Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

માહી મિલ્કનું ટર્નઓવર ૧૪૦૦ કરોડને પાર

કંપનીનો નફો ૨૮.૨૮ કરોડે પહોંચ્યોઃ શેરદીઠ રૂ.૯નું ડિવિડન્ડ જાહેરઃ વાર્ષિક સાધારણ સભા સંપન્ન

રાજકોટ,તા.૮: દૂધ ઉત્પાદકોની પોતાની કંપની માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડની સાતમી વાર્ષિક સાધારણસભા પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાઈ હતી. દૂધ ઉત્પાદક સભ્યોની વિશાળ ઉપસ્થિતિમાં  યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન ગોપાલભાઈ વારોત્રાએ ગત નાણાંકીય વર્ષ ૨૦૧૭- ૧૮ દરમિયાન કંપનીએ સાધેલા વિકાસની રૂપરેખા રજૂ કરી હતી. કંપનીની કુલ આવકમાં આગલા વર્ષની સરખામણીમાં ૨૧ ટકાનો ઉછાળો નોંધાયો છે. કંપનીએ અગાઉના વર્ષની રૂપિયા ૧૧૯૦.૧૬ કરોડની કુલ આવક સામે ગત નાણાંકીય વર્ષ દરમિયાન રૂપિયા ૧૪૪૪.૭૩ કરોડની આવક નોંધાવી છે. જયારે કરવેરા પહેલા રૂપિયા ૨૮.૨૮ કરોડનો નફો નોંધાવ્યો છે. કંપનીના નફાને ધ્યાને લઈને ડીરેકટરોએ રૂ.૧૦૦ના એક એવા ઈકિવટી શેર પર શેરદીઠ રૂ.૯નું ડિવિડન્ડ ચૂકવવા ભલામણ કરી હતી. જેને આ સભામાં મંજૂરી આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગળના વર્ષની સરખામણીએ ગત વર્ષ દરમિયાન દૂધની આવક ૨૧ ટકા વધી હોવા છતા કંપનીએ એકપણ દિવસ મિલ્ક હોલી-ડે જાહેર કર્યા વિના તમામ સભ્યો દ્વારા ભરવામાં આવેલ દૂધ સ્વીકાર્યુ હતું. કંપનીએ બજારમાંથી થયેલી ૧ રૂપિયાની આવક સામે ૮૩ પૈસા તેના દૂધ ઉત્પાદક સભ્યોને તેમજ દૂધ સંપાદન પાછળ થતા ખર્ચ પેટે ચૂકવ્યા છે. જે કંપનીની દૂધ ઉત્પાદક સભ્યો પ્રત્યેની પ્રતિબધ્ધતા દર્શાવે છે. કંપનીએ સમગ્ર રાજયમાં વિટામિન એ અને ડી યુકત દૂધ લોન્ચ કરીને ડેરી સેગમેન્ટમાં આગવું સ્થાન મેળવ્યુ છે. તાજેતરમાં જ કંપનીને મિલ્ક ફોર્ટિફિકેશન માટે કરાયેલી કાર્યવાહી બદલ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના ચીફ એકિઝકયુટિવ પવન અગ્રવાલના હસ્તે મિલ્ક ફોર્ટિફિકેશન ચેમ્પિયનનું પ્રમાણપત્ર એનાયત કરી નવાજવામાં આવી છે.(૩૦.૧૧)

 

(4:21 pm IST)