Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

માનવ કલ્યાણ મંડળ દ્વારા મંગળવારે ઝુપડપટ્ટીમાં છપ્પન ભોગ : નિઃશુલ્ક કુપોષણ નિવારણ કેમ્પ

રાજકોટ તા. ૬ : સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સંચાલિત માનવ કલ્યાણ મંડળ ગુજરાતના ચેરમેન મુકેશભાઇ મેરજાના જન્મ દિવસ નિમિતે આગામી તા. ૧૦ ના રવિવારે સાંજે ૬ વાગ્યે સવાણી કીડની હોસ્પિટલ પાછળ ઝુપડપટ્ટી મહીલા આઇટીઆઇ. યુનિવર્સિટી રોડ ખાતે કુપોષણ નિવારણ માટેનો નિઃશુલ્ક કેમ્પ અને જાગૃતિ શીબીરનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા માનવ કલ્યાણ મંડળના આગેવાનોએ જણાવેલ કે યુવા વર્ગને નવો રાહ બતાવવા અને સાચી સમજ આપવા 'દરીદ્રનારાયણ ૫૬ ભોગ'નું ઝુપડપટ્ટી ખાતે નવતર આયોજન કરાયુ છે. મંદિરમાં છપ્પન ભોગ ધરાવવાને બદલે ગરીબોને  ભાવતા ભોજન કરાવવામાં આવશે. સગર્ભા બહેનોને મલ્ટી વિટામીનની ટેબ્લેટ અપાશે. બાળકોને પણ વિટામીનની જરૂરીયાત મુજબની ટેબ્લેટ અપાશે. સાથે એક નિઃશુલ્ક કુપોષણ નિવારણ કેમ્પ અને જાગૃતિ શિબિર રાખેલ છે.

આ સંસ્થાની વિચારધારા મુજબ સભ્યોના જન્મ દિવસ કે કોઇ વર્ષગાંઠની ઉજવણી પાછળ ખોટા ખર્ચા કરવાને બદલે જરૂરતમંદ લોકોને ઉપયોગી થવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે આ વિચારધારાને આગળ વધારવા તા. ૧૦ ના મંગળવારે સાંજે ૬ વાગ્યે સવાણી કીડની હોસ્પિટલ પાછળની ઝુપડપટ્ટી ખાતે આ કાર્યક્રમ આયોજીત કરાયો છે.

સમગ્ર આયોજન માટે ચેરમેન નાથાભાઇ કાલરીયા, પ્રમુખ મુકેશભાઇ મેરજા (મો.૯૪૨૬૭ ૩૭૨૭૩), એમ.ડી. શ્રીમતી વિભાબેન પટેલ, મહામંત્રી શ્રીમતી ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી જયોતિબેન ટીલવા જહેમત ઉઠાવી રહ્યા છે. સંસ્થાના દાતા શૈલેષભાઇ ગોવાણીએ આ વિચારધારાને વધાવી છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા માનવ કલ્યાણ મંડળના ગીતાબેન પટેલ, જયોતિબેન ટીલવા, વિભાબેન પટેલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:40 pm IST)