Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ગાંધીગ્રામ પોલીસે ૪ ચોર પકડ્યાઃ ૪ ગુના ડિટેકટ

ચોરાઉ વાહન લઇ રાત્રે રેકી કરવા નીકળતાં, ખુલ્લા ઘર હોય તેમાં જ ચોરીઓ કરતાં :બે બાઇક, ચાંદનો જુડો, કેમેરો, ૩૦ હજાર રોકડા, ૨૨ નંગ મોબાઇલ ફોન કબ્જેઃ પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, રાહુલભાઇ વ્યાસ, કિશોરભાઇ ઘુઘલ અને વિરભદ્રસિંહ ગોહિલની સંયુકત બાતમી પરથી કામગીરી : સ્લમ કવાર્ટર-પરસાણાનગર-ભગવતીપરાના પ્રજ્ઞેશ, રવિ, રોહિત અનેમિતેશ મોજશોખ માટે ચોરીના રવાડે ચડ્યા'તા

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. વી. વી. ઓડેદરા તથા ગાંધીગ્રામ ડી. સ્ટાફની ટીમ, કબ્જે લેવાયેલો મુદ્દામાલ અને પકડાયેલા ચારેય તસ્કર જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮: ગાંધીગ્રામ પોલીસે ચાર તસ્કરોને પકડી લેતાંચાર ચોરીના ભેદ ખુલ્યા છે. મોજશોખ માટે ચોરીના રવાડે ચડેલા ચાર શખ્સો રાત્રીના સમયે ચોરાઉ વાહન સાથે રેકી કરવા નીકળતાં હતાં અને ખુલ્લા ઘર હોય તેમાંથી જ હાથફેરો કરતાં હતાં. આ ચારેય પાસેથી ૨૨ ચોરાઉ મોબાઇલ ફોન, બે બાઇક, કેમરો, રોકડ, ચાંદીનો જુડો સહિતની ચીજવસ્તુઓ કબ્જે કરવામાં આવી છે.

ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પર પરસાણાનગર-૭માં શ્રી ચામુંડા કૃપા ખાતે રહેતાં પ્રજ્ઞેશ અનિલભાઇ જેઠવા (ઉ.૧૯), ભગવતીપરા સંજરી પાનવાળી શેરીમાં રહેતાં રવિ વિનોદભાઇ કબીરા (ઉ.૨૦), કોઠી કમ્પાઉન્ડ ૮૫ એ-૧માં રહેતાં રોહિત રમેશભાઇ વાળા (ઉ.૧૮) અને સ્લમ કવાર્ટર નં. ૬૦માં રહેતાં મિતેશ રવિભાઇ વાઘેલા (ઉ.૧૯) નામના ચાર વાલ્મિકી શખ્સોને રામાપીર ચોકડી પાસેથી પકડી લઇ ચાર ચોરીના ગુના ડિટેકટ કર્યા છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ એમ. ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ભરત બી. રાઠોડની રાહબરી અને પી.આઇ. વી. વી. ઓડેદરાની સુચના મુજબ પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. કિશોરભાઇ ઘુઘલ, કોન્સ. વિરભદ્રસિંહ ગોહિલ, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ ઝાલા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે સંયુકત બાતમી પરથી ચારેય શખ્સને સકંજામાં લેવાયા હતાં.

તેની પાસેથી અમુક શંકાસ્પદ ચીજવસ્તુ મળતાં વિસ્તૃત પુછતાછ થતાં ચારેયે બે વાહનની ચોરી, એક ઘરફોડી અને એક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યાનું કબુલ્યું છે. વાહન ચોરીના ગુના ગાંધીગ્રામ તથા તાલુકા પોલીસની હદમાં, ઘરફોડી પણ ગાંધીગ્રામની હદમાં અને બીજી ઘરફોડ ચોરી તેમજ એટીએમ ચોરીનો પ્રયાસ આજીડેમ પોલીસની હદમાં કર્યો હતો.

આ ચારેય પાસેથી બે બાઇક, એક ચાંદીનો જુડો, એક સોની કંપનીનો કેમેરો, રોકડા રૂ. ૩૦ હજાર તથા જુદી જુદી કંપનીના ૨૨ નંગ મોબાઇલ ફોન જેમાં સેમસંગ, મોટોરોલા, માઇક્રોમેકસ, નોકીયા, જીયો, ઇન્ટેકસ, એમઆઇ, એપલ અને ચાઇના કંપનીના મોબાઇલનો સમાવેશ થાય છે. ચારેય રાત્રીના સમયે ચોરાઉ વાહનો સાથે જુદા-જુદા વિસ્તારમાં નીકળતાં હતાં અને જે ઘરના દરવાજા ખુલ્લા હોઇ તેમાં ઘુસી જે હાથમાં આવે તે વસ્તુઓ ખાસ કરીને મોબાઇલ, દાગીના કે પર્સ, રોકડ ઉઠાવી લેતાં હતાં અને મોજશોખમાં વાપરતાં હતાં. ચારેયની વિશેષ પુછતાછમાં વધુ ભેદ ખુલવાની શકયતા છે. (૧૪.૯)

(3:43 pm IST)