Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

શાપર-વેરાવળના હોટલ કર્મચારીઓ ઉપરના હુમલા કેસમાં કોટડાસાંગાણી કોર્ટમાં ફરિયાદ

એસ.પી.ને રિપોર્ટ રજૂ કરવા હુકમ : માનવ આયોગમાં પણ ફરિયાદ

રાજકોટ,તા. ૮ : હાલમાં ચકચારી બનેલ શાપર પોલીસની બર્બરતાના વીડીયો તથા ફોટાઓ સોશ્‍યલ મીડિયામાં જાહેર થયા બાદ હોટલ માલિક જાવિદભાઇ ગુર્જર દ્વારા શાપર પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ પ્રભાત બાલસરા તથા બે અજાણ્‍યા પોલીસ કર્મી વિરૂધ્‍ધ કોટડાસાંગાણી કોર્ટમાં આઇ.પી.સી.ની કલમ ૩૨૩, ૫૦૪, ૨૯૨, ૧૧૪, ૧૨૦(બી) મુજબની ફરિયાદ કરતા કોર્ટે ફરિયાદ રજીસ્‍ટરે લઇ એસ.પી.પાસેથી સમગ્ર ઘટના ક્રમનો રિપોર્ટ મંગાવતો હુકમ ફરમાવેલ છે.

ગત તા. ૧-૮-૨૦૨૨ના રોજ વહેલી સવારે ૧૨:૩૦ કલાકે રાજકોટ ગોંડલ હાઇવે ઉપર શાપરવેરાવળ પાસે આવેલ ‘મસ્‍ત નોનવેજ' હોટલમાં હોટલ કર્મીઓ રાત્રિના હોટલ બંધ કરી ઘરે જવાની તૈયારીમાં હતા ત્‍યારે શાપર વેરાવળ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ અને બે અજાણ્‍યા પોલીસ કર્મીઓ હોટલે આવેલ અને એ.એસ.આઇ એ વિના કારણે હોટલ કર્મીઓને ગાળો આપી લાકડીઓ વીંઝવા લાગેલ અને કાલથી આ હોટલ ખુલવી જોઇએ નહીં નહિતર બધાને ખોટા ગુનામાં ફિટ કરી દઇશ અને જેલની હવા ખવડાવીસ તેવી ધમકી આપી હોટલના કાઉન્‍ટર ઉપર પડેલ બે મોબાઇલ ફોન અને હોટલ માલિકનું હોન્‍ડા મોટર સાયકલની લુંટ ચલાવેલ.

ઉપરોકત બનાવ બાબતે કોટડાસાંગાણી કોર્ટ તથા માનવ અધિકારી આયોગમાં તમામ પુરાવાઓ સાથે ફરિયાદ આપવામાં આવેલ છે.

આ કામે પીડિત પરિવાર વતી પંડિત એસોસિએટ્‍સના એડવોકેટ કલ્‍પેશ એન. મોરી, એડવોકેટ બીનીતા  જે.પટેલ, એડવોકેટ વૈશાલી વિઠલાણી, એડવોકેટ મિથિલેશ પરમાર રોકાયેલ છે તથા કાનુની સલાહકાર તરીકે શ્રી સંજયભાઇ પંડિત સેવા આપી રહેલ છે.

(12:10 pm IST)