Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયાના બેંક ખાતામાં કરોડોના વ્યવહારો!

પેઢલા મગફળી કૌભાંડમાં આગળ ધપતી તપાસઃ મગફળીમાં ભેળસેળ કરનાર શખ્સ સહિત વધુ બે શખ્સોને રૂરલ પોલીસે ઉઠાવી લીધા : રિમાન્ડ પર રહેલ મગન ઝાલાવડીયાના અનેક બેંકોમાં ખાતાઃ એક ખાતામાં ૬ કરોડનો વ્યવહાર થયાનું ખુલ્યું : ગઇકાલે પકડાયેલ પાંચેય આરોપીઓને રિમાન્ડ અર્થે આજે કોર્ટમાં રજુ કરાયાઃ જેતપુર પાસેના ગોડાઉનમાં મગફળીની ભેળસેળ થતી'તી : મોટી ધાણેજ મંડળી દ્વારા ખરીદાતી મગફળી સીધી ઓઇલ મીલમાં પહોંચી જતી'તીઃ મંડળીના ગોડાઉનમાં સારી મગફળીના બદલે હલકી મગફળી ખરીદ કરી મોકલાતી'તીઃ જયાં ભેળસેળ થતી'તી તે ગોડાઉન અને જયાં મગફળી વેચાતી તે ઓઇલ મીલોમાં પોલીસના દરોડા

તસ્વીરમાં મગફળી કૌભાંડના આરોપીઓના ઘરે રૂરલ પોલીસે જડતી કરી હતી તે નજરે પડે છે.

રાજકોટ, તા., ૮: જેતપુરના પેઢલાના મગફળી કૌભાંડમાં પકડાયેલ  મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયાના બેંક ખાતામાં કરોડોના વ્યવહારો થયાનું ખુલતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે આ કરોડોના વ્યવહારો અંગે ઉંડાણપુર્વક તપાસ હાથ ધરી છે. તેમજ જેતપુરપાસે જે ગોડાઉનમાં મગફળીમાં ભેળસેળ કરાતી હતી તે ગોડાઉનમાં પોલીસે રેઇડ કરી હતી અને ભેળસેળ કરનાર એક શખ્સ સહીત બે શખ્સોને પોલીસે ઉઠાવી લઇ પુછતાછ હાથ ધરી છે.

મગફળી કૌભાંડમાં રિમાન્ડ પર રહેલ મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયા તથા રોહીત લક્ષ્મણભાઇ બોડા (રહે. લખધીરગઢ, તા. ટંકારા) સહીતના રર આરોપીઓના બેન્કીંગ વ્યવહારો અંગે  રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ૭ ટીમો દ્વારા  તપાસ હાથ ધરાઇ હતી. જેમાં મુખ્ય આરોપી મગન ઝાલાવડીયાના અનેક બેંક ખાતાઓ મળી આવ્યા હતા અને આ ખાતાઓમાં કરોડોના વ્યવહારો જોઇ પોલીસ ચોંકી ઉઠી હતી. એક બેંક ખાતામાં ૬ કરોડ રોકડ જમાની એન્ટ્રી  સામે આવતા પોલીસે તે અંગે તપાસ હાથ ધરી છે. જો કે મગન ઝાલાવડીયા પોતે એક કંપની ચલાવતો હોવાનું અને તેના બેન્કીંગ વ્યહારો હોવાનું રટણ કર્યુ હતું. પણ પોલીસેઆ રોકડ વ્યવહારો અંંગે ઉંડાણપુર્વક છાનભીન્ન શરૂ કરી છે.

દરમિયાન પકડાયેલ અન્ય આરોપીઓની  પુછતાછમાં જેતપુર પાસેના એક ગોડાઉનમાં મગફળીની ભેળસેળ કરાતી હોવાની કબુલાત અપાતા પોલીસે આ ગોડાઉનમાં દરોડા પાડી મગફળીમાં ભેળસેળ કરનાર શખ્સ સહિત બે શખ્સોને ઉઠાવી લઇ પુછતાછ હાથ ધરી છે.  મંડળી દ્વારા ખરીદ કરાયેલ મગફળીનો જથ્થો સિધો ઓઇલ મીલોમાં વેચી દેવાતો હોવાનું પણ ખુલ્યું છે. મંડળીના ગોડાઉનમાં અન્ય વેપારીઓ પાસેથી ખરીદ કરાયેેલ નબળી મગફળીનો જથ્થો મોકલી દેવાતો હતો. તેમજ મંડળી દ્વારા ખેડુતો પાસેથી ખરીદાયેલ મગફળી ડાયરેકટ ઓઇલ મીલોમા઼ વેચી દેવામા આવતી હતી તે ઓઇલ મીલોમાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજી બાજુ ઓડીયો કલીપમાં જેનું નામ છે તે માનસીંગ પોપટભાઇ લાખાણી (રહે. લાઠોદરા, તા. માળીયા હાટીના)  તેમજ ગોગન મેરામભાઇ ચુડાસમા (રહે. નાની ધાણેજ), દેવદાન મંગાભાઇ જેઠવા (રહે. મોટી ધાણેજ), ધીરૂ કાળાભાઇ જેઠવા (રહે. મોટી ધાણેજ) તથા હમીર બાવાભાઇ જેઠવા (રહે. મોટી ધાણેજ) ની ગઇકાલે ધરપકડ કરાયા બાદ આજે ઉકત પાંચેય આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.

રૂરલ એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે મગફળી કૌભાંડમાં પકડાયેલ તમામ આરોપીઓના બેન્કીંગ વ્યવહારમાં મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયાના બેંક ખાતામાં કરોડોના શંકાસ્દ વ્વહારો મળી આવતા તે અંગે તપાસ હાથ ધરાઇ છે. તેમજ મગફળીમાં ભેળસેળ કરનાર શખ્-સ સહિત બે શખ્સોને ઝડપી લેવાયા છે. આ જ સાંજ સુધીમાં આ બંન્નેની ધરપકડ કરાશે.

(3:39 pm IST)