Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

બાળકો સાથે મહાનુભાવોની સ્વાદિલી મોજ

રાજકોટ : પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા આજે ફનવર્લ્ડમાં બાળકોને મોજ કરાવાઇ હતી. બાળકોને ભોજન પણ કરાવ્યું હતું. બાળકો સાથે મહાનુભાવોએ પણ પંગતમાં બેસીને ભોજન માણ્યું હતું. ભોજન માણી રહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, તેમના જીવનસાથી અંજલીબેન તથા મહાપાલિકાના કમિશનર બંછાનિધિ પાની, કલેકટરશ્રી ગુપ્તાજી, પોલીસ કમિશનર અગ્રવાલજી અને રાજુભાઇ ધ્રુવ વગેરે નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ શહેરના વિવિધ સ્લમ એરિયામાં વસતા એક હજાર જેટલા બાળકોને આજે ખરેખર મોજ પડી ગઇ. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ચેરમેનશીપ હેઠળ ચાલતા પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલા બાળસંગમ કાર્યક્રમમાં આવેલા બાળકોએ વિવિધ રાઇડ્ઝની મજા માણી, એ બાદ બપોરના મિષ્ટાન્ન સહિતના ભાવતા ભોજનિયા જમ્યા હતા. વિશેષ વાત એ હતી કે મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ પણ બાળકો સાથે પંગતમાં બેસી ભોજન લીધું હતું અને રૂપાણી દંપતીએ બાળકોને આગ્રહ કરી જમાડ્યા હતા.

પોતાના પુત્ર પૂજિતના સ્મરણમાં તેમના જન્મ દિને પ્રતિ વર્ષ શ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ શહેરમાં બાળસંગમ કાર્યક્રમનું આયોજન કરે છે. બાળસંગમ કાર્યક્રમ એટલે શહેરના સ્લમ વિસ્તારોમાં રહેતા બાળકોને તેના બચપણની મોજ કરાવવાનો અવસર. બાળસંગમ કાર્યક્રમમાં બાળકોને નર્યો આનંદ કરાવવામાં આવે છે. બાળકોને કાં તો ફિલ્મ દેખાડવામાં આવે, કોઇ પિકનિક કરાવવામાં આવે અથવા તો રાઇડ્ઝની મજા કરાવવામાં આવે.

આ વખતના ૨૪માં બાળ સંગમ કાર્યક્રમમાં સહભાગી બનેલા એક હજાર જેટલા બાળકોએ રેસકોર્સ સ્થિત ફનવર્લ્ડમાં ત્રણેક કલાક સુધી વિવિધ રાઇડ્ઝમાં સવારી કરી તેની મજા માણી હતી. એટલો આનંદ પ્રમોદ કર્યા બાદ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

બાળકોને પંગતમાં બેસાડી મિષ્ટાન્ન સહિતનું ભોજન પીરસવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને તેમના પત્ની શ્રી અંજલીબેન રૂપાણી પણ સામાન્ય માણસની જેમ બાળકોની સાથે પંગતમાં ગોઠવાઇ ગયા હતા અને બાળકો સાથે ભોજન લીધું હતું.

(4:19 pm IST)