Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

અંગદાનમાં વર્લ્ડ રેકોર્ડના દ્વારે કણસાગરા મહિલા કોલેજ

સૌરાષ્ટ્રના દાયકા જૂની કન્યા કેળવણીમાં શીરમોર.. હવે સામાજીક જાગૃતિ અભિયાન અંતર્ગત : ૧૩ ઓગષ્ટે વિશ્વ અંગદાન દિવસે કણસાગરા કોલેજની ૩૦૦૦ છાત્રાઓ અંગદાન સંકલ્પ અને જાગૃતિ અભિયાનમાં જોડાશેઃ ગુજરાતના શિક્ષણ જગતમાં ઐતિહાસિક અવસર... લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવશે સ્થાનઃ કર્મઠ પ્રિન્સીપાલ ડો. રાજેશ કાલરીયા અને પ્રો. જયોતિબેન રાજ્યગુરૂના નેતૃત્વમાં ચાલતી તૈયારીઓઃ અંગદાન ક્ષેત્રે જનજાગૃતિ માટે કથાકાર-કલાકારોએ પણ ઝુંબેશ હાથ ધરવી જોઇએ : અંગદાન જાગૃતિ અંગે કોલેજ દ્વારા વિવિધ કાર્યક્રમો-સ્પર્ધાનું આયોજન ભુતપૂર્વ વિદ્યાર્થીનીઓ, વાલીઓ, એન.એસ.એસ., જીવનદાન ફાઉન્ડેશનની સહભાગીતા

રાજકોટ : શહેરની દાયકા જૂની કન્યા કેળવણીમાં અગ્રેસર કણસાગરા મહિલા કોલેજ તા.૧૩ ઓગષ્ટના વિશ્વ અંગદાન દિવસે નવો વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહી છે. ત્યારે આજે ''અકિલા'' ખાતે ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે પ્રિન્સીપાલ રાજેશ કાલરીયા, પ્રો. રાજેશભાઈ કાલરીયા, પ્રો. જયોતિબેન રાજયગુરૂ અને જીવનદાન ટ્રસ્ટના હિતાબેન ગાંધી નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૮: શિક્ષણની સાથે સાહિત્ય, કલા, સંસ્કૃતિ, એન.એસ.એસ., એન.સી.સી., સ્પોર્ટસ, પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધન, સ્પર્ધાત્મક પરીક્ષાઓનું  માર્ગદર્શન, વ્યકિતત્વ વિકાસ, કારકિર્દી ઘડતર, સ્ત્રી સશકિતકરણ અને વિદ્યાર્થીનીઓમાં માનવતાના ગુણો સાથે સામાજિક અને રાષ્ટ્રીય દાયિત્વ પ્રત્યે જાગૃતિ તેમજ કર્મબદ્ધતા આવે તેવા ઉમદા હેતુસર કાર્યરત અને કાર્યક્રમો કરનાર રાજકોટના સોૈરાષ્ટ્ર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ દ્વારા આગામી તા. ૧૩મી ઓગસ્ટ સોમવારના 'વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે' નિમિતે ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓ અંગદાન સંકલ્પ અને જાગૃતિ અભિયાનમાં જોડાઇને 'લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' માં સ્થાન મેળવી ગુજરાતના શિક્ષણ જગતમાં સોનેરી ઇતિહાસ રચશે.

કણસાગરા પરિવારના આદર્શ વ્યકિત પૂ. બાપુજી સ્વ. વાલજીભાઇ પટેલના જીવનસિંદ્ધાંતો ' નારી તું નારાયણી', 'જીવમાં શિવનો સાક્ષાત્કાર' અને ' માનવસેવા એજ પ્રભુસેવા' જેવી ભાવના સાથે શ્રીમતી કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજના ટ્રસ્ટી કિરણભાઇ પટેલ, પ્રિ. ડો. રાજેશભાઇ કાલરિયાના માર્ગદર્શનમાં વાઇસ પ્રિ.શ્રી ડો. જયોતિબેન રાજયગુરુ, સોૈરાષ્ટ્ર યુનિ. દ્વારા ' બેસ્ટ એન.એસ.એસ. કો- ઓર્ડિનેટર' તરીકે સન્માનિત ડો. યશવંત ગોસ્વામી તથા સમગ્ર ટીચીંગ-નોનટીચીંગ સ્ટાફ અને કણસાગરા પરિવાર દ્વારા જીવનદાન ફાઉન્ડેશનના સહયોગથી કોલેજની વિદ્યાર્થીનીઓ, વાલીઓ, શ્રીમતી ભાલોડિયા કોલેજની વિદ્યાર્થીનીઓ, કણસાગરા કોલેજના એનએસએસ વિભાગ તથા પુર્વ વિદ્યાર્થીનીઓના સંગઠનના જીવંત-સક્રિય સહભાગીતાથી અંગદાન જાગૃતિ વિશે યોજાનાર માનવકલ્યાણ યજ્ઞ સમા આ કાર્યકમમાં સવારે ૮-૩૦ થી ૧૦-૩૦ દરમિયાન કોલેજ કેમ્પસ ખાતે અંગદાન જાગૃતિ અને સંકલ્પ વિષયક આ શૈક્ષણિક વિશ્વવિક્રમ સર્જાશે. ગુજરાતના શૈક્ષણિક જગતની શાન અને ગૌરવ સમા આ કાર્યક્રમમાં મેયર રાજકોટ શ્રીમતી બીનાબેન આચાર્ય, માન.કુલપતિ સૌરાષ્ટ્ર યુનિ.શ્રીમતી નિલાંબરીબેન દવે, સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમનો હેતુ લોકોને અંગદાન માટે જાગૃત અને પ્રેરિત કરવાનો તથા અંગદાન પ્રક્રિયા બાબતે તમામ પ્રકારની માહિતી અને માર્ગદર્શન આપવાનો છે.

સરકારના HOTA (Human organ Transplantation ACT) ૧૯૯૪ દ્વારા કેડેવર (બ્રેઇન ડેડ) અંગદાન માટે મંજુરી અપાઇ છે રકતદાન કે ચક્ષુદાન ઉપરાંત શરીરના અંગો જેવાં કે હૃદય,કીડની, લિવર,ફેફસા વગેરેનું પણ પ્રત્યારોપણ થઇ શકે છે. એક અહેવાલ મુજબ ભારતમાં ૨૦ લાખ દર્દીઓ કીડની દાતાની રાહ જુએ છે અને દર વર્ષે ૨ લાખ કીડની દર્દીઓનો તેમાં ઉમેરો થાય છે. આમાંથી ફકત ૧ ટકા દર્દી કેડેવર (બ્રેઇન ડેડ)પેશન્ટ પાસેથી કીડની મેળવે છે. આ જ હાલત લિવર ફેફસા વગેરેની છે. મેડિકલ ટર્મમાં કેડેવર અર્થાત બ્રેઇનડેડ એટલે દર્દીમાં કૃત્રિમ શ્વાસોશ્વાસ ચાલુ હોય, હૃદય ધબકનું હોય પરંતુ નાનું મગજ કામ કરતું બંધ થઇ ગયું હોય તે સ્થિતિ આ સ્થિતિમાં શરીરને પહોચતા સંદેશાઓ ધીરે ધીરે બંધ થઇ જતા હોય છે કે થઇ ગયા હોય છે આ પ્રકારના દર્દીને બચાવી શકાતું નથી.  આ પરિસ્થિતિમાં પેશન્ટના અંગોનું દાન થઇ શકે છે. અંગદાનની પ્રક્રિયામાં બોડી બિલકુલ વિકૃત થતું નથી દર્દીના બોડીને પૂર્વ સ્થિતિમાં સ્વજનોને સોંપવામાં આવે છે.

અંગદાન મેળવવા ઇચ્છનારે પોતાનું નામ પ્રત્યારોપણ સંસ્થામાં નોંધાવવાનુ રહે છે. બ્રેઇન ડેડ પેશન્ટના આપ્તજનોની સંમતિ મળે ત્યારબાદ પ્રત્યારોપણ કમિટિના ધારાધોરણ મુજબ જરૂરિયાતવાળા દર્દીને (તેમની સામાજિક કે આર્થિક સ્થિતિની યોગ્યતા લક્ષમાં લીધા વગર) તુરંત જ એગનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અગ્રીમ સ્થાન ધરાવતી શ્રીમતી કણસાગરા મહિલા કોલેજ, રાજકોટનો હેતુ માત્ર વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો નથી, પરંતુ વાસ્તવિક ધરાતલ પર માનસેવાની નક્કર કામગીરી કરવાનો છે. આ ઐતિહાસિક અવસર નિમિતે શ્રીમતી કણસાગરા કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા  કોલેજમાં ઓર્ગન ડોનેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે જેના દ્વારા વર્ષના ૩૬પ દિવસ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓર્ગન ડોનેશન અવેરનેસ અભિયાન ચલાવવામાં આવશે. હાલ કોલેજની ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓમાં અંગદાન જાગૃતી માટે વૈવિધ્યસભર કાર્યક્રમો જેવા કે કોલેજમાં ઓર્ગન ડોનેશન સુત્ર લેખન સ્પર્ધા શહેરના જાણીતા ન્યુરો સર્જન ડોકટર્સના વ્યાખ્યાન, અંગદાન અંગે શોર્ટ વિડીયો ફિલ્મ દર્શાવવી, ફેઇસબુક અને વોટસએપ મીડીયા દ્વારા પ્રચાર-પ્રસાર, કોલેજમાં  દરરોજ પ્રાર્થના સમયે અંગદાન પ્રેરક ઉદઘોષણા અને માહીતી આપવા ઉપરાંત વર્ગખંડમાં પણ સૌ અધ્યાપકો દ્વારા વિશેષ સમય ફાળવીને અંગદાન અંગે માર્ગદર્શન સહીતના પ્રયત્નોથી કોલેજના સમગ્ર માહોલમાં અંગદાન જાગૃતીનું વાતાવરણ સર્જવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં રાજકોટ શહેરની વિવિધ કોલેજોના ૧પ૦૦ થી વધારે એનએસએસ વોલીંટીયર્સ ઉપરાંત શ્રીમતી કણસાગરા કોલેજ પ૦૦ થી વધુ ભુતપુર્વ વિદ્યાર્થીનીઓ જોડાશે. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામનું રજીસ્ટ્રેશન અને સંકલ્પપત્ર ઓનલાઇન ભરવામાં આવી રહયા છે. ૧૩ ઓગસ્ટે લીમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યા બાદ તમામ સહભાગીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ દિવસને વધાવવા કોલેજમાં ૧૩ મી ઓગસ્ટે લોકડાયરો  અને દેશભકિત ગીતોનું પણ આયોજન થયું છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સૌ અધ્યાપકોની વિવિધ કમીટીઓ-સમગ્ર કણસાગરા પરીવાર સાથે જીવનદાન ફાઉન્ડેશનના ડો.હિતા મહેતા કે જેઓ કણસાગરા કોલેજના જ પુર્વ વિદ્યાર્થીની છે અને પુર્વ વિદ્યાર્થીની સંગઠનના પ્રમુખ છે તેઓ તથા શ્રી સંદીપ ગાંધી વિશેષ જહેમત ઉઠાવી રહયા છે.

(3:57 pm IST)