Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બદનામ મેડીકલ ફેકલ્ટી : આખરે એસીબીએ ચકચારી વિડીયો પ્રકરણમાં ગુનો નોંધ્યો

તત્કાલીન કુલપતિ ડો.કમલ ડોડીયાએ તપાસપંચ રચી હતી, તેનો પણ ધગધગતો રિપોર્ટ સોંપ્યો હતોઃ તપાસનો રેલો યુનિવર્સિટીમાં આવવાની શકયતા : તબીબી આલમમાં ખળભળાટ : અનેકવિધ ચર્ચા

રાજકોટ, તા. ૮ : સામાન્ય રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેના સંશોધનને કારણે એ ગ્રેડ નેક કમીટીએ આપ્યો હતો. મોટાભાગની વિદ્યાશાખામાં હેમખેમ ચાલતુ હોવાનું ફલીત થયુ છે પરંતુ સૌથી વધુ બદનામ મેડીકલ વિદ્યાશાખા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેકવાર મેડીકલ વિદ્યાશાખામાં પૈસા લઈ પાસ કરાવવા અને માર્ક વધારવાની ફરીયાદો ઉઠી હતી. દોઢ વર્ષ પહેલા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજમાં એક નાપાસ  વિદ્યાર્થી પાસે સ્ટુડન્ટ સેકશનના કલાર્ક અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ ચકચારી બનાવનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો. માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નહિં પરંતુ સમગ્ર રાજયમાં આ વિડીયાએ તબીબી આલમ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેકવિધ ચર્ચા જગાવી હતી.

આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા તત્કાલીન કુલપતિ ડો.કમલ ડોડીયાએ આ સમગ્ર ઘટના અંગે તપાસ પંચ રચ્યુ હતું. જેમાં પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, ડો.નિદત બારોટ, મેડીકલ ફેકલ્ટીના ડો.જતીન ભટ્ટ, ડો. નલીની આનંદની ટીમે તબક્કાવાર પરીક્ષા સંલગ્ન કામગીરી સંભાળતા અધિકારીઓ કથિત વિડીયામાં દેખાતા વ્યકિત તેમજ વિદ્યાર્થીના નિવેદન નોંધવામાં આવ્યા હતા.

આ તપાસ પંચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગંભીર ઘટના અંગે ધગધગતો રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં લાંચની માંગણી કરનાર કારકૂન નૈમિષ મકવાણાના છ મહિનાના ટેલીફોન સંપર્ક ચકાસવામાં આવે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોણ તેની સાથે સંપર્કમાં હતું સહિતની બાબતો ધ્યાને લઈ ગુન્હો નોંધવાની ભલામણ કરી હતી.

આ પ્રકરણમાં સંઘ પરિવારની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ કડક પગલા ભરવા સરકારમાં રજૂઆત કરી હતી.

એસીબીએ આજે ગુન્હો નોંધતા આવનારા દિવસોમાં આ ચકચારી પ્રકરણની તપાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સુધી લંબાય તો નવાઈ નહિં. હાલ તો તબીબી વિદ્યાશાખામાં અને તબીબી આલમમાં અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે.

(3:43 pm IST)