Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

નર્મદા મૈયાની હેટ્રીકઃ સાંજે ત્રીજી વખત આજી ડેમે નર્મદા નીરનું આગમન

મેયર બીનાબેન, ડે. મેયર અશ્વિનભાઈ તથા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ સાંજે ૪.૩૦ વાગ્યે નર્મદા નીરના વધામણા કરશે

રાજકોટ, તા. ૮ :. રાજ્ય સરકારની સૌની યોજના મારફત રાજકોટના આજી ડેમને સતત ત્રીજી વખત ભરી દેવાનો પ્રારંભ થયો છે અને આજે સાંજે ૪.૩૦ વાગ્યે આજી-૧ ડેમમાં નર્મદા નીરનું આગમન થનાર હોય નર્મદા નીરના વધામણા મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલિયા, શાસક નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર તથા વોટર વર્કસ સમિતિ ચેરમેન બાબુભાઈ આહીર સહિતના પદાધિકારીઓ તથા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવશે.

ચોમાસુ હવે પૂર્ણ થવા આવ્યુ છે ત્યારે રાજકોટને પાણી પુરૂ પાડતા આજી ડેમ, ન્યારી ડેમ અને ભાદર ડેમ જે જળ જથ્થો છે તે ત્રણેય જળાશયોનો મળી સરેરાશ જળ જથ્થો આગામી ૬ મહિના સુધી ચાલે તેટલો છે જે પૈકી આજી ડેમમાં હવે માત્ર ૧ મહિનાનું પાણી છે, આથી મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરી અને આજી ડેમમાં ૭૦૦ એમસીએફટી જેટલુ નર્મદા નીર નાખવુ જરૂરી હોવાનું જણાવ્યુ હતું. જેના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મ્યુ. કમિશ્નરશ્રીને ખાત્રી આપી હતી કે ચિંતા ન કરો આજી ડેમમાં જોઈએ તેટલુ નર્મદા નીર ઠાલવવાની સરકારની તૈયારી છે તેમ જણાવી આજથી જ આજી ડેમમા નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરાવી દીધુ છે.

આ અંગે મેયર બીનાબેન આચાર્યની યાદીમાં જણાવાયુ ર્છેે કે, રાજકોટ મહાનગર પાલિકાની વિનંતીને માન આપીને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કરેલા પ્રજાલક્ષી ઉમદા નિર્ણયના પગલે સૌની યોજના હેઠળ આજે સાંજ સુધીમાં રાજકોટના આજી ડેમમાં નર્મદાનીર આવી પહોચશે ત્યારે નર્મદા નીરના વધામણા કરાશે.

મેયરશ્રીએ વધુમાં રાજકોટ માટે આ આશીર્વાદરૂપ નિર્ણય બદલ માન. મુખ્યમંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા એમ જણાવ્યું હતું કે, આજી ડેમમાં કુલ ૯૩૦ MCFT જળ સંગ્રહ ક્ષમતા સામે હાલ માત્ર ૨૦૦ MCFT જળ જથ્થો જ હોય, મુખ્યમંત્રીશ્રી સમક્ષ આગામી સમયને ધ્યાનમાં રાખીને રાજકોટના જળાશયોની વર્તમાન સ્થિતિ રજુ કરવામાં આવી હતી અને આજી ડેમમાં અલ્પ પ્રમાણમાં જળ જથ્થો હોવા પણ માન. મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કરવામાં આવેલ, આ સમગ્ર સ્થિતિ રજુ કરી આજી ડેમ માટે નર્મદા નીર દેવડાવા મુખ્યમંત્રીશ્રીને નમ્ર વિનતી કરવામાં આવી હતી.

મેયરશ્રીએ આનંદ વ્યકત કરતા એમ જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજકોટ વાસીઓને પીવાના પાણીની કોઈ તકલીફ ન થાય તે બાબતને ગંભીરતા પૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રીશ્રીએ આજી ડેમ માટે નર્મદાના ૭૩૫ MCFT નીર છોડવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પગલે નર્મદાનીર છોડવાનું શરુ થઇ ચૂકયું છે અને સાંજે ૪.૩૦ વાગ્યે આજી ડેમે નર્મદા નીર આવી પહોંચશે ત્યારે અધિકારીઓ માં નર્મદાના નીરના ભાવપૂર્વક વધામણા કરશે.(૨-૨૨)

 

(4:14 pm IST)