Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

નિવૃત જમાદાર માસાનો ચેઇન ખેંચનાર ભાણેજ પકડાયા બાદ સેનેટાઇઝર પી ગયો

પ્ર.નગર પોલીસના ગુનામાં સાગર ઉર્ફે લાલાને જંકશન ચોકીના સ્‍ટાફે પકડયો'તોઃ સારવાર માટે દાખલ

રાજકોટ તા. ૮ :.. સાધુ વાસવાણી કુંજ રોડ, સાઇ પાર્ક સોસાયટીમાં નિવૃત જમાદારનો સોનાનો ચેઇન ખેંચનાર ભાણેજ પકડાયા બાદ જંકશન પોલીસ ચોકીની બાજુમાં મુતરડીમાં સેનેટાઇઝર પી લેતા તેને સારવાર માટે સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

મળતી વિગત મુજબ સાઇ પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત જમાદાર શ્રી પ્રસાદ ટેકબહાદુર રાણા (ઉ.૬૩) પરિવાર સાથે પોતાના ઘરમાં સૂતા હતા ત્‍યાર આજે વહેલી સવારે એક શખ્‍સે ઘરમાં ઘુસી નિવૃત જમાદારના ગળામાં ઝોંટ મારી રૂા. ૧.૪૮ લાખનો સોનાનો ચેઇન ઝૂંટવી નાસી ગયો હતો. આ બનાવમાં નિવૃત જમાદાર તેને પકડવા જતા આ શખ્‍સને ઓળખી ગયા હતાં.

બાદ તેણે પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં ભકિતપાર્કમાં રહેતો તેના સાળીનો દીકર સાગર ઉર્ફે લાલો રામસીંગ ઠકુરી (ઉ.વ.ર૬) ને પકડી લઇ જંકશન પોલીસ ચોકીએ લઇ આવ્‍યા હતા બાદ સાગર ઉર્ફે લાલો લઘુશંકા કરવાનું બહાનું કરી પોલીસ ચોકીની બાજુમાં આવેલ શૌચાલયમાં સેનેટરાઇઝર પી લીધુ હતું. બાદ બનાવની જાણ થતા તેને સારવાર માટે સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અંગે પીએસઆઇ એસ. એન. જોગરાણાએ તપાસ આદરી છે. 

(4:52 pm IST)