Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

માર્કેટયાર્ડ પાસે ખૂનઃ 'ગાંઠીયાના પૈસા હું આપી દઉ, તમે ઝઘડો ન કરો', કાઠી શખ્સને સમજાવવા જતા મંછાનગરના દિનેશ ભરવાડની લોથ ઢળી

મુળ ચોટીલા મોલડીનો રવિ કાઠી અને તેના મિત્રો બકાલા વિભાગ પાસે ચામુંડા હોટેલ નજીક ગાંઠીયા ખાધા બાદ પૈસા નહિ આપવા માટે માથાકુટ કરતા'તા : ગાંઠીયાવાળા સાથે ડખ્ખો થતો હોઇ મજૂરીએ આવેલો દિનેશ ફાંગલીયા (ઉ.વ.૩૫) વચ્ચે પડતાં જીવ ગુમાવ્યોઃ વળતા હુમલામાં રવિ કાઠી પણ ઘાયલઃ ચાર સકંજામાં : યાર્ડમાં શરૂ થયેલા ઝઘડામાં દિનેશ ભરવાડને રવિ કાઠીએ છરીનો એક ઘા ઝીંકયોઃ એ પછી બહાર આરટીઓ પાસે સૂર્યદિપ હોટલે ફરી બધા ભેગા થયા ને ત્યાં રવિ કાઠીએ ફરી છરી ઝીંકી આંતરડા કાઢી નાંખ્યા : બી-ડિવીઝન પોલીસે રવિ કાઠી, સૂર્યદિપ હોટેલ વાળા રાજદિપસિંહ રવુભા, લાલ કાઠી, રાહુલ આહિર, અજય કોળી અને સંજય કોળી સામે હત્યાનો ભોગ બનનાર દિનેશના નાના ભાઇ રામદેવ ફાંગલીયાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો

 

વધુ એક હત્યાઃ શહેરના જુના માર્કેટ યાર્ડમાં મોડી રાતે બકાલા વિભાગમાં મજૂરી કરવા ગયેલા મંછાનગરના નિદોર્ષ ભરવાડ યુવાન દિનેશ ફાંગલીયાએ ગાંઠીયાની લારીવાળા સાથે પૈસા બાબતે લપ કરી રહેલા કાઠી શખ્સ અને તેના મિત્રોને સમજાવી તમે માથાકુટ ન કરો, પૈસા હું આપી દઉં...તેમ કહેતાં તેને છરીનો ઘા ઝીંકી આ શખ્સો ભાગી ગયા હતાં. એ પછી દિનેશ અને તેનો ભાઇ તથા મિત્રો કાઠી શખ્સની આરટીઓ પાસે સૂર્યદેવ હોટેલે બેઠક હોઇ ત્યાં સમજાવવા જતાં ફરીથી હુમલો થયો હતો. જેમાં દિનેશ ફાંગલીયાની લોથ ઢળી હતી. તસ્વીરમાં દિનેશનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો, વળતા હુમલામાં ઘાયલ આરોપીઓ પૈકીનો રવિ જેઠુભાઇ ખાચર (કાઠી) તથા નીચેની તસ્વીરોમાં ઘટના સ્થળે પોલીસ અને જ્યાં બીજી વખત દિનેશ પર હુમલો થયો તે સૂર્યદેવ હોટેલનું પ્રાંગણ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮: શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. જુના માર્કેટ યાર્ડના બકાલા વિભાગમાં મોડી રાતે ચામુંડા હોટેલ પાસે ગાંઠીયાની લારીએ ગાંઠીયા ખાધા બાદ ચોટીલા મોલડીનો કાઠી શખ્સ અને તેની સાથેના શખ્સો પૈસા આપવા બાબતે ગાંઠીયાવાળા સાથે માથાકુટ કરતાં હોઇ  મજૂરીએ આવેલા મંછાનગરના ૩૫ વર્ષના ભરવાડ યુવાને આ શખ્સોને ઝઘડો નહિ કરવા અને ગાળો નહિ બોલવા સમજાવી તેમજ 'ગાંઠીયાના પૈસા હું આપી દઉ, તમે માથાકુટ ન કરો' તેમ કહેતાં કાઠી શખ્સે તું શું વચ્ચે આવ્યો? કહી તેના વાંસામાં છરી ભોંકી દીધી હતી. એ પછી કાઠી શખ્સ અને તેના મિત્રો ભાગી ગયા હતાં. તેની બેઠક આરટીઓ પાસે સૂર્યદેવ હોટેલ ખાતે હોઇ ઘાયલ ભરવાડ યુવાન અને તેનો ભાઇ, તથા મિત્રો સૂર્યદેવ હોટલે સમજાવવા જતાં ફરીથી ઝઘડો કરી બે જણાએ ભરવાડ યુવાનને પકડી રાખ્યો હતો અને કાઠી શખ્સે પડખામાં છરી ભોંકી આંતરડા કાઢી નાંખતાં લોથ ઢળી હતી. વળતા હુમલામાં કાઠી શખ્સ પણ ઘાયલ થયો હતો.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે હત્યાનો ભોગ બનેલા દિનેશભાઇ હીરાભાઇ ફાંગલીયાના નાના ભાઇ રામદેવ હીરાભાઇ ફાંગલીયા (ઉ.વ.૨૮-રહે. મંછાનગર-૩, બજરંગ પ્રોવિઝન સ્ટોર પાસે, યાર્ડ પાછળ)ની ફરિયાદ પરથી મુળ ચોટીલાના મોલડીના રવિ કાઠી, તેની સાથેના રાજદિપસિંહ રવુભા, લાલ કાઠી, રાહુલ આહિર, અજય કોળી અને સંજય કોળી સામે આઇપીસી ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ મુજબ રાયોટીંગ-હત્યાનો ગુનો નોંધ્યો છે.

રામદેવે પોલીસ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને જુના માર્કેટ યાર્ડમાં શાકભાજી ચડાવવા ઉતારવાની મજૂરી કરુ છું. મારા પિતા હયાત નથી. માતાનું નામ મલીબેન છે. જે અમારી સાથે રહે છે. અમે ચાર ભાઇઓ છીએ. જેમાં દિપકભાઇ મોટા, તેનાથી નાના કાળુભાઇ છે અને તેનાથી નાનો દિનેશભાઇ યાર્ડમાં મજૂરી કરતો હતો. અમારે બે બહેનો છે. જેમાં મોટા જસુબેન મોરબી અને નાના લક્ષ્મીબેન પલાસ ગામે સાસરે છે. અમારું મુળવતન તીથવા (વાંકાનેર) છે. છેલ્લા અઢાર વર્ષથી અમે રાજકોટ રહીએ છીએ.

શુક્રવારે રાતે સવા બારેક વાગ્યે હું મારા ઘરે હતો ત્યારે મારા ભાઇ દિનેશભાઇનો ફોન આવ્યો હતો કે 'હું યાર્ડની મજૂરીએ આવ્યો હોઇ અહિ ચામુંડા હોટેલ પાસે ગાંઠીયાની રેંકડીએ મને રવિ કાઠી તથા સાથેના શખ્સોએ ઝઘડો કરી રવિએ મારા વાંસામાં છરી મારી દીધી છે, તું યાર્ડ ખાતે આવી જા' તેમ વાત કરતાં હું મારું એકટીવા લઇને મારા ભાઇ દિનેશ પાસે ગયો હતો. તે વખતે તેણે વાત કરી હતી કે ચામુંડા હોટલ પાસે ગાંઠીયાની લારીએ અમુક લોકો ગાંઠીયા ખાવા આવ્યા હોઇ તે ગાંઠીયાના પૈસા દેવા બાબતે ગાંઠીયાવાળા સાથે માથાકુટ કરી ગાળો બોલતાં હોઇ જેથી હું તેની પાસે ગયો હતો અને ઝઘડો ન કરો, ગાંઠીયાના પૈસા હું આપી દઉ છું...તેમ કહેતાં આ લોકો ઉશ્કેરાઇ ગયા હતાં અને તેમાંથી એક રવિ કાઠી નામના શખ્સે 'તું કેમ અહિ આવ્યો?' તેમ કહેતાં મેં તેને ગાળો ન બોલવા અને ઝઘડો ન કરવા સમજાવતાં રવિએ મને પણ ગાળો દીધી હતી અને છરી જેવુ હથીયાર કાઢી વાંસામાં ડાબી બાજુ એક ઘા મારી દીધો હતો અને ત્યાંથી ભાગી ગયા હતાં.

આ વાત મને મારા ભાઇ દિનેશભાઇએ કરી હતી. એ પછી મેં મારા મિત્ર સુરેશ ઉર્ફ ભુરો જોગવા (રહે. માનસરોવર પાર્ક)ને દિનેશભાઇને ઝઘડો થયાની વાત કરી હતી અને રવિ કાઠીને તમે ઓળખો છો કે કેમ? તેમ પુછતાં સુરેશ ઉર્ફ ભુરાએ મને કહેલું કે તેની બેઠક આરટીઓ પાસે આવેલી કરણાભાઇની હોટેલની બાજુમાં સૂર્યદેવ હોટેલ ખાતે છે, તમે યાર્ડએ રહો હું આવું છું. તેમ કહ્યા બાદ સુરેશ ઉર્ફ ભુરો આવ્યો હતો અને તેની સાથે બીજા તેના બે મિત્રો પણ કાળા કલરની સ્કોર્પિયોમાં આવ્યા હતાં. એ પછી સુરેશ ઉર્ફ ભુરાએ મને કહેલુ કે તમે બંને ભાઇઓ અમારી સાથે સ્કોર્પિયોમાં બેસી જાવ. આપણે રવિ કાઠીની બેઠક સૂર્યદેવ હોટેલ ખાતે છે ત્યાં હોય તો વાતચીત કરતાં આવીએ કે દિનેશભાઇને છરી શું કામ મારી?

રામદેવ ફાંગલીયાએ આગળ જણાવ્યું હતું કે સુરેશ ઉર્ફ ભુરાની ગાડીમાં અમે કુલ પાંચ જણા સૂર્યદેવ હોટેલે પહોંચ્યા હતાંઉ ગાડી ઉભી રાખી અને નીચે ઉતર્યા ત્યાં જ ત્યાં બેઠેલો એક શખ્સ અમને બધાને જોઇને ગાળો બોલવા માંડ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે હથીયાર કાઢી લ્યો.  આ વખતે મારા ભાઇ દિનેશભાઇએ મને કહેલું કે આ જાડો માણસ છે એ રવિ કાઠી છે. તેણે જ મને છરી મારી હતી. આથી અમે તેને કહેલું કે અમે ઝઘડો કરવા નથી આવ્યા. આમ છતાં રવિ સહિતનાએ ગાળો દેતાં અમે બચાવ માટે સ્કોર્પિયોમાં પડેલા ધોકા-પાઇપ કાઢ્યા હતાં. એ પછી રવિએ અચાનક છરી કાઢી હતી અને તેની સાથે સૂર્યદેવ હોટેલવાળા રાજદિપસિંહ રવુભા તથા એક અજાણ્યો શખ્સ દોડી આવ્યા હતાં. રાજદિપસિંહ તથા અજાણ્યાએ મારા ભાઇ દિનેશભાઇને બંને બાજુએથી પકડી લીધો હતો અને રવિ કાઠીએ મારા ભાઇના જમણા પડખામાં છરીનો જોરદાર ઘા મારી દીધો હતો. તેમજ બીજા ચાર અજાણ્યા શખ્સોએ પણ મારા ભાઇ સાથે તથા અમારી  સાથે છુટા હાથની મારામારી કરી હતી.

ઝપાઝપી થતાં અને વધુ ગાળાગાળી થતાં અમારી પાસે ધોકા પાઇપ હોઇ અમે પણ રવિ કાઠીને માર મારતાં તેને પણ ઇજા થઇ હતી. એ પછી અમે બધા મારા ભાઇ દિનેશભાઇને સિવિલ હોસ્પિટલે સ્કોર્પિયો કારમાં લઇ ગયા હતાં. અહિ તેને દાખલ કર્યો હતો. એ પછી મેં મારા મોટા ભાઇ દિપકભાઇ અને કાળુભાઇને પણ જાણ કરતાં તેઓ પણ હોસ્પિટલે આવી ગયા હતાં. આ વખતે સુરેશ ઉર્ફ ભુરાએ વાત કરી હતી કે આપણી સાથે માથાકુટ કરનારા શખ્સોમાં રવિ કાઠી સાથે રાજદિપસિંહ રવુભા, લાલ કાઠી, રાહુલ આહિર, અજય કોળી, સંજય કોળી સહિતના હતાં. જેમાં દિનેશભાઇને પકડનારા રાજદિપસિંહ અને લાલ કાઠીને હું ઓળખું છું. આ રીતે સુરેશ ઉર્ફ ભુરા મારફત મને બધા આરોપીના નામની જાણ થઇ હતી. યાર્ડની અંદર પણ આ બધાએ જ મારા ભાઇ સાથે અને ગાંઠીયા વાળા સાથે માથાકુટ કરી હતી.

સારવાર દરમિયાન મારા ભાઇનું મોત નિપજ્યું હતું. યાર્ડમાં રવિ કાઠી સહિતનાએ ગાંઠીયા ખાધા બાદ પૈસા માટે ઝઘડો કરતાં અને ગાંઠીયાવાળાને ગાળો દેતાં મારો ભાઇ તેને ઝઘડો નહિ કરવા અને તમારે પૈસા ન દેવા હોય તો હું આપી દઉ છું તેમ કહેતાં રવિ કાઠીએ તેને વાંસામાં છરી મારી દીધી હતી. એ પછી એ લોકોને સમજાવવા અમે આરટીઓ પાસે સૂર્યદિપ હોટલે ગયા ત્યારે ફરીથી ઝઘડો કરી મારા ભાઇને બે જણાએ પકડી રાખી રવિએ પડખામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો અને હત્યા નિપજાવી હતી.

હત્યાના બનાવની જાણ થતાં એસીપી  એસ.આર. ટંડેલ, પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલિમભાઇ, અજયભાઇ, મનોજભાઇ, હરપાલસિંહ, ચંદ્રસિંહ, હેમેન્દ્રભાઇ વાધીયા, સિરાજભાઇ, પરેશભાઇ, મિતેષભાઇ સહિતનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો અને ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. પોલીસે ચાર આરોપીઓને સકંજામાં લઇ લીધા છે.

રવિની વળતી ફરિયાદ

હત્યાના આરોપીઓ પૈકીનો એક રવિ  જેઠુભાઇ ખાચર (ઉ.૨૫-રહે. મોલડી ચોટીલા) પણ પોતાના પર દિનેશ, ભુરો ભરવાડ સહિતે સૂર્યદેવ હોટેલ ખાતે છરી-ધારીયાથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તેના પર પોલીસ પહેરો મુકી દેવાયો છે. તેની ફરિયાદ પરથી સુરેશ ઉર્ફ ભુરો, દિનેશ ભરવાડ, રામદેવ ભરવાડ અને ચાર અજાણ્યા સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪ તથાર રાયોટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. રવિએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે અને મિત્રો યાર્ડમાં ગાંઠીયા ખાવા બેઠા હતાં ત્યારે દિનેશ ગાળો બોલતો હોઇ ના પાડતાં પોતાના ભાઇ સહિતને બોલાવી હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

દિનેશ ફાંગલીયાની હત્યાથી પાંચ દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતા કલ્પાંત

દિનેશના પિતા હયાત નથીઃ માતા-પત્નિ-ભાઇઓ સહિતના પરિવારજનો શોકમાં ગરક

. હત્યાનો  ભોગ બનનાર દિનેશ હીરાભાઇ ફાંગલીયા (ઉ.વ.૩૫) ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરે હતો. તેના પિતા હયાત નથી. માતાનું નામ મલીબેન છે. પત્નિનું નામ આરતીબેન છે. સંતાનમાં પાંચ દિકરીઓ છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ છે. દિનેશ પારકા ઝઘડામાં વચ્ચે પડવા જતાં તેની હત્યા થઇ ગઇ હતી. તે વર્ષોથી તેના ભાઇ રામદેવ સાથે યાર્ડમાં બકાલાની ગાડી ઉતારવાની મજૂરી કરતો હતો.

સુત્રધાર રવિ ખાચર મોલડીનો વતનીઃ કેટલાક દિવસથી નવાગામ રહે છે

. હત્યાના ગુનામાં મુખ્ય સુત્રધાર રવિ જેઠુભાઇ ખાચર (કાઠી) (ઉ.વ.૨૫) ચોટીલાના મોલડીનો વતની છે અને ખેતી કરે છે. કેટલાક દિવસથી તે રાજકોટના નવાગામમાં તથા બીજા મિત્રોને ત્યાં રહે છે. તેણે એવો આક્ષેપ કર્યો હતો કે યાર્ડમાં બોલાચાલી થયા બાદ અમે સૂર્યદેવ હોટેલે હતા ત્યારે દિનેશ બોસરીયા, ભુરો ભરવાડ અને અજાણ્યા શખ્સોએ આવી મારા પર છરી, ધારીયાથી હુમલો કર્યો હતો. પોતાની સાથે અજય કોળી, રાહુલ આહિર સહિતના મિત્રો હતાં. રાતે બારેક વાગ્યે યાર્ડમાં ગાંઠીયા ખાવા ગયા ત્યારે ભરવાડ યુવાને ગાળો દેતાં માથાકુટ થઇ હતી.

(3:17 pm IST)
  • ૧૦ લાખનું વળતરઃ મૃતકોમાંથી એક મુસાફરને કોરોના પોઝીટીવ : મુખ્યમંત્રી વિજયનની ઓફીસે જાહેર કર્યું છે કે વિમાની અકસ્માતનો ભોગ બનેલા તમામનો કોરોના ટેસ્ટ કરાયો છે જેમાં અત્યાર સુધીમાં ૧ મુસાફરને કોરોના પોઝીટીવ આવેલ છે. access_time 4:13 pm IST

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 185 તાલુકામાં મેઘમહેર : સૌથી વધુ ઉમરપાડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો access_time 12:46 pm IST

  • કચ્‍છમાં ભૂકંપનો આંચકો અનુભવાયા: ભૂકંપની તીવ્રતા ૩.૩ : ભચાઉથી ર૮ કિ.મી. દૂર ભૂકંપની બિંદુ હોવાનું માનવામાં આવે છે access_time 12:00 am IST