Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કુપોષણ મુકત ભારત અભિયાન અંગેની બેઠક કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ

દરેક આંગણવાડીઓમાં કિચન ગાર્ડન બનાવવા કલેકટરની સુચના*

રાજકોટ :‘‘કુપોષણમુકત ભારત અભિયાન’’ અન્વયે ડિસ્ટ્રીકટ મોનીટરીંગ અને રીવ્યુ કમિટિની ત્રિમાસિક સમીક્ષા બેઠક આઇ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ દ્વારા કલેકટર કચેરી ખાતે કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
આપણા બાળકોને આપીએ તેટલુ જ મહત્વ અને સમાનતા આંગણવાડીના બાળકોમાં રાખીને તેઓને પોષણયુકત બનાવવા કાળજી લેવા આંગણવાડીઓની બહેનોને કલેકટરએ સુચના આપી હતી. આંગણવાડીના બાળકોના વિકાસ માટે તેમને અપાતા પૂરક પોષણ, આરોગ્ય તપાસણી, અભ્યાસ સહિતના મુદે પણ કેટલાક સુચનો કલેકટરશ્રીએ કર્યા હતા. બાળકોના વિકાસ માટે માતા-પિતાના ફીડબેક પણ આંગણવાડીઓની બહેનો દ્વારા લેવાવા જોઇએ અને આ માટે વ્હોટસએપ ગ્રુપ મહત્વના હોવાની ટકોર કલેકટરએ કરી હતી.  
આંગણવાડીની આતંરમાળખાકીય સ્થિતિ જેવી કે વોટર પ્યુરીફાઇર, સ્માર્ટ આંગણવાડી માટેની સુવિધા, સેનીટેશન, આંગણવાડીની માલિકીના અને ભાડાના મકાનો સહિતના મુદાની સમીક્ષા કલેકટરએ કરી હતી. આંગણવાડીઓમાં કિચન ગાર્ડનની સગવડ ઉભી કરવાની સુચના પણ કલેકટરશ્રીએ આપી હતી.
આ તકે પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસા દવે, ૧૨ ઘટકના સી.ડી.પી.ઓશ્રી સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(7:24 pm IST)