Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

શાંતિલાલ વીરડીયાને હત્યાનો જરાપણ પછતાવો નથીઃ કહ્યું-લાશ દિકરાઓને સોંપી દ્દયો એટલે વિધી પતી જાય!

લાશ ફેંકવા ગયા ત્યારે શાંતિલાલ કારમાંથી નીચે પણ ન ઉતર્યોઃ વિજયએ જ નીકાલ કર્યોઃ બંનેને સાથે રાખી પોલીસ ઘટના સ્થળે, લાશ ફેંકાઇ ત્યાં અને મોબાઇલ ફેંકયો ત્યાં તપાસ કરશેઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી બી. બી. રાઠોડની રાહબરીમાં પી.આઇ. વી.એસ. વણઝારા અને ટીમ દ્વારા નક્કર પુરાવા એકઠા કરવા કવાયતઃ હીના મહેતાની લાશ રિ-પોસ્ટમોર્ટમ માટે જામનગર લઇ જવાઇઃ શાંતિલાલ અને વિજય સોમવાર સુધી રિમાન્ડ પર

રાજકોટ તા. ૮:  મવડીથી કણકોટ જવાના રસ્તા પરના પુલ નીચેથી બુધવારે અજાણી મહિલાની લાશ મળી આવી હતી. આ લાશ વડવાજડી ગામની મધ્યાહન ભોજનની સંચાલિકા જામનગર રોડ પર ફૂડ કોર્પોરેશન ગોડાઉન રોડ પર મધુરમ્ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૩માં ચોથા માળે રહેતાં  વિધવા વણિક મહિલા હીનાબેન રાજેશભાઇ મહેતા (ઉ.વ.૪૮)ની હોવાનું ખુલવા સાથે તેની હત્યા  માયાણીનગરમાં રહેતાં સ્કૂલ કોલેજોના સંચાલક એવા લેઉવા પટેલ પ્રોૈઢ શાંતિલાલ હરદાસભાઇ વીરડીયા (ઉ.૫૩)એ પોતાના પરપ્રાંતિય મિત્ર વિજય શ્રીઆધ્યા રાય (ઉ.૩૭)ની મદદથી કર્મયોગી સ્કૂલમાં જ પાંચમા માળે કર્યાનું ખુલતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે શાંતિલાલ અને વિજયને કોર્ટમાં રજૂ કરતાં બંનેના સોમવાર સુધી રિમાન્ડ મંજુર થયા છે. હવે પોલીસ નક્કર પુરાવા એકઠા કરી રહી છે. હીનાબેનની લાશને રિ-પોસ્ટમોર્ટમ માટે જામનગર લઇ જવામાં આવી છે. હત્યા સબબ તેને કોઇ અફસોસ હોય તેવું જણાતું નથી, તેણે લાશ તેના દિકરાઓને સોંપી દેવાની શેખી પોલીસ સમક્ષ વ્યકત કરી હતી.

પોલીસને લાશ મળી ત્યાંથી એક લાઇટ બીલ મળ્યું હતું. તેના આધારે તપાસ આગળ વધી હતી અને મૃતકની ઓળખ થઇ હતી. તે સાથે જ હત્યા કર્મયોગી સ્કૂલના સંચાલક શાંતિલાલ વીરડીયાએ મિત્ર વિજય રાય સાથે મળીને કર્યાનું ખુલતાં બંનેને સકંજામાં લેવાયા હતાં. શાંતિલાલે પોલીસને એવું જણાવ્યું હતું કે પોતાને હીના મહેતા સાથે લાંબા સમયથી પરિચય હતો. પણ હવે તેણી દ્વારા બ્લેકમેઇલીંગ થતું હોઇ કંટાળી જતાં પ્લાન ઘડી કાંટો કાઢી નખાવ્યો હતો. સ્કૂલના પાંચમા માળે હીના મહેતાને બેસાડી દીધા પછી થોડીવાર વાતો કરી હતી અને બાદમાં રૂમમાં જ છુપાયેલા વિજયએ બહાર આવી પાછળથી ગળામાં દોરડુ નાંખી ફાંસો દઇ દીધો હતો. શાંતિલાલ આ જોઇ ન શકતાં બાથરૂમમાં જતો રહ્યો હતો.

લાશનો નિકાલ કરવા બંને સ્કોર્પિયોમાં ગયા હતાં. ત્યારે શાંતિલાલ લાશ ઉતારવામાં પણ મદદરૂપ થયો નહોતો. તે ગાડીમાં ડ્રાઇવીંગ સીટ પર બેસી રહ્યો હતો અને લાશ એકલા વિજયએ ઉતારીને ખાડામાં ફેંકી હતી. એ પછી ચાલુ ગાડીએ હીના મહેતાનું પર્સ ફેંકયું હતું. મોબાઇલ માધાપર નજીક કયાંક ફેંકયાનું બંને કહેતાં હોઇ આજે પોલીસ બંનેને સાથે રાખી ઘટના સ્થળ, લાશ જ્યાં ફેંકી ત્યાં અને મોબાઇલ ફેંકયો ત્યાં લઇ જઇ તપાસ કરશે.

બીજી તરફ રાજકોટ પોસ્ટ મોર્ટમ થયું તેમાં પ્રાથમિક કોઝ ઓફ ડેથ પણ અપાયું ન હોઇ મૃતક હીનાબેનના પુત્ર તરફથી આ બાબતે રજૂઆત થતાં પોલીસે લાશનું રી-પોસ્ટ મોર્ટમ કરાવવા માટે જામનગર મોકલી છે. આજે સવારે તાલુકા પોલીસની એક ટીમ મૃતદેહ લઇ જામનગર જવા રવાના થઇ હતી. શાંતિલાલ અને વિજયએ રાત લોકઅપમાં વિતાવી હતી. ગઇકાલે જ્યારે રી-પોસ્ટ મોર્ટમની વાત આવી ત્યારે શાંતિલાલે એવી શેખી બતાવી હતી કે, જે થવાનું હતું એ થઇ ગયું, રી-પોસ્ટ મોર્ટમની શું જરૂર છે, લાશ વધુ ખરાબ થાય એના કરતાં તેના પુત્રોને સોંપી દ્યો એટલે અંતિમવિધી થઇ જાય!

કર્મયોગી સ્કૂલના સંચાલક એવા શાંતિલાલના આવા કર્મથી ચકચાર મચી ગઇ છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી બી. બી. રાઠોડ, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. વી.એસ. વણઝારા, પીએસઆઇ જી.એસ. ગઢવી, એએસઆઇ ડી.વી. ખાંભલા, રાઇટર પદુભા રાણા, હેડકોન્સ. એ. કે. કવાડીયા, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, વિરેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, નગીનભાઇ ડાંગર, ગોપાલસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ ગઢવી, રાહુલભાઇ ગોહેલ, હિરેનભાઇ સોલંકી, અરજણભાઇ ઓડેદરા સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(12:10 pm IST)