Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

હે ભગવાન(રામ)...આપે રાવણરૂપી આસુરી શકિતને હણી તે રીતે અમે સમાજ માટે કલંકરૂપ-ત્રાસરૂપ ગુન્હેગારોને હણતા રહીએ તેવી શકિત આપો!

વિજયા દશમીએ પોલીસ શસ્ત્રાગારમાં 'થ્રી નોટ થ્રી'થી માંડી એકે-૪૬-પ૬, ઇન્સાસ, એમઆઇ-પ સહીતના આધુનિક હથીયારોનું પોલીસ કમિશ્નર અગ્રવાલ અને અધિકારીઓ દ્વારા વિધિવત પૂજન

રાજકોટઃ આજે આસુરી શકિત ઉપર દેવોના વિજયનું પર્વ એટલે વિજયા દશમી. આજના દિવસે ભગવાન રામે સીતાનું હરણ કરનાર વિદ્વાન પરંતુ રાક્ષસી વૃતી ધરાવતા  લંકાપતિ રાવણનો વધ કરી સૃષ્ટિને દાનવોના સકંજામાંથી છોડાવી હતી. જેની ઉજવણીરૂપે ભારત વર્ષમાં પરંપરાગત રીતે વિજયા દશમીની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. વર્તમાનમાં આર્મી, પોલીસ, એસઆરપી, બીએસએફના જવાનો પ્રજાના રક્ષક બની અડીખમ ફરજ બજાવતા રહે છે. ભગવાન રામની સેનાના પ્રતિકાત્મક સૈનિકો રૂપે આપણે 'ફોર્સ'ની સરખામણી  કરી શકીએ.આમ નાગરીકોની જાનમાલની સલામતી માટે તૈનાત પોલીસ ફોર્સ અને અન્ય લશ્કરી પાંખોના હેડ કવાર્ટર ખાતે આજે હજારો વર્ષ જુની હિંદુ પરંપરા મુજબ શસ્ત્રોની પુજા કરવામાં આવી હતી. શસ્ત્ર એ શકિત છે. તેનો ઉપયોગ હંમેશા અસુરો રૂપી ગુન્હાહીત તત્વોનો નાશ કરવા માટે થતો હોય છે. આ શસ્ત્રો  કોઇ દિવસ શરત ચુકથી નિર્દોષ માણસો પર ન ચલાવાઇ જાય તે માટે ભગવાન સમક્ષ પોલીસ પણ પ્રાર્થના કરતી હોય છે. ઉપરોકત તસ્વીરમાં આજે દશેરાના પવિત્ર દિને પોલીસ હેડ કવાર્ટર ખાતેના આર્મર ડેપો (શસ્ત્રાગાર)માં પડેલા શસ્ત્રોનું વિધિવત પુજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજા અને ડીવાયએસપી તેમજ પોલીસ ઇન્સ્પેકટરો સહિતના સ્ટાફે શસ્ત્રોની પુજનવિધિ કરી ભગવાન રામને પ્રાર્થના કરી હતી કે તમે જેમ રાવણરૂપી આસુરી શકિતને હણી તે રીતે અમે વર્તમાન સંજોગોમાં સમાજ માટે કલંકરૂપ અને ત્રાસરૂપ ગુન્હેગારોને હણતા રહીએ તેવી શકિત આપો. (સ્ટોરીઃ જયદેવસિંહ જાડેજા, ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:35 pm IST)