Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

હેડકવાર્ટરના અંબાજી મંદિરે બાળકી 'અંબા'ને સાથે રાખી આરતી ઉતારી શહેરની સુરક્ષા માટે પ્રાર્થના કરતી પોલીસ

પહેલા નોરતે હેડકવાર્ટરની પ્રાચીન ગરબીની બાળાઓને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે લ્હાણી : અઢી મહિના મોત સામે ઝઝૂમી નવુ જીવન મેળવનારી લાડકી અંબા બે મહિના પછી ઇટાલીની નાગરિક બની જશેઃ અંબાની સતત દેખરેખ રાખવા બદલ કાઠીયાવાડ બાલાશ્રમના પ્રભાબેન ભેંસદડીયાએ શહેર પોલીસનો આભાર માન્યો

રાજકોટ તા. ૮: નવરાત્રી પર્વના પ્રથમ નોરતે શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે પ્રાચીન ગરબીનું આયોજન કરાયું હોઇ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આ પ્રસંગે  શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ ખાતે આશ્રય લઇ રહેલી બાળકી 'અંબા'ને હેડકવાર્ટરના શ્રી અંબાજી મંદિર ખાતે લાવવામાં આવી હતી. બાળકી અંબાની દેખભાળ રાખતા કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ ના સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી પ્રભાબેન ભેસદડીયા તથા આયાબેન શ્રી શારદાબેન પટેલ બાળકી સાથે ઉપસ્થિત રહ્યા હતાં અને બાળકી અંબાને મા અંબાજીના દર્શન કરાવાયા હતાં અને આરતી કરાવાઇ હતી. અંબે માતાજી શહેરના શાંતિ-સલામતિના દૂશ્મનોનો નાશ કરે અને શહેરની સુરક્ષા માટે કાયમ આશીર્વાદ વરસાવતા રહે તેવી પ્રાર્થના પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ  સાથે જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી, એસઓજી પીઆઇ આર. વાય. રાવલ,  રિઝવ પીઆઇ એમ. એ. કોટડીયાએ હાજર રહી બાળકી અંબા સાથે અંબેમાતાની આરતી કરી હતી. આ પછી પ્રાચીન ગરબીમાં ભાગ લઇ રહેલી પોલીસ પરિવારની બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે ત્યજી દેવાયેલી બાળકીને 'અંબા' નામ શ્રી અગ્રવાલે જ આપ્યું છે. તેમજ તેને મોતના મુખમાંથી ઉગારવા તેની સારવાર પણ શહેર પોલીસે જ કરાવી હતી.

પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે બાળકી અંબા સાથે માતાજી અંબેમાની આરતી ઉતારી રાજકોટ શહેરની શાંતિ અને સુરક્ષાના દૂશ્મનોનો માતાજી નાશ કરે અને શહેરમાં કાયમ શાંતિ સ્થપાઇ રહે તથા શહેર સુરક્ષીત રહે તે માટે માતાજીના આશીર્વાદ માટે પ્રાર્થના કરવામાં આવી છે. માતાજીના આશીર્વાદથી રાજકોટ શહેરમાં કોરોના વાયરસ મહામારીને પણ અંકુશમાં રાખી શકવામાં સફળતા મળી છે. ભવિષ્યમાં પણ રાજકોટ શહેર કોરોના વાયરસ મહામારી સામે સુરક્ષીત રહે તેમજ બાળકી અંબાનુ ભવિષ્ય ઉજવળ બને તેવી પ્રાર્થના કરવામાં આવી છે. કોરોના કાળમાં શહેરીજનોએ સહકાર આપ્યો છે એવા જ સહકારની હાલમાં નવરાત્રીની સરકારી માર્ગદર્શિકા મુજબ ઉજવણી માટે જરૂરી છે. નવરાત્રી પર્વની ઉજવણી શાંતિપુર્વક થાય તે માટે પોલીસ અધિકારી તથા કર્મચારીઓ સતત શહેરની જનતા સાથે છે. મહિલાઓની સુરક્ષા માટે દુર્ગાશકિત ટીમ સતત પેટ્રોલીંગમાં રહે છે. પર્વ દરમ્યાન માતાજીની આરાધના તથા ગરબીનુ આયોજન કરવાની સાથે સરકારની માર્ગદર્શીકાનુ પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવે છે.

 આ પ્રસંગે કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ ના સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી પ્રભાબેન ભેસદડીયાએ જણાવેલ કે અંબા કે જે સમગ્ર ગુજરાત તથા રાજકોટની લાડકી દિકરી છે તેઅઢી માસ સુધી મોત સામે ઝઝૂમી હતી અને આજે નવું જીવન જીવી રહી છે. આ દિકરી અંબાને ઇટાલીના પરિવારે દત્તક લીધી હોઇ બે મહિના પછી તે ઇટાલીની નાગરિક બની જશે. આ દિકરીને શહેર પોલીસ દ્વારા સતત લાડ મળી રહ્યા છે તે બદલ કાઠીયાવાડ બાલાશ્રમ દ્વારા પોલીસનો આભાર વ્યકત કરવામાં આવ્યો છે.

(3:02 pm IST)