Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

શંખનાદ પ્રેમનો, સુલેહનો, સમજણનો થવો જોઈએ : તમે નર્મદા સમાન છો, જરૂર છે નહેર સમાન દિશાની :પૂ.નમ્રમુનિ મ.સા

ડુંગર દરબારમાં પૂ.નમ્રમુનિ મ.સા.ની નિશ્રામાં બે દિવસીય ભારત સ્થા. જૈન શ્રી ડુંગર હીર મહામહિલા મંડળનું ૧૧મું નારી સંમેલન યોજાયુ

 રાજકોટઃ તા.૮, ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ તેમજ રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં પૂ. ભદ્રાબાઈ મહાસતીજીની પ્રેરણાથી તથા શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના ઉપક્રમે ભારતના સમસ્ત સ્થાનકવાસી જૈન શ્રી ડુંગર હીર મહામહિલામંડળના અગિયારમાં નારી શકિત શંખનાદ- મહિલા શકિત બે દિવસીય સંમેલન રાજકોટના ડુંગર દરબાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ ભારતના કાલાવડથી શરૂ કરી અને પૂર્વ ભારતના કોલકતા સુધીના વિવિધ શહેરના મહિલા મંડળો તેમના તમામ સદસ્યો સાથે લગભગ ૨૫૦૦ બહેનોએ આ ઐતિહાસિક સંમેલનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દેવલોકવાસી નિડરવકતા પરમ પૂજય ધનકુંવરબાઈ મહાસતીજીની પૂણ્ય સ્મૃતિમાં તથા અપૂર્વશ્રુત આરાધિકા પૂજય સાહેબજી લીલમબાઈ મહાસતીજીની  પ્રેરણાથી આજથી ૧૧ વર્ષ પહેલાં શેઠ ઉપાશ્રયમાં આ મહિલા મંડળનો માત્ર ૧૦ મંડળ સાથે શુભારંભ થયો હતો જે આજે ૧૨૦ મંડળ સાથે ૧૮૦૦ બહેનોની વિરાટ સંખ્યા પર પહોંચી ગયું છે.

છેવાડાના બહેનોના ધાર્મિક તેમજ આંતરિક ઉત્થાનના શુભ હેતુથી શરૂ થયેલા મંડળમાં ધર્મ, અધ્યાત્મ અને આંતરિક ઉત્થાનને લગતી અનેક પ્રકારની હરિફાઈઓનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.

બે દિવસીય આ મહાસંમેલનમાં નાદુરસ્ત તબિયત હોવા છતાં બહેનોને જીવન પથદર્શન કરાવવા રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી સંમેલનમાં પધાર્યા હતા અને બહેનોને શાસન પ્રભાવિકા બનવા, વૈયાવચ્ચ કરવા, ગૃહ ઉદ્યોગ કરી સ્વનિર્ભર બનવા અને અનેકવિધ પ્રવૃતિઓ સાથે સાથે આંતરિક ઉત્થાન કરીને કુટુંબને ઉપાશ્રય બનાવવાની પ્રેરણા કરી હતી. નારીમાં અખૂટ શકિતઓનો ભંડાર છે. જો તેમને સાચી દિશા મળે તો તે કલ્પના બહારના પરિણામો સર્જી શકે છે.

સંમેલનનો શુભારંભ ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબના મંગલાચરણથી થયો હતો. આ તકે શ્રીમતી અંજલિબેન રૂપાણી, વિભાવરીબેન દવે, ભાવનાબેન જોશીપુરા, દર્શિતાબેન શાહ તથા રોયલપાર્ક શ્રી મોટા સંઘના પ્રમુખ   ચંદ્રકાંતભાઈ શેઠે પ્રસંગોચિત્ત્। ઉદબોધન કર્યાં હતાં .  માનવીય સંબંધો પર આધારિત વિવિધ વિષયો પર વકતૃત્વ સ્પર્ધા તેમજ નાટ્ય સ્પર્ધામાં ૧૪૦ જેટલાં પ્રવેશપત્રો મળ્યાં હતાં, જેમાં બહેનોએ પોતાની પ્રતિભા દ્વારા અભિનયના ઓજસ પાથર્યા હતાં.

બે દિવસીય સંમેલનને સફળ બનાવવા આદર્શયોગિની પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજી અને અખંડ સેવાભાવી પૂજય શ્રી ભદ્રાબાઈ મહાસતીજીની પ્રેરણાથી પૂ.અજીતાબાઈ મહાસતીજી, પૂ.પન્નાબાઈ મહાસતીજી તેમજ અન્ય મહાસતીજીઓના માર્ગદર્શન નીચે ડુંગર-હીર મહામહિલા મંડળના બહેનોએ વિણાબેન,   સુલોચનાબેન,   પ્રગતિબેન, પ્રવિણાબેન, અલ્પાબેન,   મયુરીબેન,  રત્નાબેન ઉપરાંત રાજકોટના મહિલા મંડળ તેમજ અર્હમ ગ્રુપનાં અને પ્રોગ્રેસીવ ગ્રુપના ભાઈઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે   સંજયભાઈ મહેતા, મેહુલભાઈ રવાણી તથા  ભાવેશભાઈ શાહે સેવા આપી હતી.

વકતૃત્વ સ્પર્ધામાં સોનલબેન ગોડા (આકોલા), અલ્પાબેન દેસાઈ (ગોંડલ),  ભકિત શાહ (રાજકોટ), હીનાબેન દોશી (રાજકોટ), ભાવનાબેન માટલીયા (સાવરકુંડલા) , તથા નાટ્ય સ્પર્ધામાં  આંનદ મુકિત મહિલા મંડળ(જૂનાગઢ), અજરામર કંકુ મહિલા મંડળ(રાજકોટ), મુકત લીલમ કન્યા મંડળ (જેતપુર), જય પ્રાણ મહિલા મંડળ(કોલકતા) તથા  પ્રાણ પ્રકાશ પુત્રવધુ મંડળ (જામનગર) વિજેતા થયેલ.

પ્રથમ ક્રમ માટે રાજકોટ રોયલપાર્ક મહિલા મંડળની પસંદગી થઈ હતી, પરંતુ યજમાન મંડળે ખેલદિલી દાખવીને અન્ય મંડલોને લાભ આપીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં બૃહદ રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે નીડરવકતા પૂજય શ્રી ધનકુવરબાઈ મહાસતીજીના જીવન-કવન પર આધારિત પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. 

(3:26 pm IST)