Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

રાજકોટના ઓટો પાર્ટસ ઉદ્યોગને મંદીનો અજગરી ભરડો

છેલ્લા ૧૧-૧૧ મહિનાથી ઈન્ડસ્ટ્રી મરણ પથારીએઃ ઓટો પાર્ટસની ડીમાન્ડમાં ૪૦ ટકાનો ઘટાડોઃ ૫૦૦૦ જેટલા એસએમઈને ફટકોઃ મંદી હોવાથી અનેક કારખાનાઓમાં કામકાજ ઠપ્પઃ કામદારોને રજા અથવા શીફટમાં ઘટાડોઃ ઉદ્યોગને પુનઃ ધમધમતો કરવા સંખ્યાબંધ પગલા લેવા માંગ

રાજકોટ, તા. ૮ :. ઓટો સેકટરમાં આવેલી મંદીનો ભોરીંગ હવે રાજકોટના ઓટો પાર્ટસ ઉદ્યોગને પણ ધીમે ધીમે ભરખી રહ્યો છે. રાજકોટના ઓટો પાર્ટસના કારખાનામાં કામ કરતા કામદાર જે પહેલા મહિને ૧૫૦૦૦ જેટલુ કમાઈ લેતા હતા તેને હવે મહિને માંડ ૬૦૦૦ની આવક થઈ રહી છે.

ઓટો સેકટરમાં સપ્ટેમ્બરમાં સતત ૧૧માં મહિને પણ મંદીનો માહોલ જોવા મળ્યો હતો. જેની અસર સૌરાષ્ટ્રની ઓટો પાર્ટસ બનાવતી ફેકટરીઓ પર પણ જોવા મળી છે. પેસેન્જર વાહનોનું વેચાણ ૨૩.૬૯ ટકા અને કોમર્શીયલ વાહનોનું વેચાણ લગભગ ૩૯ ટકા ઘટતા લગભગ ૨૫૦૦૦ લોકોના રોજગાર છીનવાયા છે.

સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નલિન ઝવેરી જણાવે છે કે ઓટો પાર્ટસના ધંધામાં મંદીના કારણે સૌરાષ્ટ્રની ૫૦૦૦ ફેકટરીઓને તેની અસર થઈ છે. તેમણે કહ્યું, 'મારી પાસે ચોક્કસ આંકડાઓ નથી પણ ફેકટરીમાંથી લગભગ ૨૫ ટકા કામદારોને છુટા કરાયા છે. જેમા શરૂઆત રોજમદાર અને કોન્ટ્રાકટરના માણસોથી થઈ છે. પહેલા તો મંદીના સમયે કારખાનાના માલિકો માણસોને જાળવી રાખતા હતા પણ આ વખતની મંદીમાં હવે તેમા ફેરફાર થઈ ગયો છે.'

રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના પ્રમુખ પરેશ વસાણીએ કહ્યું રાજકોટમાં ઓટો કોમ્પોનન્ટના લગભગ ૧૦૦૦થી પણ વધુ ઉત્પાદકો છે જે લાઈનર, પિસ્ટન, બેરીંગ રીંગ જેવા ભાગો બનાવીને ઓટો મેન્યુફેકચરરને સપ્લાય કરે છે. વસાણીએ કહ્યું કે આની સાથે સંકળાયેલી સેંકડો ઈન્ડસ્ટ્રીઓ છે જે ફોર્જીંગ, મશીન ટુલ્સ જેવા કામો કરતી હોય છે. આ બધી ઈન્ડસ્ટ્રીઓને મંદીની અસર ૪૦ ટકા જેવી નડી રહી છે. આ લગભગ બધા યુનિટોએ પોતાની શીફટ ઘટાડી છે. જ્યારે ઘણાએ કામના દિવસો ઘટાડી નાખ્યા છે. હું મારી ફેકટરી ત્રણ શીફટમાં ચલાવતો હતો, હવે મેં બે શીફટ કરી દીધી છે. ઝવેરીના કહેવા અનુસાર છેલ્લા ૬-૭ મહિનામાં ઓટો સેકટરમાં હજારો કરોડનો માર પડયો છે. આમાંથી બહાર નિકળવાના માર્ગ અંગે પુછતા તેમણે કહ્યું કે ઓટો ઉદ્યોગને અપાયેલી રાહતો જો ગ્રાહકો સુધી પહોંચે તો જ આમાંથી નીકળી શકાય. અત્યારે નાની ફેકટરીઓ નાણાની સખત તંગી અનુભવી રહી છે. આ ઉદ્યોગે જીએસટીનો દર ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવા માંગણી કરી છે. ઉપરાંત લોન પ્રોસેસ હળવી કરવા પણ માંગણી કરી છે.

(11:24 am IST)