Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

૧૦ લાખ અને ગાડીની માંગણી કરી ઉજ્જૈનની રૂપલ ઓસવાલને રાજકોટમાં સાસરિયાનો ત્રાસ

પતિ જયેશ ઓસવાલ, સાસુ રંગીલાબેન અને સસરા બાબુલાલ સામે ગુનો નોંધાયોઃ પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનો પણ આક્ષેપઃ છોડીને ફોરેન જતો રહેશે તેવી ધમકી પણ આપતોઃ ગર્ભવતી હતી ત્યારે પણ મારકુટઃ બાળકનું મોઢુ જોવા પણ ન આવ્યાઃ ઉજ્જૈનથી પરત આવી તો પણ કાઢી મુકી

રાજકોટ તા. ૮: ઉજ્જૈનના ખારાકુવા સતી ગેઇટ રામેશ્વર ગલી ખાતે માવતર ધરાવતી રૂપલબેન જયેશ ઓસવાલ (ઉ.૩૨)ને રાજકોટ જયરાજ પ્લોટ-૯/૧૨ના ખુણે શ્રીનાથજી એપાર્ટમેન્ટ-૧૦૨માં રહેતાં પતિ જયેશ, સાસુ રંગીલાબેન અને સસરા બાબુલાલ નથમલજી ઓસવાલે વધુ દહેજ માંગી દસ લાખ રૂપિયા તથા ગાડી લઇ આવવા કરી શારીરિક માનસિક ત્રાસ આપી ધમકી આપ્યાના આરોપો સાથેની ફરિયાદ ઉજ્જૈન મહિલા પોલીસ મથકમાંથી ઝીરો નંબર સાથે આવતાં રાજકોટ મહિલા પોલીસે ગુનો નોંધ્યો છે.

રૂપલબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન તા. ૨૦-૫-૧૫ના રોજ રાજકોટ હાથીખાના આર્યસમાજ ખાતે જયેશ ઓસવાલ સાથે થયા છે. તે વખતે માતા-પિતાએ ઘર વપરાશનો નાનો-મોટો સામાન, સોના-ચાંદીના દાગીના તથા સાસરિયાઓને પહેરામણીની વસ્તુઓ આપી હતી. લગ્નના  વિસેક દિવસ સરખી રીતે રખાઇ હતી. એ પછી પતિ, સાસુ અને સસરાએ 'તારા બાપે કરિયાવર ઓછો આપ્યો છે' તેમ કહી રૂ. ૧૦ લાખની રોકડ અને ગાડીની માંગણી કરી હતી. આ વસ્તુ લાવવાની ના પાડતાં દુઃખ-ત્રાસ આપી મારી નાંખવાની ધમકી આપવાનું શરૂ થયું હતું.

ફરિયાદમાં આક્ષેપો કરાયા છે કે પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ હોઇ જેથી પોતાને સરખી રીતે રાખતા નહિ. સાસુ-સસરાની ચઢામણીથી પતિ ઝઘડા કરી પોતે તેણીને એકલી છોડી ફોરેન જતો રહેશે તેવી ધમકી પણ આપતો હતો. છ માસની પ્રેગનન્સી હતી ત્યારે પણ પતિએ મારકુટ કરી હતી. વારંવાર દસ લાખ અને ગાડીની માંગણી થતી હતી. માતા-પિતા-બહેન અને માસાએ સમાધાનના પ્રયાસ કર્યા હતાં. પરંતુ આ લોકોએ તેમની સાથે પણ ગેરવર્તન કર્યુ હતું. પોતે પ્રેગનન્ટ હોવાથી માતવર ઉજ્જૈન જતી રહી હતી. બાળકના જન્મ બાદ સાસરિયાવાળા મોઢુ જોવા પણ આવ્યા નથી.

૨૭/૫/૧૮ના રોજ તેણી માતા-પિતા સાથે રાજકોટ સાસરિયે આવતાં પતિ, સાસુ, સસરાએ ઘરમાં આવવું હોય તો દસ લાખ અને ગાડી લઇ આવ પછી જ આવજે તેમ કહી કાઢી મુકી હતી. તેમ ફરિયાદમાં જણાવાતાં પીએસઆઇ એચ. જે. બરવાડીયાએ તપાસ હાથ ધરી છે.

(4:14 pm IST)