Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ખેડુતોના પ્રશ્‍ને આજે રાજકોટમાં મહારેલી

ભારતીય કિસાન સંઘનું આયોજન : બપોરે ૩.૩૦ વાગ્‍યે બહુમાળી ભવનથી પ્રસ્‍થાન : પાક વિમો, પશુ ઘાસચારો, પૂરતી વિજળી, દેવા માફી, ભુંડનો ત્રાસ સહીતા પ્રશ્‍ને કલેકટરને અપાશે આવેદન

રાજકોટ તા. ૮ : ભારતીય કિસાન સંઘ દ્વારા આજે તા. ૮ ના સોમવારે બપોર બાદ રાજકોટમાં ખેડુતોની મહારેલીનું આયોજન કરાયુ છે.

પત્રકાર પરીષદમાં વિગતો આપતા કિસાન સંઘના જિલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયાએ જણાવેલ કે પાકવિમો, પશુ માટે ઘાસચારો, સૌની યોજનાથી જળાશયો ભરવા, દિવસના વિજળી આપવા, ખેડુતોના દેવા માફ કરી દેવા, ભુંડ અને રોઝ જેવા જંગલી જાનવરોના ત્રાસમાંથી મુક્‍તિ અપાવવા, ફરીથી જમીનોનું રી સર્વે કરાવવા, ખેતીના પાકોના પોષણક્ષમ ભાવો આપવા સહીતના મુદ્દે કિસાન સંઘે આ મહારેલીનું એલાન આપેલ છે.

જે મુજબ બપોરે ૩.૩૦ વાગ્‍યે રાજકોટ જિલ્લાભરમાંથી ખેડુતો બહુમાળી ભવન રેસકોર્ષ રીંગરોડ ખાતે એકત્ર થશે. બાદમાં અહીથી પગપાળા કલેકટર કચેરીએ જઇ આવેદનપત્ર સુપ્રત કરાશે.

કિસાનોની આ રેલીને સફળ બનાવવા સલાહકાર સમિતિના પ્રમુખ ભરતભાઇ પીપળીયા (મો.૯૮૨૫૦ ૫૯૧૬૦), જિલ્લા મહામંત્રી (મો.૯૫૫૮૦ ૩૫૨૮૫), જિલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા (મો.૯૪૨૭૨ ૦૭૮૬૮) ના નેતૃત્‍વ તળે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

વધુને વધુ સંખ્‍યામાં રાજકોટ જિલ્લામાંથી ખેડુતોએ ઉમટી પડવા દિલીપભાઇ સખીયાએ અનુરોધ કરેલ છે.

(11:19 am IST)