Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

રેલનગરના બ્રાહ્મણ વૃધ્ધને લૂંટી લેવાના ગુનાનો ભેદ ખુલ્યોઃ દિપક કોળી પકડાયો

પોપટપરાના શખ્સની સંડોવણીની બાતમી મળતાં પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલ્યોઃ રોકડ-મોબાઇલ કબ્જે

રાજકોટ તા. ૮: ફનવર્લ્ડમાં હિસાબી શાખામાં નોકરી કરતાં અમદાવાદ જેલના નિવૃત કર્મચારી રેલનગર પાસે સાઇબાબા સોસાયટી-૧માં રહેતાં ધીરજલાલ ભોળાશંકર ભટ્ટ (ઉ.૭૨) નામના વૃધ્ધ  મંગળવારે રાત્રે નોકરી પુરી કરી ફનવર્લ્ડમાંથી બહાર આવ્યા ત્યારે એક શખ્સે 'હાલો દાદા બેસી જાવ, હું તમને ઓળખું છું...' તેમ કહી લિફટ આપી રેલનગર તરફ જવાના અંડર બ્રીજ પાસે પહોંચ્યા પછી એ તરફ બાઇક હંકારવાને બદલે  જામનગર રોડ તરફના બગીચા તરફ વળાંક લઇ ધીરજલાલને ઝાડીમાં લઇ જઇ મારકુટ કરી રૂ. ૧૦ હજારની રોકડ, ડોકયુમેન્ટ અને મોબાઇલ ફોન લૂંટી લીધા હતાં. પ્ર.નગર પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી પોપટપરા રઘુનંદન સોસાયટી-૧/૪ના ખુણે રહેતાં દિપક ઉર્ફ મુન્નો રમેશભાઇ થરેશા (ઉ.૨૮) નામના કોળી શખ્સને પકડી લીધો છે.

લૂંટનો ભેદ ઉકેલવા ઉપરી અધીકારીઓએ સુચના આપી હોઇ ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી બી. બી. રાઠોડના માર્ગદર્શન અને પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ. ગોસાઇ, હેડકોનસ. દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, જયદિપભાઇ ધોળકીયા, પ્રદિપસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, મનજીભાઇ ડાંગર, જયેન્દ્રસિંહ પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોહસીનખાન, અરવિંદભાઇ અને હેમેન્દ્રભાઇની બાતમી પરથી જંકશન પોલીસ ચોકી સામેથી દિપકને પકડી લેવાયો હતો. આ શખ્સે મોજશોખ માટે લૂંટ કરી હતી. તેની પાસેથી તમામ રોકડ અને મોબાઇલ ફોન કબ્જે લેવાયા છે. લૂંટમાં વાપરેલુ હોન્ડા કબ્જે લેવાનું હોઇ તેમજ બીજા ગુના આચર્યા છે કે કેમ? તેની પુછતાછ કરવાની હોઇ રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. (૧૪.૯)

(4:11 pm IST)