Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

કાલે દિક્ષા મહોત્સવઃ વિજયભાઈની વિશેષ ઉપસ્થિતિ

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના પરમ શરણમાં સમર્પિત થનાર આરાધનાબેન- ઉપાસનાબેનનો : ગૌતમભાઈ પટેલના નિવાસસ્થાનેથી સવારે ૭:૩૦ કલાકેમહાભિનિષ્ક્રમણ યાત્રા શરૂ થશે

રાજકોટઃ દિવસોના દિવસોથી રાજકોટના ભાવિકો જે કલ્યાણ અવસરની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે એ અવસર દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ -શરણમાં આજીવન સમર્પિત થઈને દીક્ષા અંગિકાર કરવા જઈ રહેલાં મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ શ્રીઆરાધનાબેન ડેલીવાળાનો શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ કાલે તા.૯  રવિવારે સવારે ૮ કલાકે આયોજિત કરવામાં આવ્યો છે.

સાત સાત દિવસથી રાજકોટના શ્રી ડુંગર દરબારના વિશાળ પ્રાંગણમાં હજારો ભાવિકોને સંયમના રંગે રંગી દેતાં અવિસ્મરણીય અને અલૌકિક કાર્યક્રમોની દિવ્ય વણઝાર સાથે ઉજવાયેલા મહોત્સવના પ્રારંભિક પ્રસંગો સાથે દીક્ષા મહોત્સવ એના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે, ત્યારે સમગ્ર રાજકોટની ઇંતેજારીનો અંત થવામાં માત્ર ગણત્રીના કલાકો બાકી રહી ગયાં છે.

મહોત્સવના અંતિમ દિને રવિવાર સવારના ૭:૩૦ કલાકે દીક્ષાર્થીઓના સંસારને અલવિદા કરતી  મહાભિનિષ્ક્રમણ યાત્રાનો પ્રારંભ ગૌતમભાઈ નવીનચંદ્ર પટેલના નિવાસ સ્થાન-આદિત્ય પ્લસ એપાર્ટમેન્ટ, ફન વર્લ્ડની સામેની ગલી, બહુમાળી ભવનની પાછળ, શ્રોફ રોડથી કરવામાં આવશે.

સંસારના રંગીન વસ્ત્રોમાં અંતિમવાર સજ્જ થઈને રથ પર સવાર થયેલાં દીક્ષાર્થીઓની શોભતી આ મહાભિનિષ્ક્રમણ યાત્રા સવારના ૮ કલાકે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર વિરામ પામશે. રેસકોર્ષ ગ્રાઉન્ડના વિશાળ પટાંગણમાં રચાએલાં સંયમ સમવસરણમાં અનેક સંતો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહાસતીજીવૃંદ, અનેક અનેક ક્ષેત્રોના શ્રી સંઘ શ્રેષ્ઠિવર્યો, શ્રી સમસ્ત સંઘોના મહિલા મંડળો, મિશન્સના ભાવિકોની સાથે દેશ-વિદેશથી પધારેલાં ૨૦ હજારથી પણ વધારે ભાવિકોની ઉપસ્થિતિ રહેશે. આ કલ્યાણ દાનના અવસરની રાજકોટના સમસ્ત સંઘોના કાર્યકર્તાઓ, જૈન યુવક ગ્રુપના યુવાનો અને અનેક અનેક ભાવિકો દ્વારા દિવસ-રાત જોયા વગર કભવ્યાતિભવ્ય અને જડબેસલાક તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રાજકોટના જૈન સમાજની આ અવિસ્મરણીય પળોમાં સહભાગી થઈને મુમુક્ષુ બહેનોને આશીર્વાદ તેમજ શુભેચ્છા આપવા ગુજરાત રાજયના મુખ્યમન્ત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વિશેષ રૂપે પધારશે

આ અવસરે મુમુક્ષુ બહેનો દ્વારા સંસાર જીવનનું અંતિમ વકતવ્ય આપ્યાં બાદ તેઓ સમગ્ર સંસારને ઠોકર મારીને પ્રભુનો વેશ ધારણ કરવાની તાલાવેલી સાથે સંયમ ગ્રહણ તરફની દોટ મૂકશે. વેશ પરિવર્તન કર્યા બાદ મુમુક્ષુઓને વિશાળ સમુદાયની ઉપસ્થિતમાં સ્વજન-પરિવાર, સમાજ અને ચતુવિધ સંઘની અનુમતિ સાથે રાષ્ટ્રસંત પૂજયશ્રીના શ્રીમુખેથી બ્રહ્મનાદે દીક્ષામંત્રથી દીક્ષિત કરવામાં આવશે.

માત્ર વેશનું પરિવર્તન નહીં પરંતુ સાથે સાથે અનાદિકાળની વૃત્તિઓનું પરિવર્તન, કેશ મુંડનની સાથે કર્મોનું મુંડન, પરમાત્માની પછેડી પહેરવા ઝંખતો એ દેહ, પ્રભુના દિવ્ય ઉપકરણ એવા રજોહરણને મેળવવા ઝંખતા એ હસ્ત, સંસારને અલવિદા કરીને દીક્ષામંત્ર અંગીકાર કરવા થનગનતા રોમેરોમ, મુમુક્ષુઓના અંતર ભાવોની એ પરાકાષ્ઠા સભર ક્ષણ, ભવોભવનું કલ્યાણ કરાવી દેતી આ ધન્ય ઘડી અને ધન્ય પળોમાં મુમુક્ષુ બહેનો નૂતન દીક્ષિત સાધ્વીજી સ્વરૂપે, એક નવા નામ અને નવી ઓળખ સાથે સંયમજીવનની સાધનાનો મંગલમય પ્રારંભ કરશે.

જીવનને ધન્ય બનાવી દેનારા દીક્ષા મહોત્સવના આ દિવ્ય અવસરમાં પધારવા  દરેક ધર્મપ્રેમી ભાવિકોને ભાવભીના આમંત્રણ આપવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ સંયમ સમવસરણ, રેસકોર્ષ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.

 

(3:57 pm IST)