Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રૂ. ૧૦૦ની રકમ ઉછીની આપવાના મામલે થયેલ હત્યાના કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૮: રાજકોટ શહેરમાં ભગવતીપરામાં રહેતા પ્રકાશભાઇ ભવાનભાઇ બારૈયાએ ગત તા. ૧૪-૦૪-ર૦ર૧ના રોજ કેવલ સુંદરવા, ડેવીલ સોલંકી, પ્રશાંત વાઘેલા, આદિત્ય ગોરી તથા એક અજાણ્યા છોકરા વિરૂધ્ધ પોતાના દિકરાએ અગાઉ રૂ. ૧૦૦/- હાથ ઉછીના લીધેલા હોય જે બાબતે બોલાચાલી થયેલ હોય તેનું સમાધાન કરવા માટે આરોપીઓએ ફરીયાદીના પુત્રને બોલાવી એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી ગાળો આપી આડેધળ ઢીકાપાટુનો માર મારી મરણ જનારને ગંભીર જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવેલ હોય જે અંગેની થોરાળા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦ર, ૩ર૪, ૩ર૩, પ૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટ-૧૩પ(૧) મુજબની નોંધાવેલ. જેથી આદિત્ય ઉર્ફે જન્નત દિપકભાઇ ગોરીએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારતા જે જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે મંજુર રાખી રૂ. ૧૦,૦૦૦/- ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ બનાવની હકીકત એવી છે કે તા. ૧૪-૦૪-ર૦ર૧ના રોજ પ્રકાશભાઇ ભવાનભાઇ બારૈયાના પુત્ર આયુષ, ઉ.વ. ૧૮ ના એ ડેવીલ સોલંકી પાસેથી રૂ. ૧૦૦/- અગાઉ હાથઉછીના લીધેલા હોય જે બાબતે ફરીયાદીના પુત્ર તથા આરોપીઓ વચ્ચે બોલાચાલી થયેલ હોય તેનું સમાધાન કરવા માટે ગુજરનાર આયુ઼ષ અને તેનો મિત્ર નિતીન આરોપીઓ પાસે નવા થોરાળા વાલ્મીકી વાસમાં રામાપીરના મંદિર આગળ બોલાવેલ અને ડેવીલ સોલંકી તથા કેવલ સોંદરવા તથા આદિત્ય ગોરી અને પ્રશાંત વાઘેલા દ્વારા સમાધાન કરવાના બદલે ભુંડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી અને છરી દ્વારા હુમલો કરતા ફરીયાદીના પુત્ર આયુષ મરણે ગયેલ હોય ત્યારબાદ થોરાળા પોલીસ સ્ટેશનના અમલદારો દ્વારા આરોપીઓની અટક કરી નામદાર કોર્ટમાં રજુ કરવામાં આવતા આરોપીઓ દ્વારા ગુજારેલ જામીન અરજી નામંજુર થતા આરોપી આદિત્ય ઉર્ફે જન્નત દિપકભાઇ ગોરીએ પોતાના વકીલશ્રી અમિતભાઇ ભગત દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારેલ. જે જામીન અરજી નામદાર ગુજરાત હાઇકોર્ટે મંજુર રાખી આરોપીને રૂ. ૧૦,૦૦૦/- ના જામીન ઉપર મુકત કરેલ છે.

આ કામમાં અરજદાર/આરોપીઓ તરફે એડવોકેટ અમિત એસ. ભગત, આનંદકુમાર ડી. સદાવ્રતી, ધર્મેન્દ્ર ડી. બરવાડીયા, એચ. આર. ચૌહાણ તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શ્રી ચિંતનભાઇ પોપટ રોકાયેલા હતા.

(3:07 pm IST)