Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

બોગસ વિમા પોલીસી કૌભાંડમાં પકડાયેલ આરોપીના હાઇકોર્ટ દ્વારા જામીન મંજુર

રાજકોટ, તા. ૮ :  બોગસ વિમા પોલીસીના કૌભાંડના આરોપીનો ઉચ્ચ અદાલતે જામીન ઉપર છુટકારો ફરમાવેલ હતો.

રાજકોટમાં રહેતા અને વિમા કંપનીના ઓફીસર નિકુંજ મહેશભાઇ શુકલએ મોરબી એસ.પી.ને ઇ.પ.કો.કલમ ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૭૧ વિગેરેની તા. ૭-૧૧-ર૦ર૦ ના રોજ ફરીયાદ નોંધાવેલ કે અમારી મોરબી મુકામે આવેલ ઓફીસે આશરે બે માસ પહેલા કલેઇમ ટ્રીબ્યુનલ જાબુંવા (મધ્યપ્રદેશ) ના કેસની પોલીસી સમન્સ સાથે મળેલ જે પોલીસીનું વેરીફીકેશન કરતા જાણવા મળેલ કે આ નંબરની પોલીસી અમોએ ઇશ્યુ કરેલ નથી અને બનાવટી પોલીસીનો ખરા તરીકે ઉપયોગ કરી કલેઇમ કેસ દાખલ કરેલ છે અને અમારી વિમા કંપની સાથે ઠગાઇ કરેલ છે.

આ કામમાં મોરબી પોલીસ દ્વારા આ બોગસ વિમા પોલીસી કૌભાંડમાં ગહન તપાસ કરવામાં આવેલ હતી અને જેમાં જલ્પેશ યોગેશભાઇ ગોધાવીયાએ પોતાના કોમ્પ્યુટરમાં બોગસ અને બનાવટી વિમા પોલીસી બનાવેલ હતી અને જે અનુસંધાને એકસીડન્ટ થનાર વ્યકિતને આપવામાં આવેલ હતી અને તેને ગો-ડીજીટ વિમા કંપની ઉપર મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ સમક્ષ મોટી રકમનો વળતરનો કલેઇમ કરેલ હતો. અને પોલીસે આ કૌભાંડમાં જલ્પેશ ગોધાવીયા મુખ્ય ભેજા રૂપ આરોપી હોય તે અંગે તપાસ કરી જલ્પેશ ગોધાવીયાની ધરપકડ કરી બે દિવસના રીમાન્ડની માંગણી કરેલ હતી.

આ કેસમાં આરોપીઓ રીમાન્ડ પૂર્ણ થતા જામીન અરજી કરેલ જેમાં બચાવ પક્ષના વકીલની દલીલો અને ઉચ્ચ અદાલતના જામીનના સિધ્ધાંતો ધ્યાને લઇ આરોપી જલ્પેશ ગોધાવીયાને રૂ. ૧પ,૦૦૦/- ના શરતી જામીન ઉપર મુકત કરવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી તરફે એડવોકેટ વિરાટ પોપટ, ભગીરથસિંહ ડોડીયા, જીતુભા જાડેજા, હેમાંશુ પારેખ, કીરીટ નકુમ, જયવીર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, ખોડુભા સાકરીયા, કુલદીપભાઇ ચૌહાણ, નયન મણીયાર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:32 pm IST)