Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ગુજરાતીઓને ''દારૂડિયા'' કહેનાર અશોક ગેહલોત અરીસો જુએ : રાજુ ધ્રુવ

રાજકોટ તા ૮  : ગુજરાત અને બિહાર બાદ રાજસ્થાનમાં પણ દારૂબંધીની માંગ ઉઠાવતાં ગુજરાતની દારૂબંધીને લઇને રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે ''ગુજરાતમાં ઘેર-ઘેર લોકો દારૂ પીવે છે'' એવા અત્યંત નિંદનીય નિવેદન બદલ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને  કોંગ્રેસની ટોચની નેતાગીરીએ ગુજરાતી પ્રજાને માફી માંગવી જોઇએ તેમ ભાજપ અગ્રણી અને પક્ષના સોૈરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે.

વધુમાં જણાવ્યું છે કે ગહેલોતે ગુજરાતના સાડા ૬ કરોડ ગુજરાતીઓને ''દારૂડિયા'' નું  લેબલ મારી સમગ્ર ગુજરાતી પ્રજાનું અને ગુજરાતી અસ્મિતાનું ઘોર અપમાન કર્યુ છે. '' ગુજરાતને અન્યાય કરવો અને  ગુજરાતીઓને ભાંડવા એ કોંગ્રેસ અને તેના નેતાઓની જૂની આદત અને પરંપરા રહી છે, તે હકીકત વધુ એકવાર પુરવાર થઇ છે''.

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવામાં નિષ્ફળ ગયેલા અને બાદમાં પુત્ર મોહમાં મુખ્યમંત્રીપદ ગુમાવવાના આરે આવી ઉભેલા અશોક ગહેલોતે મીડિયાનું ધ્યાન અન્ય મુદ્દાઓ પર ભટકાવવા આ પ્રકારનું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં ફરી જયારે પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે આગોતરી હાર ભાળી ગયેલા કોંગ્રેસી નેતા ગહેલોતે પોતાની હીન કક્ષાનું પ્રદર્શન કરી કોંગ્રેસનું દેવાળું ફૂૅકવાનું કામ કર્યુ છે. ખરેખરતો ગુજરાતીઓને દારૂડીયા કહેનારે અરીસામાં મોઢું જોવુ જોઇએ.

રાજુભાઇ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સોૈ પ્રથમવાર રૂપાણી સરકારે નશાબંધીનો કાયદો કડક બનાવીને દારૂબંધી વિરૂધ્ધ ઝીરો ટોલરન્સની નીતી અપનાવી છે. ગુજરાત સરકાર નશાબંધીની નીતીને વરેલી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં નેતૃત્વમાં રાજય સરકારે નશાબંધી સુધારા વિધેયક લાવીને દારૂનાં ઉત્પાદન, વેચાણ, હેરાફેરી કરનારને ૧૦ વર્ષ જેલ અને રૂપિયા પાંચ લાખના દંડની જોગવાઇ કરી છે. સોૈ પ્રથમવાર હુક્કાબાર અને ઇ-સિગારેટ પર પણ પ્રતિબંધ ગુજરાતે જ મુકયો હતો. ત્યારબાદ ગુજરાતના પગલે દેશભરમાં ઇ-સિગારેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ગુજરાતમાં દારૂબંધી આભાસી નહીં પરંતુ તેનો કડક રીતે અમલ થતો હોવાથી દારૂનો જથ્થો પકડાવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જે સરકાર- પોલીસ તંત્રની અસરકારક  કામગીરી વ્યકત કરે છે. આમ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકારે ગુજરાતમાં દમદાર દારૂબંધીના કડક કાયદાનો અમલ શકય બનાવ્યો છે.

ગુજરાતનો વિકાસ અને ગુજરાતનાં વિકાસ પુરૂષો કોંગ્રેસને આંખમાં કણાની જેમ ખુંચે છે. કોંગ્રેસ અને તેના નેતાઓ ગુજરાતનો વિકાસ રૃંધાય તેવું ષડયંત્ર અવારનવાર રચી રહ્યા છે. પરંતુ તેમાં તેઓ નાકામ થઇ રહ્યાં છે. એક નહીં અનેક  ઉદાહરણો આપની સમક્ષ છે. કોંગ્રેસી નેતા અશોક ગહેલોતે ગુજરાતના ૬ કરોડ લોકોને દારૂડિયા કહી ગુજરાત અને  ગુજરાતીઓનું અપમાન કર્યુ છે. કોંગ્રેસે ગુજરાતીઓની માફી માંગવી જ જોઇએ એવું રાજુભાઇ ધ્રુવે અંતમાં જણાવ્યું છે.

(3:22 pm IST)