Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

શકિત ઉર્ફ ટબુડીએ ભાઇઓ સાથે મળી શાંતિનગરમાં અશાંતિ સર્જીઃ દેવીપૂજક પરિવાર પર તલવારથી હુમલો

એક વર્ષ જુના મનદુઃખનો ખાર રાખી 'શેની હવા છે?' કહી આતંક મચાવ્યોઃ ગુરૂવારે જ પાસામાંથી છૂટેલા ટબૂડી સામે ચાલીસેક ગુનાઃ ગઇકાલે બપોરે 'પોપટ' મામલે ચુનારાવાડમાં બે ભાઇઓને માર માર્યા બાદ સાંજે વિજય સોલંકી, તેના માતા મંજુબેન અને પત્નિ રેખાને તલવારથી ઘાયલ કર્યા

રાજકોટ તા. ૮: ગુનાખોરી આચરવી એ જ જેનું કામ છે તેવા ચુનારાવાડના નામચીન શકિત ઉર્ફ ટબુડી વિનુભાઇ સોલંકીએ ગઇકાલે આઠ કલાકમાં બે સ્થળે આતંક મચાવી છરી-તલવારથી હુમલા કરતાં પોલીસે તેને ઝડપી લેવા દોડધામ આદરી છે. ચોરી, લૂંટ, મારામારી સહિતના ૪૦થી વધુ ગુનામાં સંડોવાઇ ચુકેલા શકિત ઉર્ફ ટબુડી અને સાગ્રીત લખને ગઇકાલે બપોરે રાજપીપળાના પહાડી પોપટ મામલે ચુનારાવાડમાં બે ભાઇઓ પર હુમલો કર્યા બાદ સાંજે ચારેક વાગ્યે યુનિવર્સિટી રોડ કિડની હોસ્પિટલ પાછળના શાંતિનગરમાં દેવીપૂજક પરિવાર પર હુમલો કરી અશાંતિનો માહોલ ઉભો કર્યો હતો.

આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે શાંતિનગરમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં વિજય ચમનભાઇ સોલંકી (ઉ.૨૮) નામના દેવીપૂજક યુવાનની ફરિયાદ પરથી શકિત ઉર્ફ ટબુડી સોલંકી અને તેના બે ભાઇઓ રવિ વિનુભાઇ સોલંકી, કરણ ઉર્ફ પેંડો વિનુભાઇ સોલંકી સામે ગુનો નોંધ્યો છે. વિજયએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના માતા મંજુબેન પંદરેક દિવસથી બિમાર હોઇ પોતે તથા પત્નિ રેખા માતાના ઘરે હતાં. એકાદ વર્ષ પહેલા નજીવી વાતે શકિત ઉર્ફ ટબુડી સાથે તકરાર થઇ હોઇ તેનો ખાર રાખી શકિત તેના બે ભાઇઓ સાથે ધસી આવ્યો હતો અને 'તને શેની હવા છે?' કહી ગાળો દઇ તલવારથી હુમલો કરતાં વિજય, તેના માતા મંજુબેન અને પત્નિ રેખાને ઇજા કરી હતી. તેમજ જતાં જતાં જો પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

યુનિવર્સિટીના પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં એએસઆઇ વી. એન. કુછડીયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શકિત ઉર્ફ ટબુડી હજુ ગુરૂવારે જ પાસામાંથી છુટ્યો છે. છુટતાની સાથે જ ફરી લખણ ઝળકાવ્યા છે.

(4:14 pm IST)