Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા, માણસને જીવવા માટે બળ આપે છેઃ આશા - આશ્વાસન કે ટેકો આપે છે, એમાં ખોટુ પણ શું છે?

આ વિષયે લખવાનું મન શું કામ થયું એ પહેલાં જણાવી દઉં. રાજકોટમાં શહેરથી દૂર આવેલું લાખેશ્વર મહાદેવનું મંદિર મારૂ. પ્રિય સ્થળ છે. છેલ્લા શ્રાદ્ઘના દિવસે કેટલાક મિત્રો સાથે ત્યાં જવાનું થયું. ત્યારે એ મંદિરના વિશાળ ચોગાનમાં ૮ જેટલા પરિવારો શ્રાદ્ઘ કર્મ કરવા આવ્યા હતા. બધા પરિવાર સાથે તેમના ભૂવાઓ હતા. ભૂવાઓ પરાણે પરાણે કો'ક ને ધુણાવતા હતા. 'આયવા આયવા.. દાદા પડમાં આયવા..' એવા હોંકારા પડકાર થતા હતા. દરેક પરિવારમાં એકાદ પુરૂ.ષ કે એકાદ મહિલા ધુણતા હતા... પરિવારો ધરાર ખુશ થતાં હતાં કે ગુજરી ગયા પછી પણ નડતાં દાદા આવી ગયા, પાણી પીવડાવું દીધું, દાદા રાજી થઈ ગયા, હવે નડશે નહીં. આપણે સહુ સારા વાના થઈ જશે. ભુવા ખુશ, મરી ગયેલા દાદા ખુશ અને જીવતા જાગતાં કુટુંબીઓ ખુશ..

દેખીતી રીતે જ આ એક જબરૃં નાટક હતું. આવા ખેલ ગામેગામ થતાં રહે છે અને આપણે ટીકા કરતાં રહીએ છીએ કે  આપણાં ભારતમાં.. આપણે હિન્દુઓમાં અંધશ્રદ્ઘાએ ભરડો લીધો છે. અમે પણ ત્યાં આ દ્રશ્યો જોઈને એ જ ટીકા કરી...

પણ, મુદ્દો એ છે કે આવું માત્ર ભારતમાં જ બને છે? ભૂવાઓ ભારતમાં જ છે? માત્ર ભારતના ગુજરી ગયેલા દેશી આત્માઓ જ ઉપરથી નીચે ટપકી પડે છે?

જવાબ છે ના.

આ લેખ સાથે કેટલાક પુસ્તકોના ફોટા મુકયા છે. હવે અહીં હું કેટલાક જગવિખ્યાત નામ લખું છું.

લિડિયા કારલર,  સોનિયા ચકવેટ, સિલ્વીયા બ્રાઉન, કોલીન વિલ્સન, ગોર્ડન સ્મિથ, જહોન હોલ્લાન્ડ,  એસથર, જેરી હિકસ, જહોન રોબર્ટ્સ, શેઈલા..

આવા ઓછામાં ઓછા ૧૦૦ નામ લખી શકાય.

આ બધા કોણ છે?

આ બધા સાઇકીક મીડીયમ છે. સાઇકીક મીડીયમ એટલે એવા લોકો જેઓ અહીંથી વિદાય લઈ લીધેલા આત્માઓ સાથે વાર્તાલાપ કરે છે. તમારા પરિવારના કોઈ દિવંગત બીજા લોકમાં હોય અને તમે એમના હાલચાલ જાણવા માંગતા હો તો આ બધા તોતિંગ ફી લઈને તમને સંપર્ક કરાવી દે. ફેર એટલો કે તમારા ને તમારા ગુજરી ગયેલા દાદા ડાયરેકટ તમારી સાથે વાત કરવાને બદલે આ સાયકીક મીડીયમ સાથે વાતચીત કરે અને તેમના દ્વારા તમને સંદેશો આપે કે બેટા હું અહીં મોજમાં છું. ત્યાં કરતા અહીં સારૂ. છે, પણ તું રખડવાનું ઓછું કરીને ભણવામાં ધ્યાન આપ. નહિતર તારા બાપ જેવો ડોબો રહી જઈશ વિગેરે વિગેરે.

કહેવાનું તાત્પર્ય એ કે આ બધા અપ્રતિમ વૈજ્ઞાનિક સિદ્ઘિઓ મેળવનાર અમેરિકા અને યુરોપના દેશોના વિદેશી ભૂવાઓ છે. શૂટ બુટ ટાઇ પહેરેલા ભૂવાઓ. આપણા ઘણા ભૂવાઓ મંદિરોમાં કે ઘરઆંગણે બાંધેલા માતાજીના મંડપોમાં આત્માઓને બોલાવે છે. જયારે આ વિદેશી ભૂવાઓ ફાઈવ સ્ટાર હોટેલોના એરકન્ડિશન્ડ હોલમાં આત્માઓની પધરામણી કરાવે છે.

આ બધા સેલિબ્રિટીઝ છે. એમના ટી.વી.શો થાય છે. હજારો લોકો એ જોવે છે. એમને મળવા લોકો પડાપડી કરે છે. દેશ વિદેશમાં તેમના સેમિનારો થાય છે. બધાની વેબ સાઇટો છે. એમના દ્વારા લિખિત પુસ્તકોનું કરોડો ડોલરોનું માર્કેટ છે.

શિલ્વીયા બ્રાઉન લિખિત કન્વરસેશન વિથ અધરસાઈડ, કોલીન વિલ્સનના Occult અને Mysteries, ગોર્ડન સ્મિથનું સ્પિરિટ મેસેન્જર, સોનિયા ચકેટનું Ask and you are given, જેન રોબર્ટસનું Sheth Speaks, એસ્થર અને જેરી હિકસ દંપતિ લિખિત લો ઓફ એટરેકશન.. આ બધા પુસ્તકોની લાખો નકલો વેચાઈ છે. આ યાદી તો હિમશીલાની ટોચ સમાન માત્ર છે. આત્માઓ સાથે વાર્તાલાપ કરાવી આપતા વિદેશી ભુવાઓના હજારો પુસ્તકો પ્રકાશન સાથે જ ચપોચપ ઉપડી જાય છે.

Esther&Jerry Hicks લિખિત Law Of Attraction પુસ્તક શુ છે? લેખક દંપતિનો દાવો છે કે અશરીરી આત્માઓના એક સમુહે એમને Law Of Attractionનું કેટલાય દિવસોના સેંકડો કલાકોના વાર્તાલાપ દ્વારા શિક્ષણ આપ્યું છે, એ સમૂહને એમણે અબ્રાહમ નામ આપ્યું અને અબ્રાહમનું એ શિક્ષણ પુસ્તક રૂ.પે પ્રગટ થયું. જહોન રોબર્ટને પણ sheth નામધારી આત્મા સમુહે અને શેઈલા નામની મહિલા મીડિયમને થિઓ નામના આત્મા સમુહે આ બધા જ્ઞાન આપ્યા હોવાના દાવા થયા છે. આ દાવા ગુપચુપ ગુપચપ નથી થયા. એના તો પુસ્તકો લખાયા, પુસ્તકોના પ્રચાર થયા, લાખો લોકોએ ખરીદ્યા, વાંચ્યા અને તેમાં લખેલું બધું સાચું માન્યુ. આ બધા વિદેશી ભૂવાઓ પાસે ભાવિકોની લાઈનો લાગે છે, એપોઇન્ટમેન્ટ મેળવવા લાગવગો લગાવવી પડે છે. વિદેશી ભૂવાઓની દુકાનો ધમધોકાર ચાલે છે.

આપણા ભૂવાઓ અને બાપુઓ હજુ જે નથી મેળવી શકયા એવી એવી ધૂંઆધાર સિદ્ઘિઓ આ વિદેશી ભૂવાઓએ મેળવી છે.

એક ઉદાહરણ આપું છું. સોનિયા ચકેટ નામના મહિલા સાયકીક મીડિયમના કહેવા મુજબ તેમની પાસે એક પર્સનલ અશરીરી ગાઈડ છે. જે ૨૪ કલાક એમની સાથે ને સાથે રહે છે. એક પર્સનલ સ્પિરિટ ગાઈડ છે. એ જયારે જરૂ.ર પડે ત્યારે માર્ગદર્શન આપી જાય છે. સોનિયા માતાજીના કહેવા મુજબ આપણા બધાના પર્સનલ ગાઈડ અને પર્સનલ સ્પિરિટ ગાઈડ હોય છે. ફેર એટલો છે કે આપણને એ ખબર નથી.

એમણે તો લાંબી યાદી આપી છે. એક મિનિસ્ટ્રી ઓફ ગાઈડ હોય છે. જેમાં દરેક ક્ષેત્રના જાણકાર આત્માઓ હોય છે. જેમ કે તમારે ત્યાં પાણીનો નળ બગડી ગયો તો એમાં અહીંથી વિદાય લઇ ગયેલા ઇતિહાસના પ્રોફેસરનો આત્મા કામ ન લાગે, એ કામ માટે પ્લમ્બરનો આત્મા જોઈએ. મિનિસ્ટ્રી ઓફ ગાઈડ સાથે તમારે સારા સબંધ હોય તો એ તમારા માટે પ્લમ્બરનો આત્મા મોકલી આપે. એક રનર સ્પિરિટ પણ આપણી સેવામાં હોય છે. તમે બહાર નીકળતા પહેલા એ સ્પિરિટને કહો એટલે એ ત્યાં પહોંચીને તમારા વાહન માટે પાર્કિંગની જગ્યા ગોતી રાખે...

આપણા આવા જાણકારો તો આ બધા પાસે મગતરાં કહેવાય કે નહીં?

અને મજા એ છે કે જેને આપણે ખૂબ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતાં, ખૂબ બુદ્ઘિશાળી અને વિકસિત ગણીએ છીએ એવા પશ્ચિમના દેશોના લાખો લોકો આ બધા દાવાને ખૂબ શ્રદ્ઘાપૂર્વક સાચા માને છે.

જો આપણું પિતૃઆહવાન અંધશ્રદ્ઘા હોય તો આ તો અંધશ્રદ્ઘાની પરાકાષ્ટા છે. માટે આપણે ભારતીયોએ એ વાતે લઘુતાગ્રંથિ કે શરમ ન અનુભવવી કે આપણે જ અંધશ્રદ્ધાળુ છીએ. દુનિયા આખી એવી જ છે અને એક યા બીજા સ્વરૂ.પે એવી જ રહેશે.

શ્રદ્ઘા, અંધશ્રદ્ઘા.. એ વિવાદના વિષયો છે.

હવે આગળ જરા વિષયાંતર કરવું છે.

ઈશ્વર છે કે નથી? સાચી વાત અનુભવ અથવા અનુભૂતિની છે. ઈશ્વર નથી એવું રેશનાલિસ્ટસ છાતી ઠોકીને કહી શકે, કારણકે ઈશ્વરના અસ્તિત્વનું ભૌતિક પ્રમાણ આપી શકાય તેમ નથી. ઈશ્વરનું અસ્તિત્વ નથી એવો દાવો કરવાના પણ પૂરતા કારણો છે.  દુઃખ, પીડા, ગરીબી, રોગ, દર્દ, હિંસા, સામાજિક અને આર્થિક અસમાનતા, યુદ્ધો, અત્યાચારો, અન્યાય, બળાત્કારો ધર્મ ધર્મ વચ્ચેના વિવાદો... ઈશ્વરનું જ સાશન હોય તો આ બધું ન હોય એવું કોઈ કહે તો તેનો ઇનકાર ન થઈ શકે. પણ સાથે જ કોઈ પોતાના વ્યકિતગત અનુભવ કે અનુભૂતિને કારણે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે તો એમાં વાંધો શું છે? ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ઘા માણસને જીવવા માટેનું બળ આપે કે દુઃખના સમયમાં આશા, આશ્વાસનનો ટેકો આપતી હોય તો એમાં પણ શું ખોટું છે?

આપણે યુગોથી શ્રદ્ઘા અને અંધશ્રદ્ઘામાં અટવાયેલા છીએ.  ઈશ્વરને, ગ્રહોને, શાસ્ત્રોને, પરલોક ને કે આત્માઓને માત્ર દુઃખી, પીડિત, ગરીબ, રોગીષ્ઠ, કાયર કે અસફળ લોકો જ માને છે એવું નથી. ભારતના સહુથી ધનિક અંબાણી પરિવારના પુત્રવધુ ક્રિકેટ મેચ હોય ત્યારે વિજય માટે દ્વારકાધીશના મંદિરે જાય છે. દરેક તીર્થસ્થાનમાં અંબાણી પરિવારના ગેસ્ટ હાઉસોના દરેક રૂ.મમાં શ્રીનાથજીની તસ્વીર હોય છે, ચંદ્રયાનની ઉડાન પહેલા નખશીખ વૈજ્ઞાનિકો હોમ હવન કરે છે, ફિલ્મી સિતારાઓ ગણપતિના પંડાલોમાં આરતી ઉતારે છે. મોટાભાગના સફળ ઉદ્યોગપતિઓની ચેમ્બર્સમાં ભગવાનના ફોટા દીવાલો પર ટીંગાતા હોય છે. ઉદ્યોગ કે વ્યયસાયિક લોકોના મંદિરોમાં પૂજા પાઠ થતા હોય છે. સફળતા, નામના, લોકચાહના અને સમૃદ્ઘિ જેના ચરણોમાં આળોટે છે એ અમિતાભ બચ્ચન ઉઘાડા પગે ચાલીને માનતા ઉતારવા મંદિરે જાય છે. ડો.કલામ માનતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ અલૌકિક શકિતઓ ધરાવતાં હતા. એ બધું છોડો, આ દેશે આપેલા સર્વશ્રેષ્ઠ મનુષ્યો પૈકીના સ્વામી વિવેકાનંદ પણ હોમ હવન કરતા, મંત્ર જાપ કરતા, કાલી માતાની પૂજા કરતા અને રામ કૃષ્ણ પરમહંસને રામ અને કૃષ્ણનો અવતાર માનતા. આ બધા નબળાં મનના હશે?, કોઈ ભય, લોભ લાલચને કારણે ભગવાનને માનતા હશે? મને ખબર નથી, પણ મારૂ. કહેવાનું એ છે કે તમે ભગવાન કે આત્માના અસ્તિત્વમાં માનતા હો અને કોઈ તમારી એ માન્યતાને ખોટી ગણાવે તો વિચલિત થવાની જરૂ.ર નથી. એ સાથે જ કોઈ મોટા માણસ ભગવાનને માને છે એટલે પણ માની લેવાની જરૂ.ર નથી. આ વિષય કોઈનું કીધુ માનવુ કે ન માનવુ એનો નથી. આ વિષય આપણા અંદરના અવાજને માનવાનો છે. ત્યાંથી જે આવે એ તમારા માટે સાચું.

શ્રદ્ઘા અને અંધશ્રદ્ઘા એ બે સમાંતર ચાલતા પ્રવાહો છે. અધ્યાત્મ અને વિજ્ઞાનનું પણ એવું જ છે. અંધશ્રદ્ઘાના વ્યાપ વચ્ચે પણ ભારતે અનેક વૈજ્ઞાનિક સિદ્ઘિઓ હાંસલ કરી છે. અંધશ્રદ્ઘાની ટીકા કરવી હોય તો કરવી પણ આપણે ભારતીયો જ અંધ શ્રદ્ધાળુ છીએ એમ કહીને આપણને નીચા ન દેખાડવા. એમ કહેવું કે આખી દુનિયા અંધશ્રદ્ધાળુ છે અને ભારત પણ એમાં બાકાત નથી.

હવે... મને ખબર છે કે કોઈ આ વાંચીને કદાચ ત્રાટકશે કે તમે આ ફિલોસોફી ડહોળી પણ એ તો કહો કે તમે પોતે શ્રદ્ધાળુના વર્ગમાં આવો છો કે બુદ્ઘિહીન અંધશ્રદ્ધાળુના વર્ગમાં...?

મને ઈશ્વરમાં શ્રદ્ઘા છે. એ કદાચ અંધશ્રદ્ઘા હોય તો એ અંધશ્રદ્ઘામાં પણ મને પૂર્ણ શ્રદ્ઘા છે.

:: આલેખન ::

જગદીશ આચાર્ય

(સૌરાષ્ટ્રના સીનીયર મોસ્ટ જર્નાલીસ્ટ અને જાણીતા કોલમીસ્ટ,

સોશ્યલ નેટવર્ક રાઈટર (મો.૯૮૨૫૨ ૭૪૩૭૪)

(1:08 pm IST)