Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

મને મકાનમાં ભાગ ન દીધો, ભાભી મારા બાને મારકુટ કરતાં એટલે પતાવી દીધા...ચમન સરધારાનું રટણ!

દેવપરાના લેઉવા પટેલ પરિવારમાં ૨૦ વર્ષથી મકાનના ભાગ માટે ચાલતો વિવાદ હત્યા સુધી પહોંચ્યોઃ ભાઇઓ-ભાભીથી વીસેક વર્ષથી અલગ રહી વેલ્ડીંગ કામ કરતો ચમન સમયાંતરે પોલીસમાં અરજીઓ કરતો રહેતો હતોઃ ગઇકાલે સ્વાધ્યાય પરિવારમાં જઇ રહેલા ભાભી ભારતીબેન પર છરીથી તૂટી પડી ૩ ઘા ઝીંકી દીધા

રાજકોટ તા. ૮: સાહેબ, શું કરી હું કંટાળી ગયો'તો...વીસ વર્ષથી મને મારા ભાભી અને ભાઇ મકાનનો ભાગ આપતા નહોતાં, મારા બા અત્યારે તો હયાત નથી પણ એ જીવતા હતાં ત્યારે મારા ભાભી એને મારકુટ કરી લેતાં હતાં...મારા લગન પણ કરાવી દીધા નહોતાં...મારી નાંખવા એ જ રસ્તો લાગ્યો એટલે કાલે છરીના ઘા મારી દીધા...આવુ રટણ ગત સાંજે કોઠારીયા રોડ પર દેવપરા-૩માં પોતાના જ સગા ભાભી ભારતીબેન ઉમેશભાઇ સરધારા (ઉ.૪૫)ને છરીના ત્રણ ઘા ઝીંકી પતાવી દેનારા પટેલ શખ્સ ચમન કડવાભાઇ સરધારાએ પોલીસની પ્રાથમિક પુછતાછમાં કર્યુ છે. ચમન સતત તેના ભાઇ-ભાભી વિરૂધ્ધ ઘણા વર્ષોથી પોલીસમાં સમયાંતરે અરજીઓ કરતો રહેતો હતો. પોતાને મકાનનો ભાગ ન મળ્યાની, લગ્ન નહિ કરાવી અપાયાની તેમજ અલગ કરી દેવાયાની એકની એક ફરિયાદો તેની રહેતી હતી. અંતે તે ભાભીની હત્યા કરવા સુધીનું પગલુ ભરી બેઠો છે.

હત્યાની આ ઘટનામાં ભકિતનગર પોલીસે હત્યાનો ભોગ બનેલા વિવેકાનંદનગર-૨માં આશિષ પાન પાસે રહેતાં ભારતીબેનના પતિ ઉેમેશભાઇ કડવાભાઇ સરધારા (પટેલ) (ઉ.૪૭)ની ફરિયાદ પરથી તેના જ સગા નાના ભાઇ ચમન સામે આઇપીસી ૩૦૨, ૧૩૫ (૧) મુજબ હત્યાનો ગુનો નોંધ્યો છે. ઉમશેભાઇ વિમા એજન્ટ તરીકે કામ કરે છે. તેણે પોલીસને વિગતો આપતા જણાવ્યું હતું કે અમે ત્રણ ભાઇઓ અને બે બહેનો છીએ. મારા લગ્ન ૧૯૯૮માં રાજકોટના કુવાડવા રોડ પર રહેતાં ભીખાભાઇ માવજીભાઇ પાદરીયાની દિકરી ભારતીબેન સાથે થયા હતાં. મારે સંતાનમાં એક દિકરી હેતશ્રી છે.  મારા મોટા બહેનનું નામ નિર્મળાબેન મુકેશભાઇ કમાણી, તેનાથી નાના બહેનનું નામ હંસાબેન લક્ષમણભાઇ સગપરીયા છે. એથી નાનો ભાઇ ચમન છે. સોૈથી નાનો જીતેન્દ્ર ઉર્ફ દિપકભાઇ છે. અમારે ભાઇ ચમન સાથે ૨૦ વર્ષથી કોઇ સંબંધ નથી.

સોમવારે સાંજે ચારેક વાગ્યે હું એલઆઇસી ઓફિસે હતો ત્યારે નાના ભાઇ જીતેન્દ્રએ મને ફોન કરી વાત કરી હતી કે તું જલ્દી દેવપરાવાળા આપણા જુના મકાને આવી જા, મારા ભાભીને આપણા ભાઇ ચમને છરી મારી દીધી છે. જેથી હું એલઆઇસી ઓફિસથી દેવપરા-૩માં અમારા જુના મકાન પાસે પહોંચ્યો હતો. ત્યારે મારા પત્નિ ભારતીબેન લોહીલુહાણ હાલતમાં પડ્યા હતાં. તેના શરીરે જોતાં ડાબા પડખામાં તથા વાંસામાં ડાબી તથા જમણી બાજુ છરીના ઘા હતાં અને તેના કારણે તેનું મૃત્યુ થયાની ખબર પડી હતી.

મેં તપાસ કરતાં ખબર પડી હતી કે મારા પત્નિ ઘરેથી સાડા ત્રણ પોણાચારે પડોશી લક્ષ્મીબેન સાથે સ્વાધ્યાય પરિવારમાં જવા નીકળ્યા હતાં. ત્યારે દેવપરા-૩ના છેડે મેહુલનગર વોર્ડ ઓફિસ પાસે પહોંચતા મારો ભાઇ ચમન મોટરસાઇકલ પર આવ્યો હતો અને મારા પત્નિને રોકી છરીના ઘા મારવા માંડ્યો હતો. આ વખતે લક્ષ્મીબેને બૂમાબૂમ કરતાં માણસો ભેગા થઇ જતાં ચમન ભાગી ગયો હતો.

ઉમેશભાઇએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે અમારે દેવપરા-૩માં જુનુ મકાન છે. જે ભાયુભાગમાં સંયુકત છે, આ મકાન મારા બાના નામનું છે. તેમાંથી ભાગ આપવા માટે અવાર-નવાર ચમન ઝઘડા કરતો હતો અને ૨૦ વર્ષથી ભાગના રૂપિયા માંગતો હતો.  તેના સતત ઝઘડાને કારણે અમારે તેની સાથે કોઇ સંબંધ નહોતાં. ચમન અવાર-નવાર મારા વિરૂધ્ધ, મારા પત્નિ તેમજ મારા સાળા વિરૂધ્ધ પણ ફરિયાદો કરી હેરાન પરેશાન કરતો હતો. હવે તેણે મારા પત્નિની આ કારણોસર હત્યા કરી નાંખી છે.

ઇન્ચાર્જ બી.ટી. વાઢીયાની રાહબરીમં પીએસઆઇ પી. બી. જેબલીયા, ભાવેશભાઇ મકવાણા સહિતે ગુનો નોંધ્યો હતો. પી.આઇ. વી. કે. ગઢવી, નિલેષભાઇ મકવાણા સહિતે વિશેષ તપાસ હાથ ધરી છે. સકંજામં આવેલા ચમન સરધારાએ એવું રટણ કર્યુ છે કે મને મકાનનો ભાગ ભાભી અને ભાઇ આપતા નહોતાં, મારા લગન કરાવ્યા નહોતાં. મારા બા હયાત હતાં ત્યારે તેને મારા ભાભી મારકુટ કરી લેતાં હતાં. હવે બીજો રસ્તો જ નહોતો એટલે છરી મારી દીધી હતી!...એવી ચર્ચા છે કે ચમનની માનસિક પરિસ્થિતિ ઠીક નથી. જો કે પોલીસ આ બાબતે મેડિકલ તપાસ કરાવશે. જો કે પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે હાજર ભારતીબેનના સ્વજનોએ કહ્યું હતું કે ચમનને કોઇ જાતની માનસિક તકલીફ નથી. તેણે જાણી જોઇને હત્યા કરી નાંખી છે. ચમનની ધરપકડ બાદ પોલીસ વિશેષ તપાસ કરશે. (૧૪.૯)

(1:13 pm IST)
  • તામિલનાડુ પોલીસે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થનાર શિખર સંમેલન પહેલા 10 તિબેટટીઓની ધરપકડ કરી : સંભવિત વિરોધ પ્રદર્શન અટકાવવા આ 10 તિબેટીઓને પકડી લેવાયાં હોવાનું અનુમાન access_time 1:17 am IST

  • ડોનાલ્ડ ટ્રમ્પની તુર્કીને ખુલી ધમકી : કહ્યું સીરિયામાં હદ બહાર ગયા તો બરબાદ કરી નાખીશ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સીરિયાથી લાગેલી તુર્કીની સીમાથી અમેરિકાના સૈનિકો હટાવાના નિર્ણંયને યોગ્ય ઠેરવતા કહ્યું કે ક્ષેત્રને સ્થિતિથી ખુદે નિપટવું જોઈએ : ટ્રમ્પએ એમ પણ કહ્યું કે જો સીરિયામાં તુર્કી હદ બહાર જાય તો તેની અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાખશે access_time 1:11 am IST

  • પીએમ મોદી આજે દિલ્હીમાં કરશે રાવણ દહનઃ ૧ લાખ લોકો ઉમટશેઃ દ્વારકા સેકટર ૧૦ની રામલીલા આ વખતે ખાસ છેઃ આજે રાવણના પૂતળાનું દહન કરવા ખુદ પીએમ મોદી આવવાના છેઃ આ પ્રસંગે ૧ લાખ લોકો ઉમટી પડે તેવી શકયતા છેઃ રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો પણ આ પ્રસંગે હાજર રહેશે access_time 11:32 am IST