Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

તમામ વોર્ડ-તાલુકા ભાજપના પ્રમુખો નક્કી કરવામાં 'પ્રદેશ'નિર્ણાયકઃસંભવિત ડખ્ખા નિવારવા પ્રયાસ

પસંદગી પધ્ધતિમાં પ્રથમ વખત ફેરફારઃ પાલિકા-પંચાયતોની ચૂંટણી ધ્યાને રાખીને સાવચેતી : રાજકોટ જિલ્લાના ૧૭ પ્રમુખો અને ૩૪ મહામંત્રીઓ બે દિ'માં જાહેર કરવાની તૈયારી

રાજકોટ, તા. ૮ :. ગુજરાત ભાજપમાં હાલ સંગઠન સંરચના પ્રક્રિયા ચાલી રહી છે. નગરો અને મહાનગરોમાં વોર્ડના પ્રમુખ તથા બે મહામંત્રીઓ અને ગ્રામ્ય કક્ષાએ તાલુકાના પ્રમુખ અને બે મહામંત્રીઓ તા. ૧૫ નવેમ્બર સુધીમાં પસંદ કરી જાહેર કરવા પ્રદેશ તરફથી જણાવાયુ છે. ભૂતકાળમાં વોર્ડની રચના માટે શહેર કક્ષાએ અને તાલુકાની રચના માટે જિલ્લા કક્ષાએ સંકલન બેઠક કરી નામ નક્કી થતા હતા. આ વખતે પસંદગી પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નામો સ્થાનિક કક્ષાએ નક્કી કરીને પ્રદેશમાં મોકલવાના રહેશે, ત્યાંથી વિભાગીય પ્રદેશ મહામંત્રી, મુખ્યમંત્રી વગેરે નામ પસંદ કરીને મોકલે તે નામ સ્થાનિક કક્ષાએ ચૂંટણી અંગેની બેઠકમાં જાહેર કરવાના રહેશે.

વોર્ડ અને તાલુકા કક્ષાના સંગઠનમાં પ્રથમ વખત પ્રદેશની નિર્ણાયક ભૂમિકા આવી છે. જ્યાં જુથવાદ હોય ત્યાં પ્રદેશ સુધી પ્રભાવ ધરાવતા જુથને પસંદગીનુ નામ નક્કી કરાવવાની તક મળશે. આ વખતે એક પ્રમુખ ઉપરાંત બબ્બે મહામંત્રીઓના નામ પણ સાથે જ જાહેર કરવાના છે. સ્થાનિક કક્ષાએ પસંદગીમાં સર્વાનુમતી ન થાય તો ડખ્ખા થવાની સંભાવના નિવારવા પ્રદેશ તરફથી ભૂમિકા કરવાનુ નક્કી થયાનુ માનવામાં આવે છે. આવતા ૧૧ મહિનામાં તાલુકા-જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનોની ચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રદેશ તરફથી સંગઠનના નવા માળખાની રચનામાં અત્યારથી જ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની પસંદગી નવેમ્બર અંતમાં જાહેર થવાની સંભાવના છે.

રાજકોટ જિલ્લામાં ૧૭ એકમોના પ્રમુખો અને ૩૪ મહામંત્રીઓ જાહેર કરવાના થાય છે. જેમાંથી કાલે ઉપલેટા શહેર તાલુકો, ભાયાવદર તેમજ ધોરાજી, જેતપુર અને ગોંડલ શહેર તાલુકાના પાર્ટી પ્રમુખ તથા મહામંત્રીઓ જાહેર થાય તેવા નિર્દેશ છે. રવિવારે કોટડા, લોધીકા, પડધરી, રાજકોટ, વિંછીયા અને જસદણના નવા મુખ્ય સુકાનીઓ જાહેર કરવાની તૈયારી દેખાય છે.

(4:16 pm IST)