Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતા મેયર બીનાબેન, સ્ટે. ચેરમેન ઉદયભાઇ સહિતના પદાધીકારીઓ

રાજકોટઃ ચાલુ ચોમાસે અપુરતા વરસાદના કારણે આજી–૧ડેમમાં પુરતુ પાણી ન આવવાથી  જળસંકટ ઉભુ ન થાય તે માટે આજી–૧ ડેમને નર્મદાનીરથી ભરી આપવા કરવામાં આવેલ રજુઆતની ગણતરીના કલાકોમાં જ આજી–૧ડેમમાં નર્મદાનીર છોડવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સબંધક અધિકારીઓને સુચના આપેલ છે. આ અંગે આભાર વ્યકત કરતા મહાનગરપાલીકાના મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા તથા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન  ઉદયભાઈ કાનગડ એક યાદીમાં જણાવે છે કે  ચાલુ ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ગયા વર્ષની સરખામણીમાં હજુ પ૦ ટકા જેટલોજ વરસાદ થયો છે. શહેરથી નજીક આવેલ આજી–૧ તથા ન્યારી ડેમમાં પુરતો પાણી પુરવઠો ન હોવાથી વર્તમાન સ્થિતી અને આગામી ચોમાસાને ઘ્યાને લઈ આજી–૧ ડેમમાં નર્મદાનું પાણી છોડવા તા.૬/૯ના રોજ ગાંધીનગર ખાતે મહાનગરપાલીકાના તમામ પદાધીકારીઓ રૂબરૂ જઈ મુખ્યમંત્રી સમક્ષ વિસ્તૃત રજુઆત કરેલ. આ બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગંભીરતાથી ઘ્યાને લઈ રાજકોટ ના નાગરીકોને આગામી ચોમાસુ સુધી પીવાના પાણીની કોઈજ તકલીફ ન થાય તે માટે ૭૩પ એમ.સી. એફ.ટી. પાણી આજી–૧ ડેમમાં છોડવા પ્રજાલક્ષી નિર્ણય લીધો છે.તે બદલ તમામ પદાધીકારીઓ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરે છે.

વિશેષમાં જણાવેલ છે કે મુખ્યમંત્રીશ્રીએ નર્મદાનું પાણી આજી તરફ છોડવાનું ચાલુ પણ કરાવી દીધેલ છે, અને આજ સાજ સુધીમાં આજી–૧ ખાતે આ પાણી પહોંચી જશે. હાલમાં આજી–૧માં ફકત ર૦૦ એમ.સી. એફ.ટી. જેટલુ પાણી છે. જે રાજકોટને ફકત દોઢ મહીનો માંડ ચાલી શકે તે ઉપરાંત ન્યારી–૧ તથા ભાદરમાં પણ પુરતુ પાણી ન હોવાથી પાણીની વર્તમાન સ્થિતી ઘ્યાને લઈ મુખ્યમંત્રીએ ફરીથી આજી–૧ને નર્મદાનીરથી ભરી આપવાનો નિર્ણય કરી અને વગર વરસાદે આજી ઓવરફલો કરવાની તૈયારી કરી દીધી છે.(૨-૨૩)

 

(4:16 pm IST)