Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

૭૫ વર્ષના ધનબાઇબેન સોનારાને પૌત્ર અને પુત્રવધૂએ ઢસડીને ફટકાર્યાઃ પૌત્રના મિત્રએ હેલ્મેટથી માર માર્યો!

વડવાજડીથી ૧૫ દિ' પહેલા રત્નદિપ સોસાયટીમાં દિકરાને ત્યાં આવેલા આહિર વૃધ્ધાને માર પડતાં સારવાર લેવી પડીઃ પૌત્ર-પુત્રવધૂ મિલ્કત પચાવી ગયાનો અને ખાધા-ખોરાકી નહિ આપતાં હોવાનો વૃધ્ધાનો આરોપ

રાજકોટ તા. ૮: કાલાવડના વડવાજડીથી કેટલાક દિવસથી રાજકોટ દિકરાના ઘરે આવેલા આહિર વૃધ્ધાને પૌત્ર, પુત્રવધૂ અને પૌત્રના મિત્રએ મળી ઢસડીને ઢીકા-પાટુનો માર મારતાં અને એક જણાએ પગ ઉપર ઉભા રહી જઇ હેલ્મેટથી ફટકારતાં તેઓને સારવાર માટે દાખલ થવું પડ્યું હતું. મિલ્કત અને ખાધાખોરાકીના ડખ્ખામાં આ હુમલો થયો હતો.

બી-ડિવીઝન પોલીસે આ બનાવ અંતર્ગત હાલ પેડક રોડ પર રત્નદિપ સોસાયટી-૨માં રહેતાં ધનબાઇબેન ઘુસાભાઇ સોનારા (આહિર) (ઉ.૭૫)ની ફરિયાદ પરથી રાધાબેન, સાગર અને દિપ હર્ષભાઇ સાંગાણી સામે ગુનો નોંધ્યો છે. ધનબાઇબેને જણાવ્યું છે કે હું નવેક મહિનાથી વડવાજડી ગામે મારા દિકરી જયાબેન ખીમાણીને ત્યાં રહેતી હતી. બારેક દિવસથી રાજકોટ મારા દિકરા રાવતભાઇના ઘરે રહેવા આવી છું.

પરમ દિવસે બપોરે સાડા ત્રણેક વાગ્યે હું મારી ભત્રીજી રાધાબેન સાથે ઘરે બેઠી હતી ત્યારે મારા દિકરા રાવતની ઘરવાળી રાધા અને તેના દિકરા સાગરે આવી મને ગાળો દઇ ઢસડીને ખેંચતા આજુબાજુના લોકો છોડાવવા આવતાં આ બંનેએ 'આ અમારા ઘરનો પ્રશ્ન છે, વચ્ચે કોઇ બોલતા નહિ' તેમ કહી બધાને ભગાડ્યા હતાં. ઉપરાંત પૌત્ર સાગરના મિત્ર દિપ સાંગાણીએ મારા પગ ઉપર પગ મુકી દઇ હેલ્મેટનો ઘા કરી ઇજા કરી મારી નાંખવાની ધમકી આપી હતી.

એ દરમિયાન મારી દિકરી જયાબેન આવી ગયા હતાં અને કોઇએ ફોન કર્યો હોઇ ૧૮૧ ગાડી પણ આવી ગઇ હતી. એ પછી મને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મારા પૌત્ર સાગર અને પુત્રવધૂ રાધાએ મારી મિલ્કત પચાવી પાડી છે. મેં તેની પાસે ખાધા-ખોરાકી માંગી હોઇ તેની દાઝ રાખી મને આ રીતે માર મારી ધમકી અપાઇ હતી.

હેલ્મેટ મારામારી માટે પણ ઉપયોગી!

ટુવ્હીલર ચાલકોનું માથું સલામત રહે એ માટે ફરજીયાત હેલ્મેટનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. આ કાયદાનું પાલન કરાવવા પોલીસ હેલ્મેટ ન પહેરનારા પાસેથી રોજ લાખોનો દંડ વસુલી રહી છે. ત્યારે હેલ્મેટનો બીજો એક ઉપયોગ પણ સામે આવ્યો છે. આહિર વૃધ્ધાને માર મારવામાં આવ્યાની ફરિયાદમાં હેલ્મેટથી હુમલો થયાનું પણ જણાવાયું છે. આમ હેલ્મેટનો વધુ એક ઉપયોગ સામે આવ્યો છે! મારામારીમાં પણ છુટથી ઉપયોગ કરી શકાય છે...તે આ બનાવ પરથી જણાય છે.

(4:52 pm IST)