Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

કુંભારવાડાના મોજીબુલ બંગાલી સાથે કિરીટ ફીચડીયા અને સંજય લોઢીયાની ૧૩.૨૦ લાખની ઠગાઇ

દાગીના બનાવવા બંને ૪૧૫ ગ્રામ સોનુ લઇ ગયા પછી દાગીના ન બનાવ્યા અને સોનુ પણ પાછુ ન આપ્યું

રાજકોટઃ મોટે ભાગે બંગાળી કારીગરો દાગીના બનાવવા સોનુ લઇ ગયા બાદ છેતરપીંડી કરતાં હોવાની ફરિયાદો થતી હોય છે. પરંતુ આ વખતે બંગાળી યુવાન સાથે સોની કારીગરોએ ઠગાઇ કર્યાનો મામલો સામે આવ્યો છે. કુંભારવાડા-૯/૧૧ના ખુણે કેનાલ રોડ પર રહેતાં મોજીબુલ ઉર્ફ મનજીત સફુરઅલી મલિક (બંગાળી) (ઉ.૨૮) નામના યુવાને ૧૩,૨૦,૬૦૦ની છેતરપીંડી થયાની ફરિયાદ ભકિતનગર પોલીસમાં નોંધાવી છે.

પોલીસે તેની ફરિયાદ પરથી કેવડાવાડી-૪માં રહેતાં કિરીટ પ્રભુદાસ ફીચડીયા અને મેહુલનગર-૧૦માં રહેતાં સંજય કનુભાઇ લોઢીયા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો છે. મોજીબુલ સુવર્ણદીપ કોમ્પલેક્ષ ખોજાખાના ચોકમાં છ વર્ષથી સોની કામની દૂકાન ધરાવે છે. ત્રણ-ચાર મહિના પહેલા આ કોમ્પલેક્ષમાં દૂકાન ધરાવતાં સંજય લોઢીયા સાથે ઓળખાણ થઇ હતી. તેણે તેના મિત્ર કિરીટ ફીચડીયા સાથે પરિચય કરાવ્યો હતો અને સોના-ચાંદીના દાગીનાનું સેલ્સનું કામ કરે છે તેમ કહ્યું હતું.

એ પછી દાગીના ગ્રાહકોને બતાવવા માટે સંજય લોઢીયા મારફત કિરીટ ફીચડીયાને રૂ. ૧૩,૨૦,૬૦૦ની કિંમતના ૪૧૫ ગ્રામ સોનાના દાગીના આપ્યા હતાં. કિરીટી આ દાગીના લઇ દસેક મિનીટમાં બજારમાં વેપારીને બતાવીને આવે છે તેમ કહી વાહન લઇને નીકળી ગયો હતો. એકાદ કલાક સુધી તે ન આવતાં ફોન કરતાં ફોન બંધ આવ્યો હતો.

એ પછી કિરીટ ફીચડીયાએ સામેથી ફોન કરી તું સંજયભાઇને ફોન ન કરતો હમણા તારા દાગીના પરત આપી દઇશ. તેમ કહ્યું હતું. એ પછી મોજીબુલને શંકા જેવું લાગતાં મિત્રોને લઇ કિરીટ ફીચડીયાના ઘરે જતાં ત્યાં તાળુ જોવા મળ્યું હતું. સંજયનો ફોન પણ બંધ થઇ આવતો હતો. આટા દિવસો સુધી બંનેને શોધવા છતાં નહિ મળતાં બંનેએ કાવત્રુ રચી ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવી છે. ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા અને ટીમે તપાસ હાથ ધરી છે.

(11:13 am IST)