Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ધો. ૧ થી ૫ના વર્ગો ઝડપથી શરૂ કરાશે : કમીટી રચાશે

ખોડલધામમાં પત્રકારો સાથે જીતુ વાઘાણીની વાતચીત : ફી બાબતે ફરીયાદ મળે તો પગલા : નિયમન કમિટિએ નક્કી કર્યા મુજબ શાળાઓ ફી વસુલે તેવી વ્યવસ્થા : અધિકારીઓ દ્વારા કાર્યવાહી

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ખોડલધામમાં પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે રાજુ ધ્રુવ, મનસુખ ખાચરિયા, લાખાભાઇ સાગઠિયા, મનસુખ રામાણી, નાગદાન ચાવડા વગેરે ઉપસ્થિત છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭ : રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ રાજ્યમાં ધો. ૧ થી ૫નું શિક્ષણ ઝડપથી શરૂ થાય તે માટેની કટીબધ્ધતા દર્શાવી છે. શિક્ષણ શરૂ કરતા પૂર્વે વિદ્યાર્થીઓને અનુરૂપ સજ્જ કરવા ઉચ્ચકક્ષાની સમિતિનું ટુંક સમયમાં ગઠન થશે. દિવાળી પહેલા વર્ગ શિક્ષણ શરૂ થઇ જાય તેવી પ્રબળ સંભાવનાનો તેમને નિર્દેશ કર્યો હતો.

આજે ખોડલધામ ખાતે પત્રકાર સાથેની વાતચીતમાં જીતુભાઇ વાઘાણીએ જણાવેલ કે, ધો. ૧ થી ૫ નું શિક્ષણ શરૂ થાય તે માટે આરોગ્ય સહિતના વિભાગો સાથે સંકલન બેઠક ચાલુ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ શિક્ષણમાં ફેર છે. ઓનલાઇન શિક્ષણથી કેટલીક ત્રુટીઓ દેખાઇ આવી છે. ધો. ૧ થી ૫નું વર્ગ શિક્ષણ શરૂ કરવા પ્રયાસ છે. લાંબા સમયથી બાળકો શાળાએ ન ગયા હોય એટલે શાળામાં જતી વખતે તેમને પ્રારંભે પડનાર મુશ્કેલી ધ્યાને રાખી તેને અનુરૂપ વ્યવસ્થા ગોઠવવા ટુંક સમયમાં શિક્ષણ વિભાગ સમિતિની રચના કરાશે. શાળાની ફી બાબતે અને ૨૫ ટકા ફી માફીનો પરીપત્ર બહાર ન પડવા અંગેના સવાલોના જવાબમાં શિક્ષણ મંત્રીએ ગોળગોળ જવાબ આપેલ.

હાઇકોર્ટના નિર્દેશ મુજબ ફી નિર્ધારણ કમિટિ જે ફી નક્કી કરે તે મુજબ શાળાઓ ફી વસૂલી શકશે. જે શાળાઓ ફી વધુ લેતી હોવાનું માલુમ પડશે તો પગલા લેવાશે.

(3:56 pm IST)