Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

અટિકાની ન્યુ લાલબહાદુર સોસાયટીમાં ૨.૮૨ લાખનો વિદેશી દારૂ ભરેલી પીકઅપ વેન ઝડપાઇ

ભકિતનગરના પીઆઇ વી. કે. ગઢવીની ટીમના પીએસઆઇ જેબલીયા, કોન્સ. ભાવેશભાઇ અને દેવાભાઇની સફળ બાતમીઃ પોલીસે વહેલી સવારે વોચ રાખતાં ચાલક ગાડી મુકી છનનનઃ કુલ ૭.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૮: શહેર પોલીસે દારૂના ધંધાર્થીઓ પર ફરી ધોંસ બોલાવી છે. ભકિતનગર પોલીસે વહેલી સવારે ચોક્કસ બાતમી પરથી અટિકાની ન્યુ લાલબહાદુર સોસાયટીમાં વોચ રાખતાં પોલીસને જોઇ એક શખ્સ રૂ. ૨,૮૨,૦૦૦નો દારૂ ભરેલી પીકઅપ વેન મુકીને ભાગી જતાં પોલીસે જપ્ત કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતાં ભકિતનગર પોલીસની ટીમે અટિકાની ન્યુ લાલ બહાદુર સોસાયટી બોલબાલા રોડ પર વોચ રાખી હતી. એ દરમિયાન પોલીસને જોઇને જીજે૧૦ટીવી-૦૨૧૫ નંબરની બોલેરો પીકએપ વેન રેઢી મુકી એક શખ્સ ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરતાં આ વેનમાંથી રૂ. ૨,૮૨,૦૦૦નો એપિસોડ બ્રાન્ડનો ૫૬૪ બોટલ દારૂ મળતાં તે તથા વાહન મળી કુલ રૂ. ૭,૮૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એચ.એલ. રાઠોડની સુચના હેઠળ પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, મહેન્દ્રસિંહ ડોડીયા, રણજીતસિંહ પઢારીયા, પ્રતાપસિંહ રાણા, હિરેનભાઇ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, મનિષભાઇ શિરોડીયા, હિતેષભાઇ અગ્રાવત, રાજેશભાઇ ગઢવી સહિતની ટીમ પેટ્રોલીંગમાં  હતી ત્યારે સાથેના પીએસઆઇ જેબલીયા, ભાવેશભાઇ મકવાણા અને દેવાભાઇ ધરજીયાને મળેલી બાતમી પરથી આ કામગીરી થઇ હતી. (૧૪.૧૩)

(1:32 pm IST)