Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

મજુરોને ગુનેગાર ગણાવી મગફળીના કૌભાંડ ઉપર પડદો પાડી દેવા હીન પ્રયાસ : ડો. દિનેશ ચોવટીયા

રાજકોટ તા. તા. ૮ : ત્રણ હજાર પાંચસો કરોડના મગફળી કૌભાંડમાં મોટામાથાઓને છાવરી મજુરોને ગુન્હેગાર ગણાવી પડદો પાડવા હીન પ્રયાસ થયો હોવાનું પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો. દિનેશ ચોવટીયાએ એક યાદીમાં આક્રોશભેર જણાવેલ છે.

આ મામલે સરકાર શ્વેતપત્ર બહાર પાડે તેવી માંગણી ઉઠાવી તેઓએ જણાવેલ છે કે આ કાંડ બહાર આવ્યો તેના અઠવાડીયા પહેલા ફોતરી ભરેલી ગાડીઓ ગોડાઉનમાં ઠલવાતી હતી. મગફળી ભરેલા કોથળા ખાનગી બહાર મીલોમાં રવાના થયા હતા. મગફળી કયા પીલાઇ ગઇ એ સવાલ પણ લોકોના મનમાં ઉઠી રહ્યા છે.

શાપરની ઘટનાને ત્રણ મહીના પુરા થવા છતા તપાસ કયાં પહોંચી, એફએસએલ રીપોર્ટ કયા ગયો? કૃષિ તજજ્ઞોનો રીપોર્ટ હજુ સુધી કેમ ન આવ્યો? સી.આઇ.ડી. ક્રાઇમે એમાં શું પગલા ભર્યા? આજ સુધી કેમ કોઇ આરોપીને ન્યાયના કઠેરામાં ઉભા ન રખાયા? આ સવાલો હજુએ અનુત્તર હોવાનું ડો. ચોવટીયાએ જણાવેલ છે.

પોલીસ મગર મચ્છોને છોડી માછલીઓ પકડવામાં વ્યસ્ત બની છે એ પુરવાર કરે છે કે મોટા માથાને છાવરવા  સરકાર પ્રયાસ કરી રહી છે. લોકોના આંખે પાટા બાંધવાને બદલે સત્યતા પુરવાર કરવા અંતમાં ડો. ચોવટીયાએ માંગણી ઉઠાવી છે. (૧૬.૧)

(3:38 pm IST)