Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ.એન. રાણા તથા ટીમને બિરદાવતા ગૃહમંત્રી પ્રદિપસિંહ

આંતરરાજય કાસ્ટીંગ પાઇપ ચોરી કરતી મેવાતી ગેંગને ઝડપી લેનાર

રાજકોટ, તા. ૮ :  આંતરરાજય કાસ્ટીંગ પાઇપની ચોરી કરતી રાજસ્થાન અને હરિયાણાની મેવાતી ગેંગને ઉપલેટા પાસેથી ઝડપી લેનાર રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. મહેન્દ્રસિંહ રાણા તથા ટીમને રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અભિનંદન પાઠવ્યા છે.

ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે રાજયના નાગરિકોની સુરક્ષા એ જ અમારી નિર્ધાર છે જેમાં ચોરી કરનારા તત્વોને કડક સજા થાય અને ચોરી/ ધાડ અટકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા રાજયભરમાં સરાહનીય કામગીરી થઇ રહી છે ત્યારે રાજકોટ એલસીબી દ્વારા કાસ્ટીંગની ચોરી/ ધાડ પાડતી આંતરરાજય મેવાતી ગેંગના ૧પ સભ્યોની ગેંગને પકડી પાડવામાં આવી તે અભિનંદનને પાત્ર છે.

આ આંતરરાજય મેવાતી ગેંગ દ્વારા ૧૦ રાજયોમાં ચોરી કરી હોવાની કબુલાત પણ આ ગેંગના સભ્યોએ આપી છે. આ તમામ સભ્યો સામે ચોરી નહીં પણ ધાડપાડુનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે આ ગેંગની ધાડ માટેની સ્ટ્રેટર્જી એવી હતી કે કોઇ પણ ખાનગી કે સરકારી કામ ચાલતુ હોય ત્યાં ટ્રક દ્વારા કાસ્ટીંગની પાઇપોની ચોરી કરવામાં આવતી હતી એટલે કોઇને ખ્યાલ જ ન આવે કે આ લોકો ચોરી કરી રહ્યા છે કે માલ સામાન ભરવા કે ઉતારવા આવ્યા છે. પરંતુ રાજકોટ એલસીબી પોલીસની ચપળતાના કારણે આ ભેદ ઉકેલી લેવાયો છે. અને આ ગેંગ પાસેથી ૩.૪પ.૩૩ લાખનો ટ્રક અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૬ ઓગસ્ટના રોજ એલસીબી રાજકોટને બાતમી મળી હતી કે આંતરરાજય ગનુાઓ આચરતી ગેંગના ૧પ સભ્યો ધાતક હથિયારો સાથે ધાડ કરવાના છે. આ ગેંગને રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પરથી પકડી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરનો ગુનો નોંધીને તમામની અટકાયત કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ મોટેભાગે રાજસ્થાન અને હરિયાણાના છે. તપાસ દરમિયાાન ૧૪ ગુનાઓની કબુલાત કરી છે અને ચાર ગુનાઓ ડિટેકટ થયા છે.

(11:47 am IST)