Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

કાલથી મૂર્તિ પ્રતિષ્ઠા - કથા - મહાવિષ્ણુયાગ

શ્રી સહજાનંદ ગુરૂકુળ મંદિર - ખાંભા દ્વારા પાંચ દિવસીય આયોજનઃ કોઠારી સ્વામી, પૂ.રાધારમણદાસજી સહિતના સંતો - મહંતોના સાનિધ્યમાં વિવિધ પ્રસંગો ઉજવાશે

રાજકોટ, તા. ૮ : શ્રી સહજાનંદ ગુરૂકુળ - મંદિર ખાંભા દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સત્સંગી જીવન કથા, ત્રિદિનાત્મક મહાવિષ્ણુયાગ જેવા ત્રિવેણી ધાર્મિક કાર્યક્રમો તા.૯ થી ૧૩ ડિસેમ્બર એટલે કે, રવિવારથી ગુરૂવાર સુધી પૂ. સ્વામી શ્રી ધર્મપ્રસાદદાસજી (૫૧ હરિમંદિર બાંધનાર)ના સાનિધ્યમાં તેમજ સદ્દગુરૂ શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી (જૂનાગઢ મહાપૂજા મંદિર બાંધનાર)ના સંકલ્પ અને પ્રેરણાથી કોઠારી સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી સ્વામીના પ્રમુખ સ્થાને ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે.

મહોત્સવના અધ્યક્ષ શાસ્ત્રી સ્વામી શ્રી માધવદાસજી (ઉના) શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી (ખાંભા) મહોત્સવના ઉપાધ્યક્ષ પૂ. કોઠારી સ્વામી શ્રી સિદ્ધવલ્લભદાસજી (જૂનાગઢ) તથા પૂ. સ્વામી હરીદાસજી (ખાંભા) રહેશે.

સ્વામીનારાયણ સંપ્રદાયના કથાકાર સદ્દગુરૂ શાસ્ત્રી શ્રીજીપ્રકાશદાસજી (સ્વા. વિદ્યાધામ હાથીજણ - અમદાવાદ) કથાના વ્યાસાસને બિરાજી શ્રી સ્વામીનારાયણ ભગવાનના લીલા ચરિત્રોથી ભરપૂર એવા 'સત્સંગી જીવન' ગ્રંથની દિવ્ય કથામૃતનું રસપાન કરાવશે. સંદિપ ભગત તથા તેમનું કલાવૃંદ સંગીતના સૂરો રેલાવશે. ઉદ્દઘાટન શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી (ઉના) કરશે. દિપ પ્રાગટ્ય રાજકોટ મુખ્ય મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી શ્રી રાધા રમણદાસજી તથા શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી ખાંભા તથા લોએજ મંદિરના વયોવૃદ્ધ તપોમૂર્તિ શ્રી ચૈતન્યદાસજી સ્વામી કરશે. મહોત્સવના મુખ્ય યજમાન સ્વ. કાનજીભાઈ સુહાગીયાની સ્મૃતિમાં (રાજુલા) કથાના મુખ્ય યજમાન સોહમસિંહ ચુડાસમા (રોજકા) (હાલ યુ.એસ.એ.) રહેશે.

કથા પ્રારંભ (પોથીયાત્રા) તા.૯ના રવિવારે સવારે ૮ કલાકે કથાનો સમય સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ બપોરે ૩ થી ૬, રસીકભાઈ પરમારની વાડી, ભોજન શાળા હરીભાઈ પરમારની વાડી ખાતે યોજાશે. ઠાકોરજીની નગરયાત્રા તા.૧૨ના સાંજે ૪ કલાકે, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ તા.૧૩ના સવારે, કથા પૂર્ણાહૂતિ બપોરના ૧૨ કલાકે રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે. દંતયજ્ઞ, નેત્રયજ્ઞ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

સભાનું સંચાલન શાસ્ત્રી સ્વામી શ્રી રામસ્વામી (હાથીજણ), શાસ્ત્રી સ્વામી શ્રી લક્ષ્મીનારાયણદાસજી (ઉના) તથા રાજુભાઈ હરીયાણી (ખાંભા) કરશે. તેમ મંત્રી શ્રી મનસુખભાઈ એમ. પરમારની યાદીમાં જણાવાયું છે.

(4:34 pm IST)