો બોધ પ્રાપ્ત થયો હતો. આ અવસરે સમગ્ર દીક્ષા મહોત્સવમાં અનુદાન આપીને સહયોગી બનનારા દરેક દાતા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુમુક્ષુ શ્રી આરાધનાબેને પણ દરેક સ્વજન, પરિવાર, સ્નેહીજન અને ગુરૂજનો પ્રત્યેની ક્ષમાયાચના અને ઉપકારભાવની અભિવ્યકિત કરતાં ભાવવાહી શૈલીમાં વિદાય પ્રવચન આપવામાં આપ્યું હતું. શ્રી આરાધનાબેને સહુ સ્નેહીજનોને સંસારની વ્યર્થતા સમજાવીને સંયમ જીવનની પ્રેરણા આપી હતી.

સર્વની ઈંતેજારીનો અંત કરાવતાં આવતીકાલ તા.૯ રવિવારે સવારે ૭:૩૦ કલાકે દીક્ષાર્થીઓના સંસારને અલવિદા કરતી મહાભિનિષ્ક્રમણ યાત્રાનો પ્રારંભ  ગૌતમભાઈ નવીનચંદ્ર પટેલના નિવાસ સ્થાન-આદિત્ય પ્લસ એપાર્ટમેન્ટ, ફન વર્લ્ડની સામેની ગલી, બહુમાળી ભવનની પાછળ, શ્રોફ રોડથી કરી સંયમ સમવશરણ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિરામ પામશે, જયાં સવારના ૮ કલાકે શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મુમુક્ષુઓને આર્શીવાદ પાઠવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેનાર છે. દરેક ભાવિકોને પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

રાજકોટના વાલીઓને ન્યાય નહિં મળે ત્યાં સુધી એફ.આર.સી. અને સ્કુલો સામે લડાઈ ચાલુ જ રહેશે

૩૫ સ્કુલોની ફી જ જાહેર થઈ એ પણ સ્પષ્ટ નથીઃ યુથ કોંગ્રેસ દ્વારા બુધવારે એફઆરસી કમીટી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન

રાજકોટ, તા. ૮ : ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ૨૦૧૭માં ફી વિષેયક લાવ્યા બાદ અમલના ઠેકાણા ન હતા. ત્યારબાદ રાજકોટથી ગુજરાતમાં યુથ કોંગ્રેસના માધ્યમથી આંદોલનના મંડાણ થયા ત્યારબાદ જે સ્કુલો મનફાવે તેવી ફી ઉઘરાવતા જેની ઉપર હલ્લાબોલ કરી અને ફી વધારો પરત ખેંચાવેલ. રાજકોટમાં જે આંદોલન છેલ્લા ૧૫ દિવસ ચાલેલું ત્યારબાદ વાલીને સાથે રાખી મુકેશ ચાવડા, ડો.રાજદીપસિંહ જાડેજા, નીતિન ભંડેરી દ્વારા સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા અને સુપ્રિમ કોર્ટ સ્કુલ સંચાલકોને લપડાક મારેલી બે મહિનામાં એફ.આર.સી. એ ગુજરાત રાજયની સ્કુલોની ફી નક્કી કરવી અને જો સ્કુલો (એફ.આર.સી.) સમક્ષ ન આવી હોય તેના પર પગલા લેવા ત્યારબાદ બધી સ્કુલોએ એફ.આર.સી.માં દાખલ થઈ પણ (એફ.આર.સી.)ના સભ્યોની મેલી મુરાદ સ્પષ્ટ જોવા મળતી હતી.

કારણ કે કઈ સ્કુલની કેટલી ફી તે અંગે સ્પષ્ટ અભિપ્રાય નથી જેમ કે આર. કે. સી. સ્કુલ દ્વારા ફી વધારો ઘટાડવામાં આવેલ છે જેમાં કયાં ધોરણની કેટલી ફી એફ.આર.સી. કમીટીએ નક્કી કરેલી અને અગાઉ વધારાની કેટલી ફી ધોરણવાઈઝ લીધેલી અને કયાં ધોરણને કેટલી ફી પાછી મળશે તેવો એફ.આર.સી. કમીટી દ્વારા ખુલ્લો કરવામાં આવ્યો નથી.

સ્કુલ સંચાલકોને એફ.આર.સી. ચેરમેન અને એફ.આર.સી. કમીટી દ્વારા છાવરવાનું પ્રયત્ન થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હોવાનું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું અને જયાં સુધી સમગ્ર રાજકોટના વાલીઓને પુરતો ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈ એફ.આર.સી. કમીટી અને સ્કુલો સામે ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.

આવનારા દિવસોમાં કેટલી સ્કુલો રાજકોટમાં ફી નક્કી નથી થઈ તો તેના માટે જવાબદાર કોણ? અને શા માટે ૩૫ સ્કુલોની ફી જ જાહેર થઈ એ પણ સ્પષ્ટ નહિં? અને રાજકોટની બાકી રહેતી સ્કુલોની ફી તાત્કાલીક અસરથી એફ.આર.સી. જાહેર કરે અને જે રીતે એફ.આર.સી. દ્વારા રાજકોટના વાલીઓને ગુમરાહ કરવાનું બંધ કરે. યુથ કોંગ્રેસના માધ્યમથી સ્કુલ સંચાલકો અને એફ.આર.સી. સામે આંદોલન જે સૌરાષ્ટ્રમાં આશરે ૫ હજાર કરતા પણ વધારે શાળાઓ છે તે બધાનો ડેટા સહિત એફ.આર.સી.ના માધ્યમથી રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી સાચી હકીકત રાજકોટના વાલીઓને મળે તેના માટેના યુથ કોંગ્રેસના આંદોલન થકી અમારા પ્રયત્નો રહેશે અને સમગ્ર સ્કુલોની ફી જાહેર તેના માટે અમારી લડત ચાલુ રહેશે અને આગામી બુધવારે એફ.આર.સી. કમીટી સમક્ષ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યુ હતું.

તસ્વીરમાં યુથ કોંગ્રેસના આગેવાનો સર્વેશ્રી ડો.રાજદીપસિંહ જાડેજા (મો. ૯૮૨૪૩ ૦૦૦૦૭), મુકેશભાઈ ચાવડા (મો.૯૮૨૪૨ ૧૮૫૦૦), નીતીનભાઈ ભંડેરી (મો. ૯૮૭૯૫ ૮૩૭૯૫) સાથે યુવા એડવોકેટ મલ્હાર સોનપાલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૧)

(4:37 pm IST)