Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રાજકોટ શહેર-જીલ્લામાં 'NFSA' કાર્ડ હોલ્ડરો માટે આધાર સીડીંગ ફરજીયાતઃ બાકી હોય તેને નોન-NFSA કરવા પણ DSOના આદેશો

કલેકટરની અધ્યક્ષતામાં વીસી યોજાઈઃ ૯૫ ટકાનો લક્ષ્યાંકઃ સૌથી વધુ લોધીકા ૯૧ ટકા તો સૌથી ઓછું ઝોનલ-૪માં ૭૭ ટકા : ૭ ઓકટોબર સુધીમાં હજુ ૫૭ દુકાનોમાં ૮૦ ટકા કરતા ઓછુ આધાર સીડીંગઃ ઓફલાઈન જથ્થો આપવાની પણ મનાઈ : રાજકોટના દુકાનદારોએ હજુ માલ નથી ઉપાડયો, તહેવારો ટાંકણે જ વિતરણ ખોરવવાનો ભયઃ દુકાનદારોને સમજાવવા પૂરવઠા તંત્રના ધમપછાડાઃ નીગમ ઉપર ઈન્સ્પેકટરો દોડી ગયાઃ દુકાનો ઉપર માલ પહોંચાડવા કવાયત

રાજકોટ, તા. ૮ :. સી.એમ. ડેસ્કબોર્ડ ઉપરથી આવેલ અવારનવાર સૂચના અને ગઈકાલે રાજકોટ જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલ વીસીમાં જીપીઆઈના નિર્ધારીત લક્ષ્યાંક પૂર્ણ કરવા સંદર્ભે રાજકોટ જીલ્લા પૂરવઠા અધિકારી શ્રી માંગૂડાએ તમામ મામલતદાર અને ઝોનલ ઓફિસરોને ગઈકાલે તાકિદનો પત્ર પાઠવી ૮૦ ટકા કરતા ઓછું આધાર સીડીંગ થયુ હોય અને 'એનએફએસએ' કાર્ડ હોલ્ડરોના કાર્ડ સાથે આધાર સીડીંગ બાકી હોય તે લાભાર્થીઓના રેશનકાર્ડ નોન-એનએફએસએ કરવા અને એવા લોકોને કોઈપણ સંજોગોમાં ઓફલાઈન અનાજના જથ્થાનું વિતરણ નહિ કરવા આદેશો કરતા અનેક કાર્ડ હોલ્ડરોના કાર્ડ નોન-એનએફએસએ થઈ જતા ભારે દેકારો મચી ગયો છે અને આવા કાર્ડ હોલ્ડરોને પૂરવઠાની ઝોનલ કચેરીમાં દોડધામ થઈ પડી છે.

અત્રે એ નોંધનીય છે કે ૮૦ ટકા કરતા ઓછુ આધાર સીડીંગ થયું હોય તેવી વ્યાજબી ભાવની દુકાન તા. ૭ ઓકટોબરની દ્રષ્ટિએ રાજકોટ શહેર-જીલ્લામાં હજુ ૫૭ દુકાનો રહી છે. ઝોનલ-૩માં એક પણ દુકાન બાકી નથી. સૌથી વધુ વિંછીયામાં ૧૧, ઝોનલ-૪માં ૨૦ અને રાજકોટ તાલુકામાં ૧૬ દુકાનો છે. એક મહિના પહેલા ૧૨૪ દુકાનો હતી હવે ૫૭ રહી છે.

તમામ મામલતદારો, ઝોનલ ઓફિસરોને બેન્ચ માર્ક જે ૯૫ ટકા નક્કી થયો છે. તે મુજબ કાર્યવાહી કરવા ડીએસઓએ આદેશો કર્યા છે. હાલ જીલ્લામાં ૮૯.૩૮ ટકા કામગીરી થઈ છે.

રાજકોટ જીલ્લામાં ઝોનલ-૪માં ૭૭.૬૯ ટકા તો સૌથી વધુ લોધીકા ક્ષેત્રમાં ૯૧.૧૮ ટકા આધાર સીડીંગ થયાનું બહાર આવ્યુ છે. તેમજ કાલે અને રવિવારે રજાના દિવસે પણ દરેક ઝોનલ અને મામલતદારને સૂચના આપી ઝુંબેશ સ્વરૂપે કામગીરી પૂર્ણ કરવા કહેવાયાનું પૂરવઠાના સૂત્રોએ ઉમેર્યુ હતું.

દરમિયાન તહેવારો નજીક આવી ગયા હોય આમ છતા રાજકોટના સસ્તા અનાજના દુકાનદારોએ ઓકટોબર માસની પરમીટ અને માલ નહિ ઉપાડતા તહેવારો ઉપર જ અનાજના જથ્થાનું વિતરણ ખોરવવાનો ભય ઉભો થયો છે. ઈન્સ્પેકટરો પૂરવઠા નિગમના ગોડાઉનમાં દોડી ગયા છે. દુકાનદારોને સમજાવવાના પ્રયાસો ચાલુ છે. દુકાનદારો માલ હજુ ૩ થી ૪ દિવસ ઉપાડવાના નહિ હોવાનુ બહાર આવ્યુ છે. દુકાનો ઉપર જથ્થો પહોંચાડવા પૂરવઠા તંત્ર ખરી કસરત  કરી રહ્યુ છે.

(3:39 pm IST)