Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૧૨મીથી ચાર દિ'૭૫ તિરંગા કલા કૃતિઓનું પ્રદર્શન અને સ્પર્ધા

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે

રાજકોટઃ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત તથા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત અને ગુજકોસ્ટ માન્ય શ્રી ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર - રેસકોર્સ, રાજકોટ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી અન્વયે રાષ્ટ્ર ભાવના કલાકૃતિ અને વિજ્ઞાનનો અદભુત ત્રિવેણી સંગમ પ્રસ્તુત થવા જઈ રહ્યો છે.

રાજકોટ કલા શિક્ષક સંઘના સંયુકત ઉપક્રમે યોજાઈ રહેલા આ કાર્યક્રમ દરમિયાન જુદા જુદા આકારોમાં અને માધ્યમો વડે ૭૫ તિરંગા કલાકૃતિ સૌ પ્રથમવાર પ્રદર્શિત થવા જઈ રહી છે. રાજકોટ કલા શિક્ષક સંઘના પ્રમુખ અને જાણીતા ચિત્રકાર અને એવોર્ડ વિજેતા શ્રી રજનીભાઈ ત્રિવેદી દ્વારા આ ૭૫ તિરંગા કલાકૃતિ તૈયાર કરવામાં આવશે. સમગ્ર રાજકોટના રાષ્ટપ્રેમી, કલાપ્રેમી અને વિજ્ઞાન પ્રેમી લોકો પણ પોતાનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ કલા અને વિજ્ઞાનના માધ્યમથી પ્રસ્તુત કરી શકે તે માટે 'તિરંગા કલાકૃતિ સ્પર્ધા'પણ જાહેર કરવામાં આવી છે જેમાં ભાગ લેવા માટે કાગળ, કાપડ, ફળ-ફૂલ, વૃક્ષ, પાન, વગેરે... વગેરે જેવી ચીજ વસ્તુઓના માધ્યમથી તિરંગા કલાકૃતિ બનાવીને લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે તા. ૧૦ ઓગસ્ટ સુધીમાં પહોંચતી કરવાની રહેશે. આ કલાકૃતિ ૮* ૧૨ અથવા ૧૦ *૧૪ અથવા ૧૨ * ૧૫ ઈંચના માપની તથા માઉન્ટ બોર્ડ અને ફ્રેમ સાથે હોવી જોઇએ. સ્પર્ધા માટે આવેલી તમામ કલાકૃતિઓ ને શ્રી રજનીભાઈ ત્રિવેદી દ્વારા તૈયાર કરાયેલી ૭૫ કૃતિઓની સાથે જ જાહેર જનતા માટે તા.૧૨ ઓગસ્ટ થી ૧૬ ઓગસ્ટ દરમિયાન સવારે ૧૦ થી સાંજે ૬ માં પ્રદર્શનમાં પ્રસ્તુત કરવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અને શ્રેષ્ઠ ૧૦ કૃતિઓને આકર્ષક ઈનામો આપવામાં આવશે. રાજકોટ શહેરના કોઈ પણ ઉંમરના વિદ્યાર્થી - વ્યકિત આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. તેમ અંતમાં જણાવાયું છે

(4:50 pm IST)