Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

લોઠડાની સીમમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : ૧૩.૫૭ લાખનો દારૂ જપ્ત

ગોડાઉનમાંથી દારૂનો જથ્થો અને કાર તથા પીકઅપ જીપ કબ્જેઃ દર વખતની જેમ આ વખતે પણ મુખ્ય આરોપી સ્થળ પરથી હાથ ન આવ્યા! : ગોડાઉન અંદર ભોં-ટાંકામાં મેકડોવેલ્સ અને પાર્ટી સ્પેશિયલની ૪૪૭૬ બોટલો છુપાવાઇ હતીઃ મોલડીના વતની ખોડિયારપરામાં રહેતાં ભરત બસીયાએ દારૂ ઉતાર્યાનું ખુલ્યું : એએસઆઇ ભરતભાઇ વાઘેલા, હેડકોન્સ. અમૃતભાઇ મકવાણા અને સંજય ચાવડાની હકિકત

તસ્વીરમાં જ્યાં દરોડો પડ્યો તે લોઠડાનું ગોડાઉન, દરોડો પાડનાર ટીમના ભરતભાઇ, હેડકોન્સ. અમૃતભાઇ મકવાણા, સંજય ચાવડા, કરણભાઇ મારૂ, જયંતિભાઇ ગોહેલ સહિતનો સ્ટાફ તથા કબ્જે થયેલી કાર અને પીકઅપ વેન જોઇ શકાય છે. આ વાહનોમાંથી પણ દારૂ મળ્યો હતો

રાજકોટ તા. ૮: શહેર પોલીસે વધુ એક વખત લાખોનો દારૂનો જથ્થો પકડી લીધો છે. જો કે આ વખતે પણ દરોડાના સ્થળેથી મુખ્ય આરોપી હાથ આવ્યો નથી. ક્રાઇમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમી પરથી રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર તાબેના લોઠડા ગામની સીમમાં આવેલા ગોડાઉનમાંથી ૧૩ાા લાખથી વધુનો દારૂ અને વાહનો કબ્જે કર્યા છે. દારૂનો જથ્થો ચોટીલા પંથકના કાઠી શખ્સનો હોવાનું ખુલ્યું છે.

ક્રાઇમ બ્રાંચની ટૂકડીના એએસઆઇ ભરતભાઇ વાઘેલા, હેડકોન્સ. અમૃતભાઇ મકવાણા અને કોન્સ. સંજય ચાવડાને મળેલી બાતમીને આધારે મોડી રાત્રે રાજકોટ-કોઠારીયા રોડ પર લોઠડા ગામની સીમમાં પંપ ફિલોસ પ્રા. લિ. કંપનીની સામે આવેલા ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ગોડાઉનમાં તપાસ કરતાં પહેલા તો કંઇ દેખાયું નહોતું. પણ દારૂનો જથ્થો ઉતર્યાની પાક્કી બાતમી હોઇ તપાસ કરતાં વિશાળ કદનો ભોં ટાંકો જોવા મળ્યો હતો. તેમાં તપાસ કરતાં આ ટાંકામાંથી મેકડોવેલ્સ નં. ૧ (બોટલ-૧૧૮), પાર્ટી સ્પેશિયલ બોટલ (૪૩૬૮) મળી ૧૩,૫૭,૬૦૦નો ૪૪૭૬ બોટલ વિદેશી પ્રકારનો દારૂનો ગેરકાયદે જથ્થો મળતાં કબ્જે લેવાયો હતો.

 આ સ્થળેથી દારૂ ઉપરાંત વોકસવેગન કંપનીની એમીઓ કાર જીજે૩જેઆર-૦૯૦૮ અને બોલેરો પીકઅપ જીપ જીજે૩બીવી-૩૪૨૧ મળી કુલ રૂ. ૧૮,૮૨,૬૦૦નો મુદ્દામાલ જપ્ત થયો હતો. આ બંને ગાડીમાંથી પણ દારૂ મળ્યો હતો.  પોલીસ તપાસમાં ચોટીલાના મોલડી ગામના ભરત બસીયાનો આ દારૂ હોવાનું ખુલ્યું છે. દર વખતની માફક આશ્ચર્યજનક સંજોગોમાં આ વખતે પણ મુખ્ય આરોપી સ્થળ પરથી હાથ આવ્યા નથી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના અન્વયે એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ ડી. પી. ઉનડકટ, એેઅસઆઇ ભરતભાઇ વાઘેલા, હેડકોન્સ. અમૃતભાઇ મકવાણા, જયંતિભાઇ ગોહેલ, કરણભાઇ મારૂ, સંજય ચાવડા અને ડ્રાઇવર હેડકોન્સ. શૈલેષગીરી ગોસ્વામી સહિતની ટૂકડીએ આ દરોડો પાડ્યો હતો.

દારૂનો જથ્થો જેણે ઉતાર્યો છે એ ભરત બસીયા મુળ મોલડીનો વતની છે અને હાલમાં રાજકોટ ખોડિયાર પરામાં રહે છે. તેના ઘરે પણ પોલીસે દરોડો પાડ્યો હતો. પરંતુ તે હાથ આવ્યો ન હોઇ શોધખોળ થઇ રહી છે. તે જુનો બુટલેગર હોવાનું પોલીસ સુત્રોનું કહેવું છે.

(3:44 pm IST)