Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

એ પરમાત્માને મેં શું આપ્યું?

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ બોધ પ્રાપ્તિનો અવસર, પ્રભુવચનોના બોધને અંગિકાર કરવાનો અવસર !

 

વાત છે ગોવાના ફેસ્ટિવલની, ગોવામાં દર વર્ષે એક એવો તહેવાર ઉજવાય છે જેમાં બાળકો અને યુવાનોએ વાઘ,સિંહ,ચિતા આદિ પ્રાણીઓના માસ્ક પહેરી પ્રાણીઓની જેમ ચાલતા ચાલતા જવાનું અને એક પોઇન્ટ પર પીગીના ભુંડના તાજા જન્મેલા ત્રણ ચાર દિવસના સેંકડો બચ્ચાઓ રાખ્યા હોય ત્યાં પહોચી, હાથના ઉપયોગ વિના મોંમા મૂકીને ખાવાના. આ એક સ્પર્ધા હોય છે. જેમાં જે વધારે બચ્ચા ખાય તેને પ્રથમ ઇનામ મળે.

એકબાજુ નાના નાના સોફટ સોફટ બચ્ચા તરફડતા હોય અને આ યુવાનો એક પછી એક ખાતા જાય, હસતા જાય અને મોઢામાંથી લોહીની ધાર વહેતી હોય અને બચ્ચા દર્શના કારણે, વેદનાના કારણે રડતા હોય, ચીસાચીસ કરતા હોય !

આવી સ્પર્ધામાં તમને મોકલવામાં આવે તો તમે જાવ કે ન જાવ ? ન જાવ કેમ ?

એ પણ તમારા જેવા મનુષ્ય છે. તમારા જેવા હાથ પગ અને શરીર છે, જે દેશના તમે છો એ જ દેશના એ લોકો પણ છે છતા પણ આટલો ફરક શા માટે ? તમે જાવ જ નહી અને એ લોકો હોશે હોશે, હસતા હસતા એક તહેવારની જેમ ઉજવણી કરે, આવો ફરક શા માટે ?

કેમકે, તમારા હૃદયમાં દયા, પ્રેમ, કરૂણા અને વાત્સલ્ય છે. તમને આવા પરિવારમાં જન્મ મળ્યો છે. જયાં એક નાનકડી કીડી પણ મરી ન જાય એનું ધ્યાન રાખવામાં આવે છે. એવા પ્રકારના સંસ્કાર આપવામાં આવે છે.

ધન્ય છે આપણો પરિવાર કે જેમને કયારેક પરમાત્માનું સાનિધ્ય મળ્યું હશે. એટલે  પરંપરાએ આજે પરમાત્માના દયા,કરૂણા, અહિંસા, પ્રેમ, મૈત્રી અને ક્ષમાના સંસ્કાર આપણને મળ્યા. આજે ભાવથી, અહોભાવથી આપણા પરિવારને અને પરિવારના પૂર્વજોનો આભાર માનવો જોઇએ. ઉપકારભાવ વ્યકત કરવો જોઇએ. કોઇની વેદના મારી વેદના બની જાય. એવા સંસ્કાર જે પરિવારના કારણે મને મળ્યા. એ પરિવાર ધન્ય છે અને એ પરિવારને જે પરમાત્મા મળ્યા એ પરમાત્મા ધન્ય છે.

માનો કે, તમારો જન્મ ગોવાના એ પરિવારને ત્યાં થયો હોત તો ? તમે જીવતા પીગીના બચ્ચાને ખાઇને હસતા હોત તો ? તમારા મુખમાં ચીસો પાડતુ પીગીનું બચ્ચુ હોત તો ? કલ્પના કરો, શું હોત ? કલ્પના પણ થઇ શકતી નથી. કલ્પના કરતા પણ કંપારી છુટે છે. એ પરિવારમાં જન્મ મળ્યા પછી તમારૂ ભવિષ્ય કેવું હોત ? આવતો ભવ કેવો હોત ? જે પરમાત્માને કારણે તમે આવા પાપ કરતા અટકી ગયા. જે પરમાત્માને કારણે તમે ક્રુર થતા અટકી ગયા. જે પરમાત્માને કારણે તમે કોઇને પીડા આપતા અટકી ગયા. એ પરમાત્માને તમે શું આપ્યું ?

જે પરમાત્માએ તમને આટલા પાપથી બચાવ્યા, જે પરમાત્માએ તમને ધર્મના સંસ્કાર આપ્યા, એ પરમાત્મા માટે તમે શું કર્યુ ? એ પરમાત્મા માટે તમારે કંઇક કરવું જોઇએ કે નહી ? તમારા મન, વચન, અને કાયાના યોગોને પરમાત્માની કોઇ સેવામાં, પરમાત્માની ભકિતમાં, પરમાત્માની કોઇ પ્રેરણામાં કે પરમાત્માએ બતાવેલા કોઇ પુરૂષાર્થમાં ઉપયોગમાં લાવવા જોઇએ કે નહી ? પ્રભુના કાર્યમાં સેવા કરવી જોઇએ કે નહી ?

 સેવા, સેવા કયારે થાય ? વ્યકિત સેવા કયારે કરી શકે ? સેવા ત્યારે જ થાય, જયારે અંદરમાંથી ઉપકાર ભાવ પ્રગટ થાય. ઉપકાર ભાવનો અનુભવ થાય તો જ એ ઉપકારના ઋણમાંથી મુકત થવાનો પુરૂષાર્થ થાય.

જયાં સુધી ઉપકારભાવ પ્રગટ નહી થાય ત્યાં સુધી પ્રભુના શાસનમાંથી મેળવવાનો પ્રયત્ન કરશો પણ આપવાનો પ્રયત્ન નહી કરો. પ્રભુના શાસન થકી મને લાભ થવો જોઇએ એવો વિચાર આવશે પણ મારા થકી પ્રભુના શાસનને શું લાભ થવો જોઇએ એવો વિચાર નહી આવે.

વિચાર કરો, તમારા મોઢામાં તાજુ જન્મેલુ એકદમ સોફટ પીગીનું બચ્ચુ છે અને તમારૂ મોઢુ એને મસ્તીથી ચાવી રહ્યુ છે. તમે સ્વાદથી એને ખાઇ રહ્યા છે. કલ્પના પણ નથી કરી શકતા તો વાસ્તવિકતાની વાત જ કયાં છે ? પરમાત્માના કારણે તમે આવા ક્રુર અને ઘાતકી બનતા તો આ ભવમાં બચી ગયા છો, પણ શું આવતા ભવમાં પણ બચી શકશો ? આ ભવમાં પરમાત્માનું જ્ઞાન, સમજ અને સંસ્કાર મળ્યા છે એટલે બચી ગયા છો, પણ શું તમે ગેરંટી સાથે કહી શકશો કે આવતા ભવમાં પણ મને પરમાત્માનો પરિવાર મળશે જ !

એક શેઠ હતા, એમને કોઇ રોગ થયો હોવાથી વૈધરાજે કહ્યુ હતુ કે, આ દવા સાથે ગાયનું તાજુ દૂધ લેશો તો તમારો રોગ મટી જશે. શેઠ બજારમાંથી સરસ ગાય લઇ આવ્યા. સવાર, બપોર અને સાંજ ત્રણ ટાઇમ ગાયને દોહી તાજા દૂધ સાથે દવા લીધી. શેઠને સારૂ લાગ્યુ. બીજા દિવસે સવારે શેઠે ગાય દોહરાવી, પણ ગાયએ જરાપણ દૂધ ન આપ્યુ. શેઠ વિચારમાં પડી ગયા. શેઠ ગયાએ ભાઇ પાસે અને કહ્યુ તમે તો કહેતા હતા કે ગાય ત્રણ ટાઇમ દૂધ આપે છે પણ આજે તો ગાયએ જરાપણ દૂધ ન આપ્યુ. એ ભાઇએ કહ્યુ શેઠ એવું બની  જ ન શકે. મારી ગાય નિયમિત દૂધ આપે છે. તમે ગઇકાલથી આજ સુધી કેટલી વાર દૂધ લીધું? શેઠે કહ્યુ ત્રણ ટાઇમ લીધુ. પણ આજે દૂધ આપતી જ નથી.

એ ભાઇએ કહ્યુ, શેઠ ! તમે ગાયને ભોજનમાં શું આપ્યુ છે? કયારે આપ્યુ છે? શેઠે કહ્યુ ભોજન ! મેં તો એને કંઇ જ આપ્યું નથી. ન ખાવાનું કે ન પીવા માટે પાણી ! એ ભાઇએ કહ્યુ, શેઠ તમે ભોજન - પાણી ન આપોતો ગાય દુધ કયાંથી આપે ? એક દિવસ આપ્યું પણ રોજ કેવી રીતે આપે ? શેઠ, પહેલા તમારે એને ભોજન આપવું પડશે. તમે ભોજન આપશો તો એ તમને દૂધ આપશે.

ભગવાનના શાસનમાં પણ આ જ વાત છે. આજે તમે પ્રભુના શાસનમાં સેવા આપશો તો કાલે તમને પ્રભુનુ શાસન મળશે અને જો પ્રભુનુ શાસન અને પ્રભુનુ અનુશાસન ન મળ્યુ અને કયાંક એવા ઘરમાં જન્મ મળ્યો, ત્યારે તમારા મોઢામાં તેત્રીસમું પીગીનું બચ્ચું હોય, તમે પ્રથમ ઇનામ જીત્યાનો આનંદ મેળવતા હો, મોઢામાંથી લોહી વહેતું હોય અને તમે નૃત્ય કરતા હો, કેવા લાગશો ? કલ્પના કરો કેવા લાગશો?

પ્રભુના શાસનમાંથી મેળવ્યું તો ઘણું, પણ આપ્યું કાંઇ નહી. સેવા શા માટે કરવી જોઇએ. એ બોધ બરાબર યાદ રહેવો જોઇએ અને યાદ રહે માટે જ પીગીના બચ્ચાને ટેસથી ચાવી રહ્યા છો, એ દ્રશ્ય વારંવાર યાદ આવવુ જોઇએ. એ દ્રશ્યની કલ્પના જેમ જેમ વધારે થશે. તેમ તેમ આંસુની ધાર વધતી જશે, અને ત્યારે તમને અંતરમાંથી ભાવ જાગશે. મારે મારા તન - મન - ધન પ્રભુના શાસનની સેવામાં કયાંક ને કયાંક વાપરવા છે. આ ભવે તો હું જિનશાસનથી લાભ લઉં છુ. પાપ અને અશુભ કર્મોથી બચુ છુ પણ જો આ ભાવે મારાથી જિનશાસનને લાભ નહી થાય, મારો એ પ્રકારનો પુરૂષાર્થ નહી હોય તો ભવિષ્યમાં મને જિનશાસન નહી મળે ? (૪૫.૭)

(12:09 pm IST)