Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ક્રેડિટ સોસાયટીના પ્રમુખની ૮૦ લાખની છેતરપીંડીઃ લોકડાઉનને કારણે ધંધાકિય ખોટ આવતાં નાણા ગુમાવ્યાનું પ્રમુખનું રટણ

યુનિવર્સિટી પોલીસે મુળ બાબરાના નવાણીયાના અંશુમન દવે સામે ગુનો નોંધી સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરીઃ રાજકોટમાં મંડળીના સંચાલનની સાથે ગામડે દૂધ-મિઠાઇનો મોટો ધંધો ધરાવતો હતોે: જીલ્લા સહકારી રજીસ્ટ્રાર કચેરીના ઓડિટરે નોંધાવી ફરિયાદ

રાજકોટ તા. ૮: પંચાયતનગર ચોકમાં આવેલી શ્રી સંકલ્પ સિધ્ધ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ મુળ બાબરાના નવાણીયા ગામના અંશુમન દવેએ નાના થાપણદારોના રૂ. ૮૦ લાખથી વધુ ચાંઉ કરી લેતાં તેના વિરૂધ્ધ અને તપાસમાં ખુલે તેની સામે જીલ્લા સહકારી રજીસ્ટ્રાર વિભાગના ઓડિટર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તેને સકંજામં લીધો છે. દૂધ અને મિઠાઇના ધંધામાં લોકડાઉનને કારણે મોટી ખોટ ગઇ હોવાથી તેમાં નાણા વેડફાઇ ગયાનું રટણ મંડળીના પ્રમુખે કર્યુ છે. જો કે તેની વાત પોલીસને ગળે ઉતરતી ન હોઇ વિસ્તૃત પુછતાછ હાથ ધરવામાં આવી છે.

યુનિવર્સિટી પોલીસે આ બારામાં રૈયા રોડ શિવમ્ પાર્ક-૧ અૃમતા હોસ્પિટલ પાછળ રવિ પ્રકાશ ખાતે રહેતાં અને બહુમાળી ભવન ખાતે બેસતી જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓના ઓડિટર શ્રી કાંતિલાલ પુંજાભાઇ સિંધવ (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી મુળ બાબરાના નવાણીયા ગામના હાલ યુનિવર્સિટી રોડ પર કૈલાસ પાર્ક મેઇન રોડ શેરી નં. ૧ પાસે રહેતાં પંચાયત ચોકમાં શ્રી સંકલ્પ સિધ્ધ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લી.ના પ્રમુખ અંશુમન મુકુંદભાઇ દવે વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪૦૯, ૨૦૧, ૧૨૦ (બી) તથા ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ કલમ ૧૪૭ (એન) મુજબ ગુનો નોંધ્યો છે.

ઓડિટરશ્રી સિંધવે ફરિયાદમાં જણાવ્યું  છે કે શ્રી સંકલ્પ સિધ્ધ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી લી. રાજકોટ એ ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ની જોગવાઇઓ મુજબ તા. ૧૦-૧૨-૨૦૦૯થી નોંધાયેલી શરાફી સહકારી મંડળી છે. અંશુમન દવે તેના પ્રમુખ છે. જે આ મંડળી ચલાવતા હતાં. તે મુળ નવાણીયાના વતની છે અને મંડળીના બીજા હોદ્દેદારો પણ છે. આ મંડળી વિરૂધ્ધ અલગ-અલગ અરજદારોએ જીલ્લા રજીસ્ટ્રાર કચેરી ખાતે રજૂ કરેલ અલગ-અલગ તારીખોની લેખિત રજૂઆતમાં તેઓની બાંધી મુદ્દતની થાપણો આ મંડળી પરત આપતી ન હોવાની ફરિયાદ કરી હતી. તે અંતર્ગત તેની તપાસ અમારી કચેરીના સહકારી અધિકારીને સોંપવામં આવી હતી. તે અંતર્ગત શ્રી તાલપરા તરફથી સ્થળ તપાસ કરવામં આવી હતી. જે અંતર્ગત મંડળીના હોદ્દેદારોએ મંડળીના છેલ્લા ઓડિટ મેમોની નકલ સિવાય અન્ય કોઇ દફતર તપાસ અર્થે રજુ કરેલ ન હતુ. આ માટે તેઓએ વારંવાર પ્રયાસ કરવા છતા હોદેદારોએ પુરતો સહકાર આપેલ ન હોઈ તપાસ અધિકારીને મંડળીના વ્યવહારો શંકાસ્પદ જણાતા હોય મંડળીના રેકર્ડ સાથે ચેડા થવાની સંભાવના જણાતી હોય આ મંડળીનું દફતર જપ્ત થયા બાદ રેકર્ડ ઉપરની વિગતો જાણ્યા બાદ જ આગળની કાર્યવાહી થઇ શકે તેમ હોય આ મંડળીનું રેકર્ડ જપ્ત કરવા હુકમો કરવા તપાસ અધિકારશ્રીએ તેમના તપાસ અહેવાલમાં સ્પષ્ટ અભીપ્રાય આપ્યો હતો.

ઉકત વિગતે તપાસ અધિકારીને મડળીના હોદેદારો તરફથી કોઈ સહકાર આપવામાં ન આવતા મંડળીના પ્રમુખ અંશુમન એમ દવેને તા.૨૭/૦૫/૨૦૨૦ના રોજ તમામ રેકર્ડ સાથે હાજર રહેવા ઈ-મીડીયાથી જાણ કરેલ હતી. તેમ છતા તેચ્યો અત્રેની કચેરી ખાતે રૂબરૂ હાજર રહેલ નથી કે લેખિતમાં કોઈ રજુઆત કરેલ નથી કે કોઈપણ પકારનો પ્રત્યુત્તર અત્રે રજુ કરેલ નર્થી. તપાસ અધિકારીના રજુ થયેલ ઉકત હકીકતલક્ષી અહેવાલથી થઈ આવેલ અભિપ્રાય અનુસાર સહકારી કાયદાની કલમ - ૮૩ ની જોગવાઈ અનુસાર સદરફ મંડળીનું રેકર્ડ જપ્ત કરવા અંગેની કાયદેસરની કાર્યવાહી કરવા કે. એન. તાલપરા સહકારી અધિકારી (વહીવટ)ને અધિકૃત કરતો હુકમ કરવામાં આવેલ હતો.

 દરમિયાનમાં અન્ય અરજદારો તરફથી આ મડળી વિરૂધ્ધ સરખા પ્રકારની લેખિતમાં રજુઆતો મળતા અરજદારોની તમામ રજુઆતો અન્વયે સહકારી કાયદાની કલમ-૮૩ અન્વયે મંડળીનું રેકર્ડ જપ્ત કર્યા બાદ  સહકારી અધિકારી (વહીવટ)ને જાણ કરવામાં ખાવેલ હતી. જે અન્વયે શ્રી તાલપરા તરફથી સહકારી કાયદાની કલમ-૮૩ અન્વયે રેકર્ડ જપ્તીની કાર્યવાહી અન્વયે અહેવાલ રજુ કરેલ છે. જે તા, ૧૪/૦૩/ર૦૨૦ ના અહેવાલની વિગતે મંડળીની ઓફીસમાં કોઈ જ રેકર્ડ ન હોવાથી દફતર જપ્ત થઈ શકેલ નહિ. એ પછી મંડળીને ફડચામાં કેમ ન લઇ જવી? તેવી નોટીસ અપાઇ હતી. તપાસને અંતે પુર્વ યોજીત કાવત્રુ ઘડી મંડળીનું રેકર્ડ ગુમ કરી પુરાવાનો નાશ કરી થાપણદારોના કુલ રૂ. ૮૦,૧૩,૪૮૮ની છેતરપીંડી અંશુમન દવે અને તપાસમાં ખુલે તેણે કરી હોવાનું સામે આવતાં ગુનો દાખલ કરાવાયો છે. પીઆઇ આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એ. બી. વોરાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

આરોપી અંશુમન મુકુંદભાઇ દવેને પોલીસે સકંજામાં લઇ કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. તેણે એવું રટણ કર્યુ છે કે પોતે મંડળી ચલાવવાની સાથો સાથ પોતાના ગામમાં મિઠાઇ અને દૂધનો મોટો ધંધો ધરાવતો હતો. પરંતુ લોકડાઉનને કારણે આ ધંધામાં મોટી ખોટ આવતાં મંડળીના પૈસા તેમાં ફસાઇ ગયા છે. જો કે પોલીસને આ વાત ગળે ઉતરતી ન હોઇ વિશેષ તપાસ થઇ રહી છે.

(12:44 pm IST)